ઉત્સવ

અહીંનો ગુજરાતી સમાજ તમને સતત કરાવે છે ગુજરાતીપણાનો અહેસાસ

દુબઈ સહિતના યુએઈના પ્રાંતો એક ખૂબ જ સુરક્ષિત, સમૃદ્ધ અને સારી રોજગારી આપતા દેશો છે. અહીં વિવિધ ધર્મ, જાતિ, સમુદાયના લોકો આવ્યા છે અને વસ્યા છે. અહીં તમને તમારા ધર્મ કે પરંપરાઓ અનુસરવાની પૂરી સ્વતંત્રતા છે અને સુવિધા પણ છે અને લગભગ એટલે જ અહીં વસતા ભારતીયોને સતત ભારતીયપણાનો અહેસાસ થાય છે અને હોમસિકનેસ ઓછી ફીલ થાય છે.
આજે આપણે વાત કરશું અહીં વસતા વિવિધ ગુજરાતી સમાજ અને તેમણે ત્યાં પણ વસાવેલા ગુજરાતની. “જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિની સાર્થકતા તમને આમ તો વિશ્ર્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં જણાશે, પણ દુબઈમાં તો ખાસ.

મુંબઈ સમાચાર ટીમ
દુબઈને સિટી ઓફ ગોલ્ડ તરીકે જ ઓળખવામાં આવે છે. સોનાની આ નગરીમાં હજારો ગુજરાતી સોની પરિવારો રહે છે. મોટે ભાગે સોનીકામ સાથે સંકળાયેલા છે, જોકે તેમની નવી પેઢી હવે નવી કારકિર્દી તરફ પણ જઈ રહી છે, પરંતુ હજુ સોનીકામ સાથે જોડાયેલા લોકોની સંખ્યા વધારે છે. સોની સમાજમાં બે વિભાગ છે શ્રીમાળી સોની સમાજ અને પરજિયા સોની સમાજ. આ બન્ને સમાજના લોકો દુબઈમાં લગભગ છએક દશક કે તેના કરતા વધારે સમયથી વસ્યા છે.

સમસ્ત શ્રીમાળી સોની સમાજના લગભગ ૪૦૦ જેટલા રજિસ્ટર્ડ સભ્ય છે. પોતાના સમાજ સાથે સંપર્ક રહે, કોઈને જે પણ પ્રકારની મદદની જરૂર હોય તો ઊભા રહી શકાય અને સાથે મળીને તહેવારો ઉજવી શકાય તે માટે તેઓ વિવિધ સ્તરે કામ કરે છે. અહીં ચુંદડી મનોરથથી માંડી શરદ પૂનમમાં દૂધપૌઆ સાથે ઉજાણી થાય છે. દિવાળીમાં સ્નેહમિલન થાય છે, પિકનિક થાય છે, પરીક્ષામાં ઉતીર્ણ થતા વિદ્યાર્થીઓનું સન્માન થાય છે. ટૅકનોલૉજીનો ઉપયોગ કરી આ સમાજના લોકો વોટ્સ એપ સહિતના સોશિયલ મીડિયા પ્લેફોર્મથી જોડાયેલા રહે છે અને કોઈની ગમે તેવી જરૂરિયાત હોય તેને પૂરી કરે છે. આ સાથે ભારતના લોકો સાથે પણ જોડાયેલા છે. જોકે તેઓ માત્ર પોતાના સમાજ કે ગુજરાતીઓને મદદરૂપ થાય છે તેમ નથી, પણ જેવી તેમની શક્તિ હોય તે પ્રમાણે સૌ માટે મદદરૂપ થવાની કોશિશ કરે છે.

આવી જ

પ્રવૃત્તિઓ પરજિયા સોની સમાજ કરે છે, જે અહીં મોટી સંખ્યામાં વસે છે. અહીં ૬૦ વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. જ્યારે ધૂળિયા મેદાન હતા ત્યારથી અહીં આ સમાજ નવરાત્રીના નવ દિવસ રાસગરબાનું આયોજન કરે છે. તાજેતરમાં જ અહીંયા ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવથી હવનનું આયોજન થયું હતું જેમાં ૭૦૦થી ૮૦૦ લોકોએ ભાગ લીધો હતો. તેમનું આયોજન જોઈને તમને અહીં જાણે એક ભારત વસતું હોય તેમ જ લાગે. આ સમાજનું પણ સંગઠન છે જેમાં અલગ અલગ જવાબદારીઓ માટે ખાસ સભ્યો જહેમત ઉઠાવે છે. ખાસ કરીને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે એક કમિટી છે, તે ખૂબ જ ચોકક્સાઈપૂર્વક પોતાનું કામ કરે છે.

આવું જ સંગઠન છે અહીંના જૈન સમાજનું. અહીંના જૈન સમાજનું એક મુખ્ય સંગઠન છે અને તેઓ ત્રણ અલગ અલગ પાંખ ધરાવે છે. ધાર્મિક પ્રવૃત્તિઓ માટે, સામાજિક કાર્યો માટે અલગ અલગ પાંખ છે અને એક જીતોની દુબઈ પાંખ છે. સૌથી મજાની વાત તો એ છે કે અહીં જૈન ધર્મના તમામ ફીરકા શ્ર્વેતાંબર જૈન, દિગંબર જૈન, સ્થાનકવાસી અને દેરાવાસી જૈન સમાજ સાથે મળી તમામ પ્રવૃત્તિઓ કરે છે. પર્યુષણ, આંબેલ, સાધુસંતોના રહેવા કરવાની વ્યવસ્થા સાથે નવી પેઢીમાં ધર્મ પારયણતા આવે તે માટે ખાસ વર્ગો વગેરેનું આયોજન કરવામાં આવે છે.

કોરોના સમયે આ સંગઠને કોઈ જાતિ, ધર્મ, દેશ, ભાષાને ધ્યાને ન લેતા માત્ર જરૂર હોય ત્યાં મદદનો હાથ લંબાવ્યો હતો. તેમણે વડીલો અને બાળકો વચ્ચે લાગણીનો સેતુ બંધાયેલો રહે તે માટે રિશ્તે નામનો પણ એક કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં સિનિયર્સ પોતાના અનુભવોથી જૂનિયર્સને ગાઈડ કરે અને જૂનિયર્સ તેને ટૅકનોલૉજીથી માંડી આજના વિશ્ર્વનો પરિચય આપે.
આ રીતે જ પટેલ સમાજ પણ ખાસ કરીને વર્ષ ૨૦૦૩થી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. ખાસ કરીને સોના અને હીરાના બિઝનેસ સાથે જોડાયેલો આ સમાજ જ્યારે જેને જેવી જરૂર ઊભી થાય તે પ્રમાણે મદદ કરવા દોડી જાય છે. વિવિધ કાર્યક્રમો યોજે છે અને તેમાં જે ઈચ્છે તે ભાગ લઈ શકે તેવી વ્યવસ્થા રાખે છે.

તેઓ જે દેશમાં રહે છે તે દેશ, તેના નિયમો તેની પરંપરાનું પણ એટલું જ સન્માન કરે છે. અહીંના કાયદો અને વ્યવસ્થા સૌને ગમે છે. અહીં વ્યક્તિની ઓળખ તેની જ્ઞાતિ કે ધર્મ નથી. આ ગુજરાતીઓ પણ જ્ઞાતિના સીમાડામાંથી બહાર નીકળી એક થઈ રહે છે. એ તો કેવો “ગુજરાતી જે હો કેવળ ગુજરાતી આ પંક્તિને તેઓ સાર્થક કરે છે. જે દેશમાં રહેતા હોય તેના રંગમાં રંગાઈ જવાનું અને પોતાના મૂળ વતનના રંગોને પણ તેમાં ઘોળી લેવાના તે અહીં વસતા ભારતીયો પાસેથી શિખવા જેવું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button