વન-ડે વર્લ્ડ કપ-2023માં ચાર સેમીફાઇનલિસ્ટ ટીમો નક્કી થઇ ગઇ છે. આ ટીમો છે ભારત, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ભારતીય ક્રિકેટ ટીમની સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડ સાથે ટક્કર થશે. જ્યારે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે.
પાકિસ્તાનની ટીમ સેમીફાઇનલની આ રેસમાં હતું, પરંતુ તે શનિવારે કોલકાતાના ઇડનગાર્ડન્સમાં રમાયેલી ઇંગ્લેન્ડ સામેની મેચમાં હારી ગઇ હતી. જેને પગલે બાબર આઝમ સહિતની આખી ક્રિકેટ ટીમ હવે ઘરભેગી થશે.
ભારતીય ક્રિકેટ ટીમે આ વખતે શાનદાર અને મજબૂત પ્રદર્શન કરતા ટોપ પોઝિશન સાથે સેમીફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી. આપણી ક્રિકેટ ટીમની ટક્કર કિવી ટીમ સાથે થવાની છે, એ જ ટીમ કે જેણે વર્ષ 2019માં માનચેસ્ટર સેમીફાઇનલમાં વિરાટ કોહલીની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમને હરાવી હતી. આમ આ વખતે સેમીફાઇનલમાં ફરીવાર ભારતીય ટીમ અને કિવી ટીમ આમનેસામને આવી રહી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ 15 નવેમ્બરે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જે રોહિતનું હોમ ગ્રાઉન્ડ પણ છે. વાનખેડેમાં જ ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલી મેચમાં ભારતે 302 રનનો સ્કોર ખડકી દીધો હતો. પહેલી સેમીફાઇનલ બાદ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ રમાશે. પેટ કમિંસની કેપ્ટનસી હેઠળની કાંગારુ ટીમ 5 વાર વર્લ્ડકપ જીતી ચુકી છે. જ્યારે સાઉથ આફ્રિકા આ મામલે એટલું લકી નથી.
ઘણીવાર એવું પણ બન્યું છે કે છેક સેમીફાઇનલ સુધી આવીને સાઉથ આફ્રિકા જીતના સ્વાદથી અળગુ રહી જાય છે, સાઉથ આફ્રિકાની ટીમ ટેમ્બા બાવુમાની કેપ્ટન્સી હેઠળ રમી રહી છે. બીજી સેમીફાઇનલ મેચ 16 નવેમ્બરે કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે.