કર્ણાટકના ઉડુપીમાં એક મહિલા અને તેના ત્રણ બાળકોની ઘાતકી હત્યા
ઉડુપી: કર્ણાટકના ઉડુપી જિલ્લામાં એક મહિલા અને તેના ત્રણ બાળકોની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે હત્યા પાછળના હેતુની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓ હજુ ફરાર છે.
એક અહેવાલ અનુસાર, મૃતકના ઘરની બાજુમાં રહેતી પાડોશી યુવતીએ બુમો સાંભળી ત્યાં દોડી આવી હતી. પરંતુ હત્યારાએ તેને પણ ધમકી આપી હતી. હુમલાખોરે મહિલાના સાસુ પર પણ છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પાડોશીએ પોલીસને જાણ કરી હતી.
ઉડુપીના પોલીસ તંત્રએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું, નેઝર ગામ પાસે ચાર લોકોની હત્યા કરવામાં આવી છે. મહિલા અને તેના ત્રણ બાળકોની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં આ હત્યા અંગત અદાવતના કારણે થઈ હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ મામલાની વધુ તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં હત્યાનું સાચું કારણ શોધી કાઢવામાં આવશે.
વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે હત્યા બાદ કરવામાં આવેલી તપાસ મુજબ ઘરમાંથી કોઈપણ પ્રકારની કિંમતી ચીજવસ્તુ ગુમ થઈ નથી. આ સૂચવે છે કે હત્યારાનો હેતુ લૂંટનો ન હતો, પરંતુ કંઈક બીજું હતું.
પોલીસ અધિકારીએ કહ્યું કે અમે એ પણ તપાસ કરી રહ્યા છીએ કે હત્યારાને બાળકો કે તેમની માતા પ્રત્યે કોઈ અંગત દુશ્મનાવટ હતી કે કેમ. આ હત્યાના કારણે વિસ્તારના લોકો ડરી ગયા છે.