સ્પેશિયલ ફિચર્સ

દિવાળી દરમિયાન અસ્થમાના હુમલાથી બચવા દર્દીઓએ શું કરવું?

દિવાળીના તહેવારની સાથે દેશમાં શિયાળાની શરૂઆત થાય છે અને જ્યારે શિયાળાની વાત નીકળે એટલે પ્રદૂષણ અને દિલ્હી-NCR એ બંને યાદ આવે છે. પ્રદૂષિત વાતાવરણમાં સૌથી વધુ કફોડી હાલત જો કોઇની થતી હોય તો તે છે અસ્થમાના દર્દીઓ.
સતત ઠંડું હવામાન, દૂષિત હવાને પગલે સામાન્ય માણસને પણ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો અસ્થમાના દર્દીઓ માટે તો સ્થિતિ અત્યંત નાજુક હશે તેવું સમજી શકાય છે. અહીં અસ્થમાના દર્દીઓને અચાનક હુમલો આવે તો શું કરવું તે અંગેની ટિપ્સ આપવામાં આવી છે.
તબીબો જણાવે છે કે પ્રદૂષિત હવામાં ઝેરી કણો હોય છે. આ ઝેરી તત્વો શ્વાસોછ્વાસની પ્રક્રિયા દરમિયાન લોકોના શરીરમાં પહોંચે છે. આનાથી ફેફસાં અને શ્વસનતંત્રને ઘણું નુકસાન થાય છે. લાંબા સમય સુધી પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી), અસ્થમા અને ફેફસાના કેન્સર સહિત અનેક રોગોનું જોખમ વધે છે. આથી આવા લોકો માટે પ્રદૂષણથી બચવું અને ચોખ્ખી હવા શ્વાસમાં લેવી અત્યંત જરૂરી છે.
સૌથી મહત્વનું છે કે અસ્થમાના દર્દીઓ ઘરમાં શુદ્ધ વાતાવરણમાં જ રહે, સતત તેમના ડોક્ટરનું માર્ગદર્શન મેળવતા રહે, જેથી દવાઓમાં કોઇ ફેરફાર કરવાનો હોય તો ડોક્ટરને ખ્યાલ રહે. જ્યાં વધુ પ્રદૂષણ હોય ત્યાં જવાનું ટાળવું જોઈએ અને સમયસર દવાઓ લેવી જોઈએ. જો શક્ય હોય તો ઘરની અંદર એર પ્યુરિફાયર લગાવવું જોઈએ. આ સિવાય અનિવાર્ય સંજોગોમાં જો બહાર નીકળવું જ પડે એમ હોય તો માસ્ક પહેરી રાખવું જોઇએ.
ઘણી વખત તમામ પ્રયાસો છતાં કેટલાક દર્દીઓ અસ્થમાના હુમલાની ઝપેટમાં આવી જાય છે, આવી સ્થિતિમાં લોકો ગભરાઈ જાય છે અને તેઓ કંઈપણ સમજી શકતા નથી. આ અંગે ડોક્ટર કહે છે કે મોટાભાગના લોકો અસ્થમાના હુમલા અને કાર્ડિયાક અરેસ્ટ વિશે મૂંઝવણમાં હોય છે. સૌથી પહેલા એ સમજવું જોઈએ કે આ કેવો હુમલો છે. અસ્થમાના હુમલાના કિસ્સામાં દવા પ્રથમ ઇન્હેલર અથવા નેબ્યુલાઇઝર દ્વારા લેવી જોઈએ. જો આ સમયગાળા દરમિયાન લક્ષણો ગંભીર હોય, તો ઇન્હેલરની વધુ માત્રા લઈ શકાય છે. જ્યારે અસ્થમાનો હુમલો આવે છે, ત્યારે શ્વસન નળીઓ સાંકડી થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ માટે ડોકટરો કેટલીક ઈમરજન્સી દવાઓ આપે છે, જેનો ઉપયોગ કરવો જોઈએ. પ્રાથમિક સારવાર પછી શક્ય તેટલી વહેલી તકે પલ્મોનોલોજિસ્ટ પાસે પહોંચી જવું જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button