સ્પેશિયલ ફિચર્સ

ઈન્વેસ્ટર્સ માટે નવું વરસ શુભ-લાભનું રહે…

ભારતીય અર્થતંત્ર અને શૅરબજાર નવી ઊંચાઈ તરફ: વિકાસમાં વિશ્ર્વાસ બની રહે

જયેશ ચિતલિયા

વિશ્ર્વ હાલ જયારે યુદ્ધ સહિત વિવિધ આર્થિક તનાવમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ભારત એક માત્ર દેશ છે, જેના પર આ સંજોગોની તુલનાત્મક રીતે ઓછી અસર થવાની શકયતા છે. જોકે ભારત તેની ઉપેક્ષા કરીને ચાલી શકાય નહીં. ભારતના નીતિ ઘડવૈયાઓએ, રોકાણકારોએ, બિઝનેસ સાહસિકોએ પણ સાવચેત રહેવું જોઈશે. અલબત્ત, આર્થિક ફંડા સારા-મજબુત અને ભાવિનો આશાવાદ ઊંચો હોવાથી વિવિધ પડકારો વચ્ચે પણ ભારત વિકાસની નવી ઊંચાઇની દિશામાં આગળ વધશે એવી આશા રાખવી અસ્થાને નથી. આગામી વરસે ચૂંટણી છે, આપણે ભારતના ભાગ્યમાં ઉજજવળ ભાવિ લખાય એવી આશા સાથે શુભેચ્છા વ્યકત કરીએ.

ભારતના આર્થિક વિકાસને બિરદાવવા માટે આપણી પાસે હાલ ઘણાં કારણો છે. ભારત સામે ઘણાં પડકારો પણ છે, ઓપેક અને રશિયન કાર્ટેલને કારણે ક્રૂડના ભાવ ઊંચા જઈ ત્રણ આંકડાની રકમ બતાવે એવી શકયતા છે,જોકે હાલ તો ભાવ નીચા આવતા નોંધાયા છે. જો વધુ પડતા વધે તો તેની આપણી કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ તેમ જ કરન્સી પર નકારાત્મક અસર થઈ શકે. ચોમાસાની ચોકકસ અછત ગ્રામ્ય અને કૃષિના વિકાસ પર અવળી અસર કરી શકે છે. બીજી બાજુ યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજદર ઊંચા રાખવાની નીતિ લાંબા સમય માટે જાળવી રાખે એવી સંભાવના પણ ચિંતાજનક ખરી, કેમ કે તેની અસર રોકાણ પ્રવાહ પર પડયા વિના રહી શકે નહી. શહેરી વપરાશમાં વધારો થયો છે, કિંતુ હજી ગ્રામ્ય વપરાશમાં ખાસ સુધારો થયો નથી. દેશમાં ઉત્પાદન ક્ષેત્રે હજી રોજગાર સર્જનની તાતી જરૂર છે, આ તક ઉપાડી લેવાનો સમય છે. ૨૦૨૪ની ચૂંટણીની આર્થિક નીતિઓ પર તેમ જ ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ પર અસર થઈ શકે. આપણે આપણા ભૂતકાળમાંથી શીખવાની આવશ્યકતા છે. પ્રજાને મફત આપવાની નીતિના પરિણામ આખરે બુરાં જ રહે છે. ચૂંટણી નિમિત્તે આમ ન થાય તો સારું.

વૈશ્ર્વિક સ્પર્ધા સામે ભારતને સક્ષમ બનાવો
આપણા દેશમાં સરકારે બિઝનેસ કરવાનું સરળ બનાવવા ઘણું કામકાજ થયું છે, કિંતુ નિયમનના અને અનુપાલનના બોજને કારણે આપણા બિઝનેસ સાહસિકો વૈશ્ર્વિક સ્પર્ધામાં પાછળ રહી જાય છે. માનવ ઈતિહાસમાં ભારત સૌથી વિશાળ અર્થતંત્ર રહી ચૂકયું છે, જેને બ્રિટિશશાસને તળિયે પહોંચાડી દીધું હતું, પરંતુ હવે આપણો દેશ ફરી વિશાળ અર્થતંત્ર બનવા તરફ ઊભરી રહ્યો છે, ૨૦૧૦માં આપણા દેશનું અર્થતંત્ર વિશ્ર્વમાં ૧૨ માં સ્થાને હતું, જે ૨૦૨૩માં પાંચમા સ્થાને પહોંચ્યું છે અને ૨૦૩૦ સુધીમાં તે ત્રીજા સ્થાને પહોંચી જવાની આશા છે. આ યાત્રામાં ચોકકસ પડકારો અને અવરોધો આવશે જ, કિંતુ આપણો દેશ તેની મંઝિલ હાંસલ કરશે એવો વિશ્ર્વાસ મૂકી શકાય.

ઈકોનોમીના ડ્રાઈવર સેકટર્સ પર ધ્યાન આપો
ભારત દસમી વિશાળ ઈકોનોમીના સ્થાને હવે પાંચમી વિશાળ ઈકોનોમી બની ગયું છે, જેનો યશ સરકારના આર્થિક રિફોર્મ્સને જાય છે. ટૂંકાગાળાના કેટલાંક પડકારોને બાદ કરતા ભારત બહેતર સંજોગોમાં છે. અલબત્ત, મોંઘવારીનો ઊંચો દર અને આગામી વરસે આવી રહેલી ચૂંટણીનું દબાણ ચિંતાનું કારણ બની શકે છે. સરકારે કેપિટલ ખર્ચ ઘટાડવાની ફરજ પડી શકે, પોલિટિકલ સિચ્યુએશન માર્કેટના સેન્ટિમેન્ટને અસર કરી શકે. ભારત સરકાર જે રીતે ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ પર જોર આપી રહી છે તેને ધ્યાનમાં રાખતા તેમ જ મજબૂત કોર્પોરેટસ કામગીરી, ઉત્પાદનને પ્રોત્સાહન આપતા સરકારી પગલાં, એનર્જી ટ્રાન્સમિશન સહિતના વિવિધ કદમ ભારતના વિકાસને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ઓવરઓલ ભારતના આર્થિક ફંડામેન્ટલ્સ સારા અને વિકાસલક્ષી છે, રોકાણકાર વર્ગે ચોકકસ અનિશ્ર્ચિતતાને ગણતરીમાં રાખી સિલેકિટવ અભિગમ સાથે ઈકોનોમીના ડ્રાઈવર કહેવાય તેવા સેકટર્સ પર વધુ ધ્યાન આપવું જોઈશે.

રિસ્ક કેપેસિટી મુજબ રોકાણ પ્લાન કરો
ભૂતકાળમાં આપણા દેશમાં ઈકિવટી ઈન્વેસ્ટમેન્ટને વૃધ્ધિ અને સંપત્તિસર્જન માટેનું રોકાણ ગણવામાં આવતું હતું, જયારે કે નિયમિત આવક અને કેશ ફલો માટે બોન્ડસ અને બૅન્ક ડિપોઝિટસને સંકુચિત રોકાણ માનવામાં આવતું હતું, છેલ્લા ૧૫ વરસમાં આ અભિગમમાં પરિવર્તન આવ્યું છે. ૨૦૨૩માં નીચા વ્યાજદરનો તબકકો કે દોર પૂર્ણ થવા આવ્યો હોવાનું કહી શકાય. ફુગાવાના ઊંચા દરે રિઝર્વ બૅન્કને ફરજ પાડી કે તે ઈન્ફલેશન રેટ કરતા ડિપોઝિટસ પરના વ્યાજદર ઊંચા કરે. નીચા વ્યાજદરોના સમયમાં શેરોના ભાવ સતત ઊંચા રહે કે ઊંચા જાય એ સંભવ નથી અથવા કહો કે ખાસ કરીને નફાશકિતની વૃદ્ધિ કરતા શેરોના ભાવ વધુ પડતા ઊંચા જવાનું ચાલુ રહી શકે નહી. રોકાણકારો સાવચેત રહે એમાં સાર છે, હવે ટૂંકા અને મધ્યમ ગાળા માટે રોકાણકારોએ પોતાની રિસ્ક કેપેસિટી અને કેશ ફલોની સ્થિતિને ગંભીરપણે ધ્યાનમાં રાખવી જોઈશે. હવે જે રોકાણ પાસેથી તમને પાંચેક વરસ નિયમિત આવક કે કેશ ફલોની જરૂર નથી તે જ રોકાણને ઈકિવટીમાં મૂકવું જોઈએ.

નિયમિત ખર્ચને પહોંચી વળવા અને નજીકના સમયના ધ્યેય હાંસલ કરવા અર્થે ડિપોઝિટસ અને બોન્ડસમાં રોકાણ કરવું હિતાવહ રહેશે. યુવા રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં સ્ટોકસના વેલ્યૂએશન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમનું રોકાણ ભલે લાંબા ગાળાનું હોય, કિંતુ તેની પાસેથી વધુ પડતા વળતરની અપેક્ષા રાખવાનું ટાળવું જોઈએ. આપણે ૧૧ વરસ એવા જોયા છે, જેમાં સેન્સેકસ ફેબ્રુઆરી ૧૯૯૨માં ૪૨૫૦ હતો, જે માર્ચ ૨૦૦૩માં ૩૦૦૦ ના લેવલે પહોંચ્યો હતો, ૧૯૯૦ના સમયમાં ભારતમાં વ્યાજદરો ખૂબ ઊંચા હતા, એ સમયે સરકારી બોન્ડસમાં ૧૪ ટકા અને એએએ (ટ્રિપલ એ, જે બહુ સલામત ગણાય) ધરાવતી કોર્પોરેટ ડિપોઝિટસ પર ૧૮ ટકા વ્યાજ છુટતું હતું, આ સમય યુવા રોકાણકારોએ જોયો નથી, એટલે જ ઈકિવટીઝમાં રોકાણ કરતી વખતે ઓવર કોન્ફિડન્સ રાખવો જોઈએ નહીં.

ભારત ગ્રીન હાઈડ્રોજન કેપિટલ બનશે
૨૦૨૩ના વરસને ભારત માટે ઐતિહાસિક કહી શકાય, કારણ કે આ વરસને વિશ્ર્વ સાથે ઘણાં સંબંધ રહ્યાં છે. આ વરસે ભારત જી-૨૦ સમિટનું આયોજક-હોસ્ટ બન્યું. અહી એ નોંધવું જરૂરી છે કે વિશ્ર્વ ૨૦૫૦ સુધીમાં કાર્બન ન્યુટ્રલ થવાનું લક્ષ્ય ધરાવે છે, જેના પરિણામે આ સદીમાં વિશ્ર્વમાં જબરદસ્ત સુપરિવર્તન જોવા મળશે. હવેના સમયમાં ગ્રીન શબ્દ પ્રચલિત થતો જાય છે, જે હાઈડ્રોજન પેદા કરવાનું લક્ષ્ય રાખે છે, આ ગ્રીન હાઈડ્રોજન ઘણાં અર્થમાં ગેમ ચેન્જર્સ સાબિત થશે, આ પ્રોસેસમાં જે વીજળી વપરાશે તે રિન્યુએબલ સોર્સમાંથી વપરાઈ હશે. આમ મૈત્રીપૂર્ણ પર્યાવરણ આકાર પામશે. આગામી સમયમાં આશા છે કે વીજળીનો ઉત્પાદન ખર્ચ વપરાશકારો માટે હાલ કરતા ચોથા ભાગનો થશે, ભારતમાં ગ્રીન પાવરનું ઉત્પાદન કરવા વધુ ઉદ્યોગો આગળ આવશે, આ નવા ઉદ્યોગો નવું રોકાણ લાવવામાં નિમિત્ત બનશે. આને પગલે સ્ટોરેજ અને ટ્રાન્સમિશન ઈકો-સિસ્ટમ વિકાસ પામશે. ઈન શોર્ટ, ભારત વિશ્ર્વ માટે ગ્રીન હાઈડ્રોજન કેપિટલ બનશે. આપણે પણ પ્રજા તરીકે દેશના વિકાસ માટે મહેનત કરીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button