‘આ લોકોને આસારામ જેવી સજા અપાવજો’- બ્રહ્માકુમારીઝ આશ્રમની 2 બહેનોનો આપઘાત
ઉત્તરપ્રદેશના આગરામાં એક ચોંકાવનારી ઘટના બની છે જેમાં બ્રહ્માકુમારી આશ્રમમાં રહેતી 2 સગી બહેનોએ આત્મહત્યા કરી લીધી છે. આ બહેનો એક સુસાઇડ નોટ પણ છોડીને ગઇ છે જેમાં લખ્યું છે કે આ લોકોને પણ આસારામ જેવી સજા આપો.
આગરામાં પ્રજાપતિ બ્રહ્માકુમારી આશ્રમમાં રહેતી 2 બહેનોએ ગળેફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના આગરા પાસે આવેલા જગનેરમાં બની છે. બહેનોએ 3 પાનાની સુસાઇડ નોટમાં આશ્રમના કર્મચારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પોતાના મોત માટે તેમણે સંસ્થાના 4 લોકોને જવાબદાર ઠેરવી તેમને આસારામની જેમ ઉંમરકેદની સજા મળે તેવી માગ કરી છે.
મૃતક બહેનોએ સુસાઇડ નોટમાં 4 લોકોના નામ લીધા છે, તેમના પર તેમના પરિવારજનો પાસેથી આશ્રમના લોકોએ પૈસાની ઉચાપત કરી હોવા સહિત આશ્રમના લોકો અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના પણ આક્ષેપ સુસાઇડ નોટમાં લગાવવામાં આવ્યા છે. હાલ પોલીસ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે, જેમાં ચાર આરોપીઓમાંથી 2ની ધરપકડ કરી લેવામાં આવી છે. અન્ય ભાગેડુ આરોપીઓની પોલીસ શોધખોળ કરી રહી છે.