પાકિસ્તાન વિશ્ર્વકપમાંથી બહાર ફેંકાયુ
ઇંગ્લેન્ડ સામે ૯૩ રનથી પરાજય
કોલકાતા: અહીં શનિવારે રમાયેલી વિશ્ર્વકપની મેચમાં પાકિસ્તાન ઇંગ્લેન્ડ સામે ૯૩ રને હારી જતાં સૅમિફાઇનલમાં પ્રવેશવાની તેની બચેલી થોડી આશા પર પણ પાણી ફરી વળ્યું હતું.
પાકિસ્તાનના બધા બૅટ્સમેન ૪૩.૩ ઓવરમાં ૨૪૪ રન કરી આઉટ થયા હતા.
પાકિસ્તાનની બૅટિંગની શરૂઆત બહુ ખરાબ રહી હતી. તેણે પહેલી વિકેટ એક પણ રનનું ખાતું ખોલાવ્યા વિના તુરત જ ગુમાવી હતી. બીજી વિકેટ દસ રનના જુમલે પડી હતી, જ્યારે ૬૧ રનના જુમલે ત્રીજી વિકેટ ગુમાવી હતી.
પાકિસ્તાનની બૅટિંગમાં બાબર આઝમે ૩૮, મહંમદ રિઝવાને ૩૬, સૌદ શકીલે ૨૯ અને આઘા સલમાને ૫૧ રન કર્યા હતા. શાહિન શાહ આફ્રિદી પચીસ રન કરીને આઉટ થયો હતો.
અગાઉ, ઇંગ્લેન્ડે પ્રથમ બૅટિંગ કરતા પચાસ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ૩૩૭ રન કર્યા હતા. ઇંગ્લેન્ડ વતી ડેવિડ મેલને ૩૧, જૉની બેરસ્ટોએ ૫૯, જૉ રૂટે ૬૦, બેન સ્ટોક્સે ૮૪, જોસ બટલરે ૨૭ અને હેરી બ્રુકે ૩૦ રન કર્યા હતા.
પાકિસ્તાનના બૉલરોમાં શાહીન શાહ આફ્રિદીએ બે, હરીસ રૌફે ત્રણ, ઇફ્તિખાર અહમદે એક, મહંમદ વસીમે બે વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડના પ્રારંભિક બૅટ્સમેન ડેવિડ મેલન અને જાની બૈરસ્ટોએ ૮૨ રનનો મજબૂત પાયો નાખ્યો હતો.
(એજન્સી)