આપણું ગુજરાત

રાજકોટની ભાગોળે ચાર કરોડની સરકારી જમીન પરનું દબાણ હટાવાયું: ભૂમાફિયા સામે કડક કાર્યવાહી

અમદાવાદ: રાજકોટ શહેરની ભાગોળે આવેલી કિંમતી સરકારી જમીન ઉપર ભૂમાફીયાઓએ કબજો જમાવી દબાણ કરી લીધાનું જિલ્લા તંત્રના ધ્યાન પર આવતાં આવા ભૂમાફીયાઓ સામે શરૂ કરેલી કડક કાર્યવાહીના ભાગરૂપે આજે દિવાળી પહેલા જ કાલાવડ રોડ પર રામનગરમાં આવેલ સરકારી જમીન પર થયેલા દબાણ પર તાલુકા મામલતદારે બુલડોઝર ફેરવી દઈ ચાર કરોડની જમીન ખુલ્લી કરાવી હતી. રાજકોટ શહેરની ભાગોળે આવેલી સરકારી કિંમતી જમીનો પર ઠેકઠેકાણે દબાણ થઈ ગયા હતા. જે દબાણો હટાવવા માટે જિલ્લા કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીઓ અને તાલુકા મામલતદાર, દક્ષિણ મામલતદાર, સહિતના સ્ટાફે સર્વે કરાવી સરકારી જમીન પર થયેલ દબાણ હટાવવા માટેની આખરી નોટિસો ઈસ્યૂ કરી હતી. રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ રામનગર ખાતે સર્વે નંબર ૩૪૨ ચાર કરોડની કિંમતની ૧૦૦૦ ચોરસ મીટર સરકારી જમીન પર વંડા, દુકાન બનાવી કબજા કરી લીધા હોવાનું તાલુકા મામલતદાર મકવાણાના ધ્યાન પર આવતાં દબાણકર્તાઓને આખરી નોટિસ ઈસ્યૂ કરી સ્વેચ્છાએ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આખરી નોટિસની પણ દબાણ-કર્તાઓએ તમા ન રાખતાં દિવાળી પહેલા જ તાલુકા મામલતદાર મકવાણા અને સર્કલ ઑફિસર કથીરીયા સહિતના સ્ટાફે શુક્રવારે સવારે જ જેસીબી સાથે જ રામનગર ખાતે ધસી જઈ સરકારી જમીન પર થયેલ દબાણ દૂર કર્યું હતું. ઓપરેશન દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button