ઇન્ટરનેશનલ

ઈઝરાયેલે પ્રથમ વખત એરો-3 ઈન્ટરસેપ્ટરનો ઉપયોગ કરીને હુથી બળવાખોરોના હુમલાને નિષ્ફળ કર્યો

નવી દિલ્હીઃ ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામ માટે સંયુક્ત રાષ્ટ્રના સતત પ્રયાસો વચ્ચે ઇઝરાયેલે ઈરાન સમર્થિત હુથી બળવાખોરો સામે તેના અત્યાધુનિક એરો-3 મિસાઈલ ઈન્ટરસેપ્ટરનો ઉપયોગ કર્યો હતો. ઇઝરાયેલે પ્રથમ વખત આ મિસાઇલનો ઉપયોગ કર્યો છે. ઇઝરાયેલી સૈન્યએ જાહેરાત કરી હતી કે તેના હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ ઇન્ટરસેપ્ટરે લાલ સમુદ્રમાંથી ઇઝરાયલ તરફ આવતા લક્ષ્યને સફળતાપૂર્વક અટકાવીને તેનો નાશ કર્યો હતો.

ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલયે પણ મિસાઈલ લોન્ચને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું, “એરો 3 સિસ્ટમનું પ્રથમ સફળ ઓપરેશનલ ઇન્ટરસેપ્શન: ઇઝરાયેલી એર ડિફેન્સ એરે ટુકડીઓએ એરો 3 ઇન્ટરસેપ્ટરને સફળતાપૂર્વક લોન્ચ કર્યું, જેણે લાલ સમુદ્રના વિસ્તારમાં ઇઝરાયેલ તરફ લોન્ચ કરવામાં આવેલા લક્ષ્યને અસરકારક રીતે અટકાવ્યું હતું.” ઇઝરાયેલ સંરક્ષણ દળોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2017માં તેની તૈનાતી પછી એરો 3નું આ પ્રથમ ઓપરેશનલ ઇન્ટરસેપ્શન હતું.

એરો 3 મિસાઇલ એ વિશ્વની સૌથી અદ્યતન મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓમાંની એક છે. તે ખાસ કરીને લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલોને અટકાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ સિસ્ટમ ઈઝરાયેલ મિસાઈલ ડિફેન્સ ઓર્ગેનાઈઝેશન અને યુએસ મિસાઈલ ડિફેન્સ એજન્સી વચ્ચેના સહયોગી પ્રયાસનું પરિણામ છે. અબજો ડોલરની એરો ગ્રૂપની મિસાઈલો ઈરાનના હુમલાના ખતરાથી બચવા માટે વિકસાવવામાં આવી હતી. હાઇપરસોનિક એરો 3 મિસાઇલ જૂની એરો 2 કરતા વધુ ઝડપથી અને વધારે ઉંચાઇ પર જવાની ક્ષમતા ધરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button