માતા લક્ષ્મીનું એવું મંદિર જ્યાં મૂર્તિ બદલે છે રંગ…
દિવાળીનો તહેવાર 12મી નવેમ્બરે એટલે કે આજે તમામ ભારતીયો ધામધૂમથી ઉજવશે. આજે લોકો દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની વિશેષ પૂજા કરશે. એવું કહેવાય છે કે જો ધનની દેવી તમને આશીર્વાદ આપે છે તો જીવનમાં આર્થિક રીતે હેરાન થવું પડતું નથી. દિવાળીની પૂજા સુખ-સમૃદ્ધિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ભારતમાં આમ તો દેવી-દેવતાઓના અનેક અનોખા મંદિરો છે જ્યાં અનેક ચમત્કારો થાય છે. કેટલીક જગ્યાએ મૂર્તિઓ પોતાની મેળે ગર્ભગૃહમાંથી બહાર આવે છે તો કેટલીક જગ્યાએ મૂર્તિઓનો આકાર બદલાઈ જાય છે.તેવી જ રીતે દેવી લક્ષ્મીનું પણ મંદિર છે જ્યાં દેવીની મૂર્તિનો રંગ બદલાઈ જાય છે. કહેવાય છે કે આ મંદિરમાં દર્શન અને પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. ખાસ કરીને તો અહી દર્શન કરવાથી આર્થિક તંગી દૂર થાય તેવા માન્યતા છે.
હું વાત કરી રહી છું મધ્યપ્રદેશના જબલપુરમાં સ્થિત પચમઠા મંદિરની. તેનો ઇતિહાસ લગભગ 1100 વર્ષ જૂનો છે ગોંડવાના શાસનની રાણી દુર્ગાવતા સાથે જોડાયેલો છે. આ મંદિર રાણીના દીવાન આધાર સિંહના નામ પરથી અધરતલ તળાવમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર દેવી લક્ષ્મીને સમર્પિત છે અહી અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ છે.
આ મંદિર તંત્ર સાધના માટે પણ જાણીતું છે. પરંતુ આ મંદિરની વિશેષતા એ છે કે અહીં સ્થાપિત દેવી લક્ષ્મીની મૂર્તિનો રંગ દિવસમાં ત્રણ વખત બદલાય છે. જેના કારણે તેને અનોખા મંદિરોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. મૂર્તિનો રંગ સવારે સફેદ, બપોરે પીળો અને સાંજે વાદળી થઈ જાય છે. આ ઉપરાંત સૂર્યના કિરણો પણ મંદિરમાં દેવી માતાના ચરણોમાં પડે છે. લોકો માને છે કે સૂર્ય ભગવાન આ રીતે દેવી લક્ષ્મીને નમસ્કાર કરે છે.
આ મંદિરમાં મૂર્તિનો રંગ બદલાવો એક રહસ્ય છે. અહીં આસ્થામાં લીન ભક્તોનો અવિરત પ્રવાહ રહે છે. જો કે શુક્રવારે અહીં પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેના કારણે શુક્રવારે આ મંદિરમાં વધુ ભીડ જોવા મળે છે.