ઉત્સવ

અમદાવાદની આ માનૂનીએ યુએઈમાં ગુજરાતને ધબકતું રાખ્યું છે

મુંબઈ સમાચાર ટીમ
ગુજરાતના ગરબા હોય કે ગુજરાતનું જમણ હોય જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં તે જોવા મળે છે, પણ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદ-વડોદરામાં એક બીજો પણ તહેવાર છે જે ખૂબ જ ઉત્સાહથી મનાવાય છે અને તે છે ઉત્તરાયણ અથવા મકરસંક્રાંતી. આ દિવસે ભૌગોલિક ફેરફાર તો થાય છે, પણ તે સાથે એક ખાસ પરંપરા જોડાયેલી છે અને તે છે પતંગ ચગાવવાની. આ પતંગ ચગાવવાની મજા અમદાવાદથી દુબઈ સાથે લઈ ગયેલી એક ગુજરાતી મહિલાએ દુબઈ સહિત યુએઈના ઘણા દેશોને કાઈટ ફૅસ્ટિવલનું આયોજન કરતા કરી દીધા છે. આ મહિલાનું નામ છે સોનલ રાવલ. ક્લાસિક કોન્સેપ્ટના નામે ઈવેન્ટ મેનેજમેન્ટ ચલાવતા સોનલબેને દુબઈ અને યુએઈના ઘણા ભાગોમાં ભારતીયતા અને ગુજરાતીપણાને ધબકતું રાખ્યું છે.

મૈં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા…આ ગીતની પંક્તિ સોનલબેનને અનુરૂપ છે. મૂળ હળવદના અને અમદાવાદમાં ઊછરીને મોટા થયેલાં સોનલબેન લગ્ન કરી દુબઈ આવ્યાં. અહીં આવ્યાના થોડા સમયમાં જ તેમણે એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં નોકરી જોઈન કરી. તે સમયે ઈન્ડિયા અસોસિયશન દ્વારા ફ્રીમાં ટાઈપ રાઈટિંગ શિખવાડવામાં આવતું હતું. હંમેશાં નવું શિખવાના શોખિન સોનલબેને આ ક્લાસ જોઈન કર્યા અને તેમની આ આવડતે તેમને એક જાણીતી અમેરિકન કંપનીમાં સેક્રેટરીની પોસ્ટ મેળવવામાં મદદ કરી. તે બાદ તેમણે બીજી સારી કંપનીઓમાં પણ જોબ કરી. થોડા સમય બાદ પરિવાર તેમ જ બે સંતાનની જવાબદારીને લીધે તેમણે બ્રેક લીધો. ફરી જ્યારે કામ કરવાનું મન થયું ત્યારે સીધું સાહસ કર્યું ને શરૂ કરી કોર્પોરેટ ગિફ્ટ આઈટમ્સની કંપની. આ બધા વચ્ચે તેઓ ગુજરાતને મિસ કરતા હતા અને તેમને થયું કે જેમ હું કરું છું તેમ અહીં રહેતા તમામ ગુજરાતીઓ કરતા જ હશે. બસ ત્યારથી તેઓ ખાસ કરીને ગુજરાતી સાહિત્ય, ગીત-સંગીત, હાસ્યના શૉનું દુબઈમાં આયોજન કરે છે અને દુબઈમાં ગુજરાતીપણાને જીવંત રાખે છે. જોકે માત્ર ગુજરાતી જ નહીં તેઓ દરેક ભાષાના કાર્યક્રમો કરે છે અને કલા સિવાય સ્પોર્ટ્સ અને
બિઝનેસ ઈવેન્ટ્સને પણ સફળતાપૂર્વક ઑર્ગેનાઈઝ કરે છે. શાહબુદ્દીનભાઈ રાઠોડથી લઈ આજના સ્ટેન્ડ અપ કૉમેડિયન્સના શૉ તેમણે કર્યા છે. ડાયરાનો રંગ પણ જમાવે છે. તેમણે ૧૯૯૮થી દુબઈમાં કાઈટ ફૅસ્ટિવલની શરૂઆત કરી હતી. ત્યારબાદ સાઉદી અરેબિયામાં કાઈટ ફેસ્ટિવલ કર્યા છે, જેમાં ૨૦થી વધારે દેશના કાઈટ ફ્લાયર્સને બોલાવ્યા હતા. તેમની આ કાબેલિયત જોઈ અબુધાબીની સરકારે તેમને અહીં કાઈટ ફૅસ્ટિવલનું આયોજન કરવા નિમંત્રણ આપ્યું છે. આપણે જે બેથી ચાર કલાકના કે એક બે દિવસના કાર્યક્રમોની નિરાંતે મજા માણી તાજામાજા થઈ જઈએ છીએ તેનાં આયોજન માટે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ દિવસરાત એકઠા કર્યા હોય છે. આ કામ સહેલું નથી ત્યારે બીજા દેશમાં એક મહિલાએ આ સિદ્ધિ મેળવી છે તે પ્રશંસાને પાત્ર છે જ. દુબઈમાં ૪૫ વર્ષથી રહેતાં સોનલબેન કહે છે કે દરેકે પોતાના ભાગનો સંઘર્ષ તો કરવો જ પડે છે, પણ અહીં નવું કામ શરૂ કરવું સહેલું છે. વિવિધ પરવાનગીઓ મેળવવાથી માંડી આયોજન કરવા માટે અહી સુવિધાઓ છે. આ સાથે અહીંયા છે સુરક્ષા. કોઈ ડર વિના કામ કરી શકાય છે અને આ માટે જ અહીંના શાસકો પ્રત્યેના પોતાના અહોભાવને પ્રગટ કરવા અને તમામ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરવા તેઓ દુબઈથી અબુધાબી સુધી ચાલતા ગયા હતા. વાત એમ હતી કે અહીંના સુલતાન (ખફુ ઙયફભય ઇય ઞાજ્ઞક્ષ ઇંશળ) હીસ હાઈનેસ ઝહીદ બિન સુલતાન અલ નાહયાન ૧૯૯૮માં બીમાર પડ્યા હતા. ત્યારે તેમણે તેમના સ્વાસ્થ્યની પ્રાર્થના સાથે ૧૬૦ કિમીનું અંતર ચલતા ચાલતા ચાર દિવસમાં પૂરું કર્યું હતું અને અબુધાબી ગયા હતા. આ ચાર દિવસ તેમને પોલીસનું રક્ષણ પણ આપવામાં આવ્યું હતું.

આમ તો મહિલાની ઉંમર પૂછાય નહીં ને જણાવાય પણ નહીં, પરંતુ અમે તમને ખાસ જણાવીશું કે સોનલબેન હાલમાં ૬૫ વર્ષના છે. હા, એ વાત ખરી કે તેમને મળશો તો તમે માનશો નહીં. આ જણાવવાનું કારણ તેમનો બીજો એક ચહેરો છે જે તમારી સામે લાવવો છે. ૫૦ વર્ષની ઉંમરે જ્યારે લોકો અને ખાસ કરીને મહિલાઓ નિવૃત્ત થવાની વાત કરતી હોય છે ત્યારે સોનલબેને પોતાના રમત ગમત અને સાહસો ખેડવાના શોખ સાથે સેક્ધડ ઈનિંગ શરૂ કરી. અમદાવાદમાં હોકી પ્લેયર રહી ચૂકેલા સોનલબેન માઉન્ટ એવરેસ્ટ જેવા પહાડો ચડવાથી સાઉથ આફ્રિકાના સૌથી ઊંચા પહાડ કિલીમંજારો ચડ્યા છે આ સાથે ડોલ્ફિન સાથે તરણ કરવાની, ચીનની દીવાલ ચડવાની, સાઇકલમાં પ્રવાસો કરવાની, ૫૨ માળની બિલ્ડિંગ ચડવાની, મેરેથોનમાં ભાગ લેવાની, રિવર રેફ્ટિંગ જેવી અનેક પ્રવૃત્તિઓ કરી છે અને તેમાં પ્રાઈઝ પણ જીત્યા છે. આ મોટાભાગની પ્રવૃત્તિઓ તેઓ ચેરિટી માટે કરે છે. ૪૦ દેશનું ખેડાણ કરી ચૂકેલા સોનલબેનની હજુ સાહસો કરવાની ઈચ્છા છે અને આ યાદી લાંબી છે. લાઈફ આફ્ટર ૫૦ને તે વધારે એન્જોય કરી રહ્યા છે અને કામ અને શોખ બન્નેના કોમ્બિનેશનવાળું જીવન જીવી રહ્યા છે. તેઓ મહિલાઓને ખાસ સલાહ આપે છે કે તમે ચહેરા પર શું લગાડો છો તે મહત્ત્વનું નથી, પરંતુ શરીરમાં શું નાખો છો અને સ્વાસ્થ્યને કેટલું જાળવો છો તે મહત્વનું છે. પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં તેઓ એક જ સિદ્ધાંત સાથે કામ કરે છે કે કોઈને નડવું નહીં અને પોતાના કામનો આનંદ લેવો.

બસ
ત્યારથી સોનલબેન ગુજરાતી સાહિત્ય, ગીત-સંગીત, હાસ્યના શૉનું દુબઈમાં આયોજન કરે છે અને દુબઈમાં ગુજરાતીપણાને જીવંત રાખે છે. જોકે માત્ર ગુજરાતી જ નહીં તેઓ દરેક ભાષાના કાર્યક્રમો કરે છે અને કલા સિવાય સ્પોર્ટ્સ અને બિઝનેસ ઈવેન્ટ્સને પણ સફળતાપૂર્વક ઑર્ગેનાઈઝ કરે છે. શાહબુદ્દીનભાઈ રાઠોડથી લઈ આજના સ્ટેન્ડ અપ કૉમેડિયન્સના શૉ તેમણે કર્યા છે. ડાયરાનો રંગ પણ જમાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button