નવી દિલ્હી: દિવાળી પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. રવિવારે દિવાળીના દિવસે સવારથી જ ઘણા વિસ્તારોમાં ફટાકડા ફોડવાની શરૂઆત થઈ ગઈ હતી, જયારે સાંજ પડતાં જ મોટા પાયે ફટાકડા ફૂટવા લાગ્યા હતા. 90 ડેસિબલની ધ્વનિ મર્યાદાને વટાવતા ફટાકડાના અવાજ રાજધાનીના લગભગ દરેક વિસ્તારમાં સંભળાયા હતા.
સોમવારની સવાર પડતાની સાથે જ દિલ્હી-એનસીઆરમાં ઘટ્ટ ઘુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું. તાજેતરના વરસાદ બાદ પ્રદૂષણના સ્તરમાં સુધારો જોવા મળ્યો હતો, દિવાળી બાદ ફરી એકવાર દિલ્હીનું આકાશ ધુંધળું દેખાઈ રહ્યું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)ના ડેટા અનુસાર, સોમવારે સવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) 300ની આસપાસ પહોંચી ગયો હતો. આનંદ વિહારમાં 296, આરકે પુરમમાં 290, પંજાબી બાગમાં 280 અને આઈટીઓમાં 263 એક્યુઆઈ નોંધાયો હતો.લોની ગાઝિયાબાદમાં સવારે 6 વાગ્યે એક્યુઆઈ 414 હતો, જ્યારે નોઈડા સેક્ટર 62માં એક્યુઆઈ 488, પંજાબી બાગમાં એક્યુઆઈ 500 અને રોહિણીમાં એક્યુઆઈ 456 હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે 7 નવેમ્બરના રોજ કહ્યું હતું કે બેરિયમ યુક્ત ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ દરેક રાજ્ય માટે લાગુ પડે છે. વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહેલા દિલ્હી એનસીઆર માટે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે રાજધાનીમાં ફટાકડા ફોડવાની મંજૂરી ન હોવી જોઈએ.