રચિન રવિન્દ્રનના દાદીનો આ વીડિયો જોઇને ઇમોશનલ થઇ જવાશે, કિવી ટીમનો ખેલાડી આજે પણ ભૂલ્યો નથી ભારતીય સંસ્કૃતિ

ICC પ્લેયર ઓફ ધ મંથ માટે નોમિનેટ થયેલા રચિન રવીન્દ્રન ભારતીય મૂળના ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના બાહોશ ખેલાડી છે. વર્લ્ડકપ-2023 માટે તેઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે હાલમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે જેમાં રચિનના દાદી તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે.
રચિન રવિન્દ્રને તેમના બેંગલુરુના ઘરમાં તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે કઇ રીતે રચિનના દાદી તેની નજર ઉતારી રહ્યા છે. રચિન રવિન્દ્રનના પિતા આર.કૃષ્ણમૂર્તિ 90ના દાયકામાં ભારત છોડીને ન્યુઝીલેન્ડ સ્થાયી થયા હતા. રચિનનો જન્મ પણ ન્યુઝીલેન્ડમાં જ થયો હતો. રચિનના પિતાને ક્રિકેટમાં ભારે રસ હોવાને કારણે તેમણે વેલિંગ્ટનમાં પોતાની એક ક્રિકેટ ક્લબ શરૂ કરી હતી. રચિનના પિતા ભારતીય ક્રિકેટના લેજન્ડ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના મોટા ચાહક છે.
રચિનનું નામ રાખવા પાછળ પણ એક રસપ્રદ કારણ છે કે રચિનના પિતા સચિન અને રાહુલ દ્રવિડના ફેન હોવાને લીધે આ બંને ક્રિકેટરોના ગુણ તેમના પુત્રમાં આવે તેવું ઇચ્છતા હતા, આથી બંનેના નામ પરથી તેમણે દીકરાનું નામ રચિન રાખ્યું! બેંગ્લુરૂના તેમના ઘરમાં રચિનના દાદા-દાદી રહે છે.
વર્લ્ડકપ-2023માં રચિને 9 મેચ રમીને 565 રન બનાવ્યા છે, તેણે 3 સેન્ચ્યુરી અને 2 હાફ સેન્ચ્યુરી ફટકારીને પોતાનું શાનદાર પ્રદર્શન આપ્યું છે. હાલમાં જ રમાયેલી શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં તેણે 42 રનમાં 2 વિકેટ લીધી હતી.