ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હશે તે શિવસેના શાખાને જપ્ત કરાશે: શિંદે જૂથની ચિમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અયોગ્ય અથવા તો ગેરકાયદે પ્રવૃત્તિ માટે ઉપયોગમાં લેવામાં આવતી હોય એવી અવિભાજિત શિવસેનાની શાખાઓને શિંદે જૂથના નેતૃત્વ હેઠળની પાર્ટી દ્વારા જપ્ત કરી નાખવામાં આવશે, એવી ચિમકી શિંદે જૂથના પ્રવક્તા નરેશ મ્હસ્કે દ્વારા શનિવારે ઉચ્ચારવામાં આવી હતી.
શિવસેનાએ મુંબ્રામાં આવી જ રીતે એક શાખાને હસ્તગત કરી હતી અને તેનું ડિમોલિશન કરાવીને નવી શાખા બાંધવાનું કામ ચાલુ કરી નાખ્યું હતું. આને કારણે ઉદ્ધવ ઠાકરે જૂથના પદાધિકારીઓ સાથે તંગદિલી થઈ હતી.
ઉદ્ધવ ઠાકરે પોતે મુંબ્રાના આ વિસ્તારની મુલાકાત લેવા ગયા હતા, પરંતુ તંગદિલીની સંભાવનાને ધ્યાનમાં રાખતા ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મ્હસ્કેએ એવો દાવો કર્યો હતો કે એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડની સલાહ પર ઉદ્ધવ ઠાકરે મુંબ્રાની મુલાકાત લઈ રહ્યા છે, પરંતુ તેમને આવકારતા બેનર પર શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે અને દિવંગત નેતા આનંદ દીઘેના ફોટા મૂકવામાં આવ્યા નથી.