કેરોલિના રીપર પ્રકરણ-૫૫
પહેલીવાર પોલીસને મળવાથી માર પડવાને બદલે મજા આવી
પ્રફુલ શાહ
એટીએસના પરમવીર બત્રાને પ્લાસ્ટિકની થેલીમાંથી મળ્યો એક કોયડો:૧૨૧૨
પોતે જે વાંચી રહ્યા હતા એનાથી ડૉ. સલીમ મુઝફફરને આશ્ર્ચર્ય ન થયું, કારણ કે આની આછીપાતળી જાણકારી હતી એમને, પરંતુ વિગતવાર વાંચતા આનંદ થયો. તેમના નોંધ ટપકાવતા હાથ જોશમાં આવી ગયા.
છત્રપતિ શિવાજી મહારાજના મરાઠા લશ્કરમાં ઓછામાં ઓછા તેર જાણીતા મુસ્લિમ કમાન્ડર કે સૈનિક હતા. સિદ્દી હિલાલ, દૌલત ખાન, ઇબ્રાહિમ ખાન, સિદ્દી ઇબ્રાહિમ, સિદી વાહવાહ, નૂરખાન બેગ, શમા ખાન, હુસૈન ખાન, સિદી મિસ્ત્રી, સુલ્તાન ખાન, દાઉદ ખાન અને મદારી મહેતર….શિવાજી મહારાજના લશ્કરમાં સાઠ હજાર મુસલમાન સૈનિક હતા…. શિવાજી મહારાજે સ્થાપેલા મજબૂત નૌકાદળનું સુકાન મુસલમાનોના હાથમાં હતું…. હૈદરઅલી કોહારી હતા. શિવાજી મહારાજના સૌથી વિશ્ર્વાસુ સેનાપતિમાંના એક… નૂરખાન બેગ અંગત વિશ્ર્વાસુ … ઇબ્રાહિમ ખાન ગાર્ડી હતા. અહમદ શાહ સામેના પાણીપતનાં યુદ્ધમાં તોપખાનાના વડા…?
ડૉ. સલીમ અલીને થયું કે જો છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને લશ્કરમાં મુસલમાનો હોય તો એમના પુત્ર સંભાજી મહારાજના રાજમાંય એવું જ હશે? ડૉ. સલીમ મુઝફફર ધીમી પણ મક્કમ ગતિએ સાચી દિશામાં આગળ વધી રહ્યા હતા.
૦૦૦૦૦
રાજપુરીના દરિયાકિનારે બિઅરની બોટલ માણતા-માણતા પિંટયાના દોસ્તો ઇન્સ્પેક્ટર પ્રશાંત ગોડબોલે સાથે બરાબરના ખુલ્યા હતા, ખિલ્યા હતા.
એમને બિયર ઓફર થઇ તો હસીને બાલ્યો, “ડયૂટી પર હું ઔર વર્દી ભી પહની હૈ. ઔર બિયર કો મૈં કભી નહીં પીતા.
બધા હસી પડયા. એક બારમું પાસ બોલ્યો, “સ્ટ્રોંગ મેન, સ્ટ્રોંગ ડ્રિન્ક.
પિંટયાના દોસ્તોએ મોબાઇલ ફોનમાં પ્રસાદ રાવને ઓળખી બતાવ્યો અને પવલાને પણ.
પ્રસાદના ફોટા સામે જોઇને એક જણ બોલ્યો, “બહુ સ્ટાઇલબાઝ માણસ. લગભગ બે વાર. પિંટયાને મળવા આવ્યો હતો. એક વાર દૂરથી જોયો જાણે એ પિંટયાને ધમકાવતો હતો.
પ્રસાદ વિશે આટલું જાણવા મળ્યું એ પણ ઉપયોગી હતું. પવલાનો ફોટો જોઇને એક માણસે રીતસર એની સામે હાથ જોડયો. “આ અહીં રોકાયો હતો. ત્રણ-ચાર દિવસ અમે સાથે બેસતા હતા. પણ ક્યારેક કંઇ બોલે નહીં. આખો-આખો દિવસ દરિયામાં તરતો રહે. દૂર-દૂર જઇને પાછો આવે. મને લાગે છે કે એ રોજેરોજ ઝંઝિરા ફોર્ટ સુધી દરિયામાં આંટા ફેરા કરતો હતો.
“અત્યારે કયાં છે એ ?
“ખબર નહીં. મને લાગે છે કે પિંટયા પકડાઇ ગયો પછી એ દેખાયો નથી.
“કેવો માણસ લાગ્યો?
“એકદમ ગરીબડો લાગતો હતો. મૂંઝાયેલો હતો. કંઇ બોલતો નહોતો પણ કોઇ મોટી ભાંજગડમાં હોય એવું લાગતું હતું.
પછી બધા બિયર અને ગોસિપિંગમાં પડી ગયા. પ્રસાદ-પવલાને ઓળખનારા બન્નેના મોબાઇલ નંબર લઇને ગોડબોલે રવાના થયા. પિંટયાના દોસ્તો ખુશ થઇ ગયા.”પહેલીવાર પોલીસને મળવાથી માર પડવાને બદલે મજા આવી.
૦૦૦
એટીએસના પરમવીર બત્રાને દોડધામ વચ્ચે ઑફિસના ખૂણામાં પડેલી પ્લાસ્ટિકની થેલી દેખાઇ. તેમને યાદ આવ્યું કે આ થેલી તો “પ્રોડયુસર મનમોહન ભોઇધર ગામના કબ્રસ્તાનમાંથી લાવ્યો હતો. બાદશાહે તોપચી અબ્દુલ હમીદુલ્લા ‘ગુલાબ’ની કબર પર ચડાવેલી સામગ્રી હતી.
આ મામલે વધુ વિચારાયું નહીં એના રંજ સાથે બત્રાએ થેલી પોતાના ટેબલ પર ઠાલવીને ખાલી કરી. અત્તરની બાટલી અને અગરબત્તીનું બોકસ ધ્યાનથી જોયું. ગુલાબની સુકાયેલી પત્તીઓ પણ જોઇ. પછી ગુલાબ જે પડીકામાં વીંટીને લાવ્યો હતો. એ અખબાર પણ જોયું. પહેલી નજરે છાપામાં ખાસ કંઇ જોવા જેવું ન લાગ્યું, પરંતુ જયાં જયાં એક બે કે ૧૨નો આંકડો હતો ત્યાં પેન્સિલથી ઝાંખા ઝાંખા કુંડાળા કરાયા હોય એવું લાગ્યું.
બત્રાએ બિલોરી કાચ કાઢીને ધ્યાનપૂર્વક જોયું તો એ સાચું નીકળ્યું. પેપરમાં આ આંકડા થકી બાદશાહ કોઇને કંઇ મેસેજ આપવા માગતો હતો? કે પછી આ કોઇ બાળકે કરેલો ટાઇમપાસ હતો? જો કોઇ કોડવર્ડ હોય તો એ શું હશે? કોના માટે હશે?
ત્યાં જ બત્રા પર ફોન આવ્યો. “સર, ભોઇધરના કબ્રસ્તાનમાં એક માણસ ઘુસ્યો હતો. એણે કબ્રસ્તાનની એક કબર પાસે માથું ઝુકાવ્યું. પછી આસપાસ કંઇ શોધતો હોય એમ જોયું. અચાનક મારા મોબાઇલ ફોનની રિંગ વાગતા એ એકદમ ભાગી ગયો.
“ઓહ…. ચેક કરી એ કબર?
“હા, સર. કોઇ તોપચી અબ્દુલ હમીદુલ્લા ‘ગુલાબ’ની કબર હતી એ!
દિલ્હીના મુખ્ય પ્રધાન સુંદરલાલ વર્માને જાણીતા પત્રકાર પણ મૂળમાં પાવર બ્રોકર એવા આદિત્ય સકલેચાએ મેસેજ મોકલ્યો. ‘વેરી અર્જન્ટ. જેટલું મોડું કરશો એટલું આપનું નુકસાન વધશે?’
સકલેચા હવે નામ માત્રનો પત્રકાર હતો. કહો તો પત્રકારત્વ એનું અતીત હતું. હજી ક્યારેક અમુક અખબારમાં છૂટાછવાયા લેખ છપાતા એના નામ સાથે. દિલ્હી પ્રેસ કલબની ગોસિપબાજી મુજબ એ લેખ પણ ઘોસ્ટ રાઇટિંગની પેદાશ હતી, પરંતુ દેશના દરેક રાજકીય પક્ષોમાં એના દોસ્તો હતા. ‘દુશ્મન’ શબ્દથી જ એને નફરત હતી. એનો સિદ્ધાંત હતો ‘જીવતા રહો, ખુશ રહો અને કમાતા રહો.
દિલ્હીમાં બહુ ઓછા મોટા માથા આદિત્ય સકલેચાના ફોન કે સંદેશાની અવગણના કરતા હતા. સુંદરલાલ વર્માએ પણ સામે મેસેજ મૂકયો: ‘કયાં? કયારે?’
તરત જવાબમાં એક લોકેશનની લિન્ક આવી. સાથે શોર્ટ એન્ડ સ્વીટ મેસેજ: ‘બને એટલું જલદી’ વર્માએ ડ્રાઇવરને આદેશ આપ્યો. “જોર બાગ લે લો.
ડ્રાઇવરને આઘાત લાગ્યો કે ક્યાં જવાનું હતું અને હવે સાવી ઊંધી દિશામાં વળવાનો આદેશ? જોર બાગ એટલે ધનવાનનો વિસ્તાર. પ્રજાના પ્રતિનિધિઓ, માજી પ્રધાનો, કાનૂની નિષ્ણાતો અને નામવંતોનો મોંઘોદાટ એરિયા.
આ પોશ એરિયાની લકઝુરિયસ કલબમાં મુખ્ય પ્રધાન સુંદરલાલ વર્માના હોશ ઊડી જવાના હતા.
૦૦૦
કરણ રસ્તોગીની આક્રમક માર્કેટિંગની જાહેરખબર બાદ દીપક-રોમાને કિરણનો ચહેરો જોવામાં અને એના પ્રતિભાવ જાણવામાં રસ હતો. ઇંતેઝારી હતી, પરંતુ કિરણ તો જાણે કંઇ ન બન્યું હોય એમ ઑફિસમાં સહજભાવે આવી મોટાભાગનો સમય મોહનકાકુ સાથે રહી. વચ્ચે બન્ને બે કલાક કયાંક જઇ આવ્યા. ત્યાંથી કિરણે વ્હોટસએપમાં રાજાબાબુ મહાજનને ચાર-પાંચ ઇમેલ મોકલાવી સામેથી મંજૂરી રૂપે બે-ત્રણ સ્માઇલી આવી.
કિરણે કોઇને ફોન કર્યો. “સતત ત્રણ દિવસ. ફિક્સ પેજ, ફિક્સ પ્લેસ, ભાવતાલ બરાબર ખેંચીને મને ફાઇનલ જણાવો.
આ બધુ વટથી કરતી કિરણને મોહનકાકુ અહોભાવથી જોઇ રહ્યા. પણ કિરણે વારાફરતી વિકાસને અને ગૌરવ ભાટિયાને ફોન કર્યો, વાત એક જ “પ્લીઝ, મને અપડેટ્સ આપો.
મોહનકાકુને થયું કે છોકરી બિન-અનુભવી હશે પણ જરાય કાચીપોચી નથી.
૦૦૦
બીજા દિવસે મહાજન પરિવાર બ્રેકફાસ્ટ ટેબલ પર હતો ત્યાં દીપક ધૂંઆંપૂંઆં થતો આવ્યો. ટેબલ પર છાપાં પછાડીને એ બોલ્યો,”મહાજન મસાલામાં થઇ શું રહ્યું છે? આજે મોટા ભાગનાં છાપામાં પહેલે પાને આવેલી પા પાનાની જાહેરખબરનો અર્થ શું છે? કોણે મંજૂર કર્યું આ કેમ્પેઇન.
કિરણ ચામાં સાકર ભેળવતા માથું નીચે રાખીને જ બોલી, “આ કેમ્પેઇન મારું બ્રેઇનચાઇલ્ડ છે. એને પપ્પાએ મંજૂરી આપી છે.
થોડા ઢીલા પડેલા અવાજે દીપક બોલ્યો, પણ આ જાહેરખબરથી સાબિત શું થાય છે? કે બીજાને ફાયદો શું?
કિરણે ચાનો કપ ઉપાડીને બોલી, “એના ફાયદા કે નુકસાન માટે હું જવાબદાર છું.
રોમાએ પેપરમાંથી માથું ઊંચક્યું. “પહેલે પાને છ કવાર્ટર પેજમાં લાલચોળ બેકગ્રાઉન્ડ એની બોર્ડર પર અંગ્રેજી આલ્ફાબેટ સી સી, સી લખેલું છે. નીચે નાના અક્ષરમાં વંચાય છે મહાજન મસાલા, આપનો આજીવન સ્વાદિષ્ટ સાથી. આમાં શું સમજવું? સી એટલે કેપ્સીકમ ?
“જેને જે સમજવું હોય એ સમજે. ન સમજાય એ આગલા દિવસના અખબારની રાહ જુએ.
“તો કેટલા દિવસ આ જાહેરખબર આવવાની છે?
“એ જાણવા તો રોજેરોજ પેપર જોવા પડશે.
રાજાબાબુ મનોમન મલકાતા હતા. માલતીને આશ્ર્ચર્ય થયું કે કિરણ આટલું બધું બોલી શકે છે, કરી શકે છે. મમતાને થયું કે ભાભીને ભેટી પડું. વ્હૉટ એ લેડી.
કિરણે બ્રેડ ટોસ્ટ પર બટર લગાડતા રાજાબાબુ સામે જોયું. “પપ્પા તમને ખબર છે કે ઘણા ઑફિસમાં મને કેપ્સિકમ ગણાવે છે. હા. હું કેપ્સિકમ જેવી જ હતી પણ હવે બધાને ખબર પડશે કે કેપ્સિકમની અંદર શું હતું? એટલે પપ્પા, મોહનકાકુને કહીને ઑફિસમાં થોડા વધારે ટીસ્યુ પેપર મગાવી લીધા છે. લોકોને પરસેવો અને આંસુ લૂંછવા માટે જરૂર પડશે. (ક્રમશ)