વિજ્ઞાન અને ટેકનોલોજી

સાત મિનીટમાં ગુરુગ્રામથી દિલ્હી આ કંપની શરૂ કરશે એર ટેક્સી…

નવી દિલ્હી: ભારત અત્યારે દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યો છે. તે જ રીતે દેશની પરિવહન વ્યવસ્થા પણ ઝડપથી બદલાઈ રહી છે, સારી પરિવહન સુવિધાઓને ધ્યાનમાં રાખીને ઝડપી ટ્રેન, સસ્તી ફ્લાઈટ્સ, રેપિડ-મેટ્રોની સાથે હવે દેશની પ્રથમ એર ટેક્સી સેવા શરૂ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. ઈન્ટરગ્લોબ એન્ટરપ્રાઈઝ દેશની અગ્રણી એરલાઈન ઈન્ડિગોની મૂળ કંપની ભારતમાં 2026માં ઓલ-ઈલેક્ટ્રિક ટેક્સી એર સર્વિસ શરૂ કરવાની યોજના બનાવી રહી છે.

કંપનીએ આ પ્રોજેક્ટ માટે કેલિફોર્નિયા સ્થિત અગ્રણી ઇલેક્ટ્રિક એર ટેક્સી કંપનીએ આર્ચર એવિએશન સાથે પાર્ટનરશીપ કરી છે. આ ભાગીદારી હેઠળ કંપની ભારતમાં ઓપરેશન 200 ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (eVTOL) એરક્રાફ્ટ ખરીદશે. 

જ્યારે આ એર ટેક્સી ચાલુ કરવામાં આવશે ત્યારબાદ પ્રવાસી કનોટ પ્લેસથી ગુરુગ્રામ સુધીની 27 કિલોમીટરની મુસાફરી લગભગ સાત મિનિટમાં પૂર્ણ કરી શકે, જે સામાન્ય રીતે કાર દ્વારા 60 થી 90 મિનિટ જેટલો સમય લાગે છે. આ એર ટેક્સીને મિડનાઈટ નામ આપવામાં આવ્યું છે જેમાં પાઈલટ સિવાય ચાર મુસાફરો બેસી શકે છે. તે એક જ ચાર્જ પર આશરે 150 કિમી જેટલું અંતર કાપશે.

ઈન્ડિગો અને આર્ચર મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા, એરક્રાફ્ટ ઓપરેટ કરવા અને ફંડિંગ માટે સાથે મળીને કામ કરશે. આ પ્રોજેક્ટ હેઠળ, બંને કંપનીઓ સારી કામગીરી માટે પાઇલોટ્સ અને અન્ય કર્મચારીઓને તાલીમ આપવા માટે સાથે મળીને કામ કરશે. ઇન્ટરગ્લોબ ગ્રુપના એમડી રાહુલ ભાટિયા અને આર્ચર સીસીઓ નિખિલ ગોયલે ગુરુવારે પ્રસ્તાવિત ભાગીદારી બનાવવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

યોજના પ્રમાણે 2026 સુધીમાં ભારતમાં પહેલી એર-ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button