બસ્તરમાં મતદાન માટે ભારતીય વાયુસેનાએ કરી આવી મદદ…
રાયપુર: છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ભારતીય વાયુસેનાના 8 MI-17 હેલિકોપ્ટરે મતદાન ટીમોને તહેનાત કરવા અને તેમને નક્સલ પ્રભાવિત બસ્તર ક્ષેત્રમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે 6 દિવસમાં 404 ઉડાન ભરી હતી. બસ્તર ક્ષેત્રમાં એકાદ વિસ્તારમાં નક્સલવાદી ઘટનાઓ થઇ હતી તે સિવાય બાકી વિસ્તારોમાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું હતું. આવી નકસલી ઘટનાઓ વધારે ના બને તે માટે વાયુસેનાએ મોટી ભૂમિકા ભજવી હતી. બસ્તર વિભાગની 12 વિધાનસભા બેઠકો સહિત 20 બેઠકો પર 7મી નવેમ્બરે મતદાન થયું હતું અને બાકીની 70 બેઠકો પર 17મી નવેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કામાં 78 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.
છત્તીસગઢના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાને કારણે ડાબેરી પ્રભાવિત વિસ્તારમાં સફળ ચૂંટણી પ્રક્રિયા શક્ય બની હતી. સાત નવેમ્બરના રોજ યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન માટે બસ્તર વિભાગના 5 જિલ્લાઓ, સુકમા, બીજાપુર, કાંકેર, દંતેવાડા અને નારાયણપુર એમ 156 મતદાન મથકો માટે મતદાન ટીમના 860 સભ્યોને તહેનાત કરવામાં આવ્યા હતા. 860થી વધુ સભ્યોને MI-17 હેલિકોપ્ટર દ્વારા લાવવા લઇ જવામાં આવ્યા હતા.
સુંદરરાજે જણાવ્યું હતું કે મતદાન સમાપ્ત થયા બાદ તમામ પ્રિસાઇડિંગ અધિકારીઓ, ઇવીએમ મશીનો અને મતદાન ટીમના તમામ સભ્યોને આગામી ત્રણ દિવસમાં વ્યવસ્થિત રીતે સંબંધિત જિલ્લા મુખ્યાલય પર પાછા લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વહીવટીતંત્ર, પોલીસ અને સુરક્ષા દળોના અધિકારીઓ દ્વારા સંબંધિત સુરક્ષા શિબિરો અને મતદાન કર્મચારીઓને સમાવવા માટે અન્ય યોગ્ય સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષકે શાંતિપૂર્ણ મતદાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ ભારતીય વાયુસેનાનો આભાર વ્યક્ત કર્યો હતો.
નક્સલ પ્રભાવિત બસ્તર ક્ષેત્રના બસ્તર, દંતેવાડા અને સુકમા જિલ્લામાં ભૂતકાળમાં હેલિકોપ્ટર પર નક્સલવાદીઓ દ્વારા ગોળીબારની અનેક ઘટનાઓ બની છે. 2008ની વિધાનસભા ચૂંટણીમાં નક્સલવાદીઓએ બીજાપુરના પીડિયા ગામમાંથી વોટિંગ મશીનો અને કર્મચારીઓ સાથે ઉડાન ભર્યા પછી તરત જ એરફોર્સના હેલિકોપ્ટર પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ફ્લાઈટ એન્જિનિયર સાર્જન્ટ મુસ્તફા અલીનું મોત થયું હતું.