‘શિરકા’, ‘શરબત’ અને ‘રોઝ વોટર’માંથી બોમ્બ બનાવતા હતા, ISIS પુણે મોડ્યુલ અંગે ચોંકાવનારા ખુલાસા
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ISIS પુણે મોડ્યુલ અંગે કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. NIAએ 7 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ આતંકવાદીઓ શિક્ષિત છે અને જાણીતી કંપનીઓમાં કામ કરતા હતા, તેમણે બોમ્બ બનાવવાની સામગ્રીને ‘શિરકા’, ‘શરબત’ અને ‘રોઝ વોટર’ જેવા કોડ નામ આપ્યાં હતાં. NIAએ કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં આતંકવાદીઓની યોજનાનો ખુલાસો કર્યો છે.
આ આતંકવાદીઓએ બોમ્બ બનાવવાની સામગ્રી સલ્ફ્યુરિક એસીડ, એસીટોન અને હાઈડ્રોજન પેરોકસાઇડને અનુક્રમે ‘શિરકા’, ‘રોઝ વોટર’ અને ‘શરબત’ કોડ નામ આપ્યાં હતાં, જેથી કોઈ તેમના ઈરાદાનો અંદાજ ન લગાવી શકે. તેણે આતંકવાદી હુમલા માટે મહારાષ્ટ્ર, ગોવા, કેરળ અને કર્ણાટકની રેકી કરી હતી. આ રાજ્યોમાં મોટા વિસ્ફોટો કરવાની યોજના હતી. આ રાજ્યોની રેકી કરવા માટે, ધરપકડ કરાયેલા એક આતંકવાદીએ લાખો રૂપિયાની હિમાયન બાઇક ખરીદી હતી.
આ આતંકવાદીઓએ ડ્રોન ખરીદ્યા અને વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે તેનો ઉપયોગ કર્યો હતો. NIAએ તેમની પાસેથી ડ્રોન પણ જપ્ત કર્યું છે. NIAએ ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે ધરપકડ કરાયેલા મોટા ભાગના આતંકવાદીઓ શિક્ષિત અને ટેકનિકલી ખૂબ જ હોંશિયાર છે. પકડાયેલ આરોપી ઝુલ્ફીકાર એક મલ્ટીનેશનલ આઈટી કંપનીમાં સિનિયર પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતો હતો અને 31 લાખ રૂપિયાના વાર્ષિક પેકેજ પર હતો.
ધરપકડ કરાયેલ આરોપી શાહનવાઝ એક માઇનિંગ એન્જિનિયર છે જેને વિસ્ફોટકો અંગે સંપૂર્ણ જાણકારી હતી. પકડાયેલ આરોપી કાદીર પઠાણ ગ્રાફિક્સ ડિઝાઇનર તરીકે કામ કરતો હતો. આ આતંકવાદીઓ IED બનાવવા માટે જે વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા હતા તે જોઈને NIA પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ લોકો IED બનાવવા માટે ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા હતા.
આતંકવાદીઓએ પૂણેના જંગલમાં એક ટ્રેનિંગ સેન્ટર બનાવ્યું હતું, જ્યાં IED બનાવવામાં અને ટેસ્ટ કરવામાં આવતા હતા. NIAએ ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે આરોપી અકીફ નાચને ફેબ્રુઆરી 2022માં મધ્યપ્રદેશના રતલામમાં આતંકવાદી પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપી હતી. આ તાલીમ શિબિર એક પોલ્ટ્રી ફાર્મમાં યોજવામાં આવી હતી, જેમાં IED બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.
NIAએ ચાર્જશીટમાં એક મોટો ખુલાસો પણ કર્યો છે કે વર્ષ 2020માં અફઘાનિસ્તાનમાં થયેલા મોટા આતંકવાદી હુમલામાં કેરળના કટ્ટરપંથી યુવાનો સામેલ હતા. ચાર્જશીટ મુજબ, 2-3 ઓગસ્ટ 2020 ના રોજ અફઘાનિસ્તાનના જલાલાબાદની જેલ પર હુમલો ISISના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કેટલાક ભારતીયો સહિત 29 લોકો માર્યા ગયા હતા. આ હુમલો ISISના કુલ 8 આતંકીઓએ કર્યો હતો. ISIS આતંકવાદીઓનો નેતા અબુ રેયાન અલ હિન્દી કેરળનો હતો, જ્યારે બે વધુ આતંકવાદીઓ અબુ રવાહા અલ હિન્દી અને અબુ નોહ અલ હિન્દી પણ કેરળના રહેવાસી હતા.
NIAએ ચાર્જશીટમાં જણાવ્યું છે કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી વિદેશમાં બેઠેલા હેન્ડલરના સતત સંપર્કમાં હતા અને તેમની સૂચનાઓ પર સતત એક્શન પ્લાન તૈયાર કરી રહ્યા હતા. આતંકવાદીઓને વિદેશમાંથી પણ ફંડિંગ મળતું હતું.