વીક એન્ડ

ભારત: આ દેશમાં ગૌરવ લેવા જેવું તો ઘણુંય છે!

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

ભારત. ત્રણ અક્ષરનો આ શબ્દ આપણા માટે માત્ર શબ્દ નથી, પણ ઈમોશન છે. ભારત’ એક સંવેદન છે, જે આપણી નસોમાં લોહી બનીને દોડે છે. લાખ બૂરાઈ હોઈ શકે ભારત દેશમાં, તેમ છતાં વિશ્ર્વનું સૌથી પ્રિય સ્થળ તો માતૃભૂમિ જ હોઈ શકે! સંસ્કૃતમાં ઉક્તિ છે ““ जननी जन्मभूमिश्व स्वर्गादपि गरीयसी” અર્થાત, સ્વર્ગ કરતાં પણ ચડિયાતું જો કોઈ હોય, તો એ છે માતા અને માતૃભૂમિ!

છાસવારે ફલાણા અને ઢીકણા સર્વે આવતા રહે છે જે હેપ્પીનેસ ઇન્ડેક્સ કે હંગર ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું, એની ચિંતા કરતા રહે છે. અચરજ તો ત્યારે થાય જ્યારે આવા સર્વે આતંકવાદ અને ભૂખમરાથી ગ્રસ્ત પાકિસ્તાનને આપણા કરતા ઊંચી પાયરીએ મૂકે! ઘણીવાર આવા સર્વેનાં તારણો શંકાસ્પદ લાગે, તો કોઈક વાર સર્વેનો હેતુ જ શંકાસ્પદ લાગે. વળી કોઈક વાર એવીય શંકા થાય કે આ લોકોને ભારતમાં કશું સારું દેખાતું જ નહિ હોય? હકીકતે કોઈ દેશમાં બધું સારું કે બધું ખરાબ ન હોઈ શકે. (અમુક દેશોને આમાં અપવાદ ગણવા) ભારતમાંય ઘણી એવી બાબતો છે, જેનો ઉલ્લેખ કરતા આપણે ગર્વની લાગણી અનુભવીએ.

આપણા પુરાતન સ્થાપત્યોથી માંડીને સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સુધી કે પછી ઉત્તર-પૂર્વીય પહાડી વિસ્તારોમાં તાજેતરમાં ડેવલપ થયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને વિશ્ર્વના સહુથી વિશાળ રેલ નેટવર્ક સુધીની ઘણી બાબતો એવી છે, જેના વિષે મસ્તક ઉન્નત રાખીને વાત થઇ
શકે.

ચાલો આજે સામી દિવાળીએ એવી જ કેટલીક બાબતોની વાત કરીએ, જે આપણી સંસ્કૃતિ સાથે વણાયેલી છે, તેમ છતાં આપણે પોતે જ એને વિસારે પાડવા બેઠા છીએ!

મસાલા અને ભોજનનું વૈવિધ્ય

આજે ભારતના મેટ્રો સિટીઝ તો ઠીક, નાના નાના કસ્બાઓમાં પણ ચાઈનીઝની સાથે થાઈ, મેક્સિકન ફૂડ અને અમેરિકન પિત્ઝાના જોઇન્ટસ ખૂલી રહ્યા છે. ભારતીયોએ ઘણી વિદેશી વાનગીઓને પોતાના મેનુ કાર્ડમાં સમાવી લીધી છે. પણ હકીકત એવી છે કે વિદેશી વાનગીઓની સરખામણીએ આપણી દેશી વાનગીઓ ક્યાંય વધુ ચટાકેદાર, વધુ સ્વાદિષ્ટ હોય છે! શું તમે જાણો છો, ભારતને વિંય હફક્ષમ જ્ઞર તાશભયત (મસાલાની ભૂમિ) તરીકે ઓળખવામાં આવે છે?! મસાલાની શોધમાં જ તો યુરોપિયન પ્રજાઓ ભારત આવી અને આપણે ગુલામી વેઠવી પડી, એ જુદો ઇતિહાસ છે! પણ ભારતીય મસાલો પરાપૂર્વથી માંડીને આધુનિક કાળમાંય જગપ્રસિદ્ધ રહ્યા છે, એમાં બેમત નથી. એક અંદાજ મુજબ વિશ્ર્વભરમાં જુદા જુદા મસાલાની આશરે ૧૦૯ જેટલી જાત પૈકી ૭૫ જેટલા મસાલા ભારતમાં પેદા થાય છે! આમ ભારત વિશ્ર્વમાં ‘કિંગ ઓફ સ્પાઈસ’નું સ્થાન ભોગવે છે. મસાલાના ઉત્પાદન, વપરાશ અને એકસપોર્ટ – એમ ત્રણેય ક્ષેત્રે ભારત ટોચના સ્થાને બિરાજે છે.

કદાચ આજ કારણોસર ભારતના ભોજનમાં પણ અપાર વૈવિધ્ય જોવા મળે છે. યુરોપ-અમેરિકાની પ્રજા જે ભોજન આરોગે, એ આપણી સરખામણીએ થોડું ‘મોળું’ ગણાય. આપણને તો ભાઈ થાળીમાં તમામ પ્રકારના રસના ચટાકા પીરસાયેલા જોઈએ. આપણી ખાટી-મીઠી-તીખી ચટણીઓ અને મુરબ્બા-અથાણાની આખી રેન્જ સામે બિચારા ફોરેનર્સના સોસ ફિક્કા જ લાગે. આપણે ત્યાં દાળ અને કઢી વ્યવસ્થિત રીતે વ્યાખ્યાયિત છે. પણ બિચારા વિદેશીઓ તમામ રસાવાળી આઇટમને ‘કરી’ તરીકે જ ઓળખતા હોય એવું લાગે! અને ‘ઇન્ડિયન કરી’એ તો દુનિયાભરના સ્વાદશોખીનોને ઘેલાં કર્યા છે. ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલ એક મિત્ર જણાવે છે કે ત્યાં જો કોઈ ભારતીય રેસ્ટોરન્ટ ખૂલે, તો ઇન્ડિયન કરીનો ટેસડો માનવા ધોળિયાઓ હોંશે હોંશે આવે છે.

લગ્ન સંસ્થા અને પરિવારનું બંધન

બોસ, ગમે એટલી ફરિયાદો હોય, કે ગમે એટલા ઝગડા-ટંટા હોય, આપણે ભારતીયો ‘ફેમિલી પર્સન્સ’ છીએ. વિદેશીઓને જેમ લાંબો સમય સુધી એકલવાયાં જીવવાનું કે નાનાં-મોટાં છમકલાં થાય તો છૂટાછેડા લેવા દોડવાનું આપણને નથી ફાવતું. આજે જમાનો બદલાઈ રહ્યો છે અને ભૌતિકવાદ પાછળ ઘેલા થયેલા ભારતીયો સંયુક્તને બદલે વિભક્ત (ક્ષીભહયફિ રફળશહુ) કુટુંબ પ્રણાલી પસંદ કરવા માંડ્યા છે, તેમ છતાં પશ્ર્ચિમી દેશોની સરખામણીએ આપણું ફેમિલી બોન્ડિંગ અનેકગણું વધુ મજબૂત છે. મોટા પરિવારોના તમામ નબળા પાસાઓને ધ્યાને લઈએ તો પણ મુસીબત સમયે એકલવાયા આદમી કરતા પરિવાર સાથે રહેનારને સધિયારો મળી રહેવાના ચાન્સીસ વધી જાય છે. આપણી લગ્ન સંસ્થા પણ પશ્ર્ચિમની દૃષ્ટિએ ઘણી વધુ મજબૂત છે. અગેઇન, તમામ નબળા પાસાઓ ધ્યાને લીધા બાદ પણ ‘પડેલું પાનું નિભાવી લેવા’ની આપણી માનસિકતાએ એકંદરે સામાજિક બંધારણ જાળવી રાખવામાં મોટો ફાળો આપ્યો છે. પુખ્ત વયના એકલવાયા યુવક-યુવતીઓ કરતાં ‘ફેમિલી પર્સન’ તરીકે જીવતા લોકોને આપણા સમાજમાં વહેલી સ્વીકૃતિ મળે છે, એની પાછળ ઘણા સાઈકો-સોશિયલ કારણો છે, જે આખી અલગ ચર્ચાનો મુદ્દો છે. તમામ મુદ્દાઓ બાજુએ રાખીએ, તો પણ એક વાત તો સ્વીકારવી જ પડે, કે સંયુક્ત પરિવારમાં રહેવાની ટેવ અને લગ્નજીવન ટકાવી રાખવાની આપણી વૃત્તિએ આપણને ઘણે અંશે સહિષ્ણુ બનાવ્યા છે.

વિવિધતામાં એકતા

સંયુક્ત પરિવારોમાં આપણે જે સહિષ્ણુતાના સંસ્કાર મેળવ્યા છે, એની રાષ્ટ્રીય સ્તરે પણ ઘેરી અસર જોવા મળે છે. અનેક મતભેદ અને ધાર્મિક વિરોધાભાસો વચ્ચે પણ ભારત ટકી રહ્યું છે, કેમકે પ્રજા સહિષ્ણુ છે. રાજકીય તકસાધુઓ ભલે ગમે એવો દુષ્પ્રચાર કરે, પણ વિશ્ર્વના બીજા દેશોની સરખામણીએ ભારતીય પ્રજા ખાસ્સી સહિષ્ણુ છે. એ જ કારણોસર અહીં દુનિયાના દરેક ધર્મનું પ્રતિનિધિત્વ જોવા મળે છે. નાનામાં નાની લઘુમતી કોમ ગણાતી પારસી પ્રજા અહીં સદીઓથી દૂધમાં સાકરની જેમ ભળી ગઈ છે. ઉપરાંત, અહીં ૨૨ જેટલી મુખ્ય ભાષાઓ બોલનારા લોકો વસે છે! આ ઉપરાંત જો તમે વસ્તીના આધારે સરખામણી કરો, તો આખા થાઈલેન્ડ જેટલી વસ્તી એકલા ગુજરાતમાં જ છે! ઉત્તર પ્રદેશની વસ્તી એટલે બ્રાઝિલ+ઇક્વાડોરની સહિયારી વસ્તી! તુર્કીયે જેટલી વસ્તી એકલા મધ્ય પ્રદેશમાં રહે છે. એ પ્રમાણે મહારાષ્ટ્રની વસ્તી જાપાન જેટલી અને રાજસ્થાનની વસ્તી યુક્રેન+પોલેન્ડ જેટલી છે! જરા વિચાર કરો કે જુદી જુદી ભાષા બોલતી સવા અબજ ઉપરાંતની વસ્તી કઈ રીતે મેનેજ થતી હશે! સમયાંતરે એવા બનાવો બનતા રહે છે, જેનાથી ‘વિવિધતામાં એકતા’ની વાતો આપણને સાવ બોગસ લાગવા માંડે. તેમ છતાં હજી સુધી આપણા દેશનું સર્વસમાવેશક પોત ટકી રહ્યું છે. પશ્ર્ચિમના દેશોમાં આખી દુનિયાની પ્રજાઓ જઈને વાસી છે, પણ ત્યાં ધન કમાવાની લાલચ મોટો ભાગ ભજવે છે. બાકી અંદરખાને એકબીજા પ્રત્યેનો રોષ ખદબદતો હોય છે. જ્યારે ભારતમાં ભૂખે મરતી પ્રજા પણ હજી સુધી લોહિયાળ વિગ્રહો સુધી નથી પહોંચી, એ વાત કોઈ ચમત્કારથી કમ નથી! (થેન્ક ગોડ!) લોહપુરુષ સરદાર પટેલે પાંચસો ઉપરાંત રજવાડાઓને લોહીનું ટીપું પાડ્યા વિના એક અને અખંડ ભારતના છત્ર નીચે લાવીને મૂક્યાં, ત્યારે યુરોપિયન રાજનિતિજ્ઞો મોઢામાં આંગળા નાખી ગયેલા.

કુંભમેળો અને સીથી વિશાળ ટ્રેન નેટવર્ક

આટલી મોટી વસ્તીને મેનેજ કરતા ભારતીય તંત્રને હવે કુંભમેળો મેનેજ કરવાનીય સારી હથોટી આવી ગઈ છે. તમે અવલોકન કરજો, વિશ્ર્વમાં જયાં પણ કાર્નિવલ પ્રકારના ફેસ્ટિવલ થાય અને હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય, ત્યાં ગમે એટલી ચુસ્તી રાખવા છતાં અઘટિત બનાવો બનતા હોય છે, અને જાનહાની પણ નોંધાતી હોય છે. પરંતુ ૨૦૧૯માં પ્રયાગરાજ ખાતે યોજાયેલ ઐતિહાસિક કુંભમેળામાં વિશ્ર્વભરમાંથી અધધ વીસ કરોડ ઉપરાંત લોકો આવ્યા! યુરોપના અનેક દેશોની વસ્તી ભેગી કરો ત્યારે માંડ આટલો આંકડો આવે! કુંભમેળો દર છ વર્ષે યોજાય છે, અને દર વખતે લાખોની મેદનીમાં અનેક લોકો પોતાના પરિવારોથી વિખૂટા પડી જાય છે. વિખૂટા પડવાની આ ઘટનાઓએ ભૂતકાળમાં કુંભમેળાને એટલી કુ-ખ્યાતિ અપાવેલી, કે ‘કુંભ કે મેલે મેં બિછડે હુએ ભાઈ’ ઉપર કેટલાય મીમ્સ અને ફિલ્મો બની ચૂક્યા હશે! પણ હવે તંત્રની કામગીરીમાં એટલો સુધારો આવ્યો છે, કે ૨૦૧૯મા યોજાયેલ છેલ્લા કુંભમેળામાં કરોડો લોકોએ હાજરી આપી હોવા છતાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ પોતાના ગ્રૂપ, મિત્રો કે પરિવારથી કાયમી વિખૂટું પડ્યું હશે!
ઉમેશ કુમાર તિવારી નામના સજજનનો પરિવાર ઠેઠ ૧૯૫૪થી કુંભમેળાના આયોજન વખતે પરિવારથી વિખૂટા પડેલા લોકોની મદદ માટે ‘ભૂલે ભટકે’ શિબિર ચલાવે છે. ઉમેશ કુમારના મતે ૨૦૧૯ના કુંભમેળામાં એક્કેય વ્યક્તિ કાયમી ધોરણે ખોવાઈ ગઈ હોય, એવી બન્યું નથી. જે લોકો ભીડમાં અટવાયા, એ પૈકીના લગભગ તમામ લોકો એક-બે દિવસ કે વધુમાં વધુ અઠવાડિયામાં પાછા જડી આવ્યા! આવડા મોટા આયોજનમાં અ એક બહુ મોટી-વિરલ સિદ્ધિ ગણાય!

વિશાળતાની વાત કરીએ તો આપણી રેલવેને ગણતરીમાં લેવી જ પડે! એક અંદાજ મુજબ આખા ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તી જેટલા લોકો તો આપણે ત્યાં રોજ રેલ્વેની મુસાફરી કરતા હોય છે! રેલવે વિષે લખવું હોય તો આખો અલગ લેખ કરવો પડે.

લેખની શબ્દ મર્યાદાને કારણે આપણે હજી ચેસથી માંડીને સાપ-સીડી જેવી રમતો અને જ્ઞાનના ભંડાર સમા પુરાણોથી માંડીને અદ્યતન સેક્સોલોજી-સાઈકોલોજીને ટક્કર મારે એવા કામસૂત્ર વિષે તો વાત જ નથી કરી. સો ફ્રેન્ડ્સ, મોરલ ઇઝ, કોઈ કુછ ભી કહે લે… ભારતમાં એવું ઘણું બધું છે, જેના વિષે ગર્વપૂર્વક વાત થઇ શકે. વિદેશી ચમકદમકથી અને વિદેશોની સારી બાબતોથી ભલે અંજાઈએ, પણ ભારતની ગૌરવ લેવા જેવી બાબતોને ભૂલીએ નહિ, એ પણ એટલું જ જરૂરી છે. સહુને દિવાળીની અઢળક શુભકામનાઓ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button