વેબ સિરીઝ ફૌદાના ક્રુ મેમ્બરનું ગાઝામાં મૃત્યુ…
ગાઝામાં હમાસ સાથે લડતી વખતે ઈઝરાયલના નેટફ્લિક્સ શો ‘ફૌદા’ પ્રોડક્શન ક્રૂના એક સભ્યનું મોત થયું છે. શનિવારે ફૌદા સિરીઝના એક્સ એકાઉન્ટ પર આ માહિતી શેર કરવામાં આવી હતી. ટીમ ફૌદાએ એક્સ પર લખ્યું હતું કે ફૌદાના તમામ કલાકારો અને ક્રૂ મેમ્બર્સ આ નુકસાનથી ખૂબ જ દુઃખી છે. અમે માતનના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. તેમની આત્માને શાંતિ મળે. માતન મીર ઇઝરાયલી સૈનિકોમાંના એક હતા જેમનું શુક્રવારે ઉત્તરી ગાઝામાં હમાસ સામેના યુદ્ધ દરમિયાન મોત થયું હતું.
‘ફૌદા’ એક ઈઝરાયલની ટેલિવિઝન સીરિઝ છે, જેને ઈઝરાયેલના ડિફેન્સ ફોર્સના પૂર્વ સૈનિકો લિઓર રજ અને એવી ઈશ્ફારોફ દ્વારા બનાવવામાં આવી હતી. આ સિરીઝ નેટફ્લિક્સ દ્વારા તેના પ્લેટફોર્મ પર ડિસેમ્બર 2016માં રિલીઝ કરવામાં આવી હતી. આ ઇઝરાયલના સૌથી લોકપ્રિય શોમાંથી એક છે. આ શો અરબી અને હીબ્રુમાં ફિલ્માવવામાં આવ્યો હતો જે હાલમાં અંગ્રેજી સબટાઈટલ સાથે નેટ પર જોવા મળે છે.
ફૌદા’માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ઈઝરાયલની સંરક્ષણ દળો અને ગુપ્તચર એજન્સીઓ પેલેસ્ટાઈન અને ગાઝામાં તેમના દુશ્મનો સાથે વ્યવહાર કરે છે. અગાઉ અન્ય એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં ફૌદા વેબ સિરીઝમાં ડોરોનની ભૂમિકા ભજવનાર દિગ્દર્શક અને અભિનેતા લિયોર રજ હમાસ દ્વારા છોડવામાં આવતા રોકેટ વચ્ચે ઇઝરાયલીઓને બચાવતા જોવા મળ્યા હતા. લિઓરે પોતે આ વીડિયો પોતાના એક્સ હેન્ડલ પર શેર કર્યો હતો.
વીડિયોમાં તે દિવાલની પાછળ છુપાઈને લોકોને બચાવતો જોવા મળ્યા હતા જ્યારે બીજી બાજુથી આકાશમાં રોકેટ છોડવામાં આવી રહ્યા હતા. ફૌદામાં સાગીની ભૂમિકા ભજવનાર ઇદાન અમેદી પણ ઇઝરાયલની સેના તરફથી હમાસ સામે યુદ્ધ લડી રહ્યા છે.