ગાંધીનગરના ધોળાકૂવામાં ૫૬૫ વર્ષથી દિવાળીમાં રાંગળી માતાનાં ફૂલોના ગરબાની પ્રથા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના પાટનગર ગાધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધોળાકુવા ગામમાં ૫૬૫ વર્ષ જુની ફુલોના ગરબાની પરંપરા આધુનિક યુગમાં પણ યથાવત્ જોવા મળે છે. દિવાળીના તહેવારોમાં ગામમાં રાંગળી માતાજીના બાધા માનતાના ૩૫ ફુટ ઊંચા અને ૨૦ ફૂટ પહોળા ગરબા થાય છે. દરરોજ ફૂલોના ગરબાને માઇભક્તો માથે લઈને ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરતા હોય છે. જેમાં આ વખતે તા.૧૨ મીને રવિવારના રોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ભાગ લેશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાધીનગર જિલ્લાના માણસા તાલુકાના ધોળાકુવા-શબ્દલપુરા ગામમાં છેલ્લા ૫૬૫ વર્ષથી પાટીદાર અને ઝાલા વંશી ઠાકોર યુવાનો અને ગ્રામજનોના સહયોગથી દિવાળીના તહેવારોમાં ભક્તિભાવપૂર્વક ફુલોના ગરબા યોજવામાં આવે છે. રાંગળી માતાજીના ફુલોના ગરબાના કાર્યક્રમને પગલે ગામને રોશનીથી શણગારવામાં આવે છે. લોકવાયકા મુજબ ૫૬૫ વર્ષ પહેલાં ગામમાં રાંગળી માતાજી સ્વંયભૂ પ્રગટ થયાનું કહેવામાં આવે છે. આથી ગ્રામજનોમાં માતાજી પ્રત્યે અનન્ય શ્રદ્ધાને લીધે લોકો માતાજીની બાધા અને માનતા રાખતા હોય છે. માતાજીના બાધા માનતાના ગરબા ગામના લોકો ઉપરાંત આસપાસના ગામના લોકો અને દેશ વિદેશમાં રહેતા માઇભક્તો રાખતા હોય છે. આથી માતાજીના બાધા કે માનતાના ફુલોના ગરબા દિવાળીના તહેવારોમાં યોજવામાં આવે છે. માઇભક્તો દ્વારા માતાજીને સુખડી, ગોળ, તેલ, ચોખા અને શ્રીફળ ચઢાવવામાં આવે છે. માણસા તાલુકાના ધોળાકુવા ગામમાં છેલ્લા ૫૬૫ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાળીના તહેવા૨થી લઈને દેવદિવાળી સુધી રાંગણી માતાજીના મંદિરમાં માઈભક્તો તેમની માનતા કે બાધા અનુસાર વિવિધ પ્રકારના ફૂલોના ગરબા સાથે માના દર્શને આવી આસ્થાભેર તેમની માનતા પૂરી કરતા હોય છે.