દરરોજ 4 કલાક માટે ઇઝરાયલ જંગ રોકશે, આ બ્રેક દરમિયાન શું થશે ગાઝામાં?
પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસને સંપૂર્ણરીતે ખતમ કરવાના ઇરાદે ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં સતત હુમલા કરી રહ્યું છે. જો કે આમાં સૌથી વધુ નુકસાન ગાઝાના રહેવાસીઓનું થઇ રહ્યું છે. હમાસના આંતકવાદીઓ ગાઝાના રહેવાસીઓની આડશમાં સંતાઇને શરણું લઇ રહ્યા છે જેને પગલે હજારો નિર્દોષ નાગરિકોના મોત થઇ રહ્યા છે.
આ સ્થિતિ વચ્ચે અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સીલે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે દરરોજ 4 કલાક માટે ઇઝરાયલ ઉત્તર ગાઝા તરફ લડાઇ રોકશે. લડાઇમાંથી બ્રેક લેવા અંગે ઇઝરાયલે પણ હામી ભરી છે. જો કે, આ એક બ્રેક છે અને સીઝફાયર નથી. સ્પષ્ટ ભાષામાં આને હ્યુમેનીટેરીયન પોઝ કહેવાય છે. જેમાં કેટલાક કલાકો માટે દરરોજ યુદ્ધ રોકવામાં આવે છે. આ વિરામના સમયમાં ઇજાગ્રસ્ત સૈનિકોની સારવાર હાથ ધરવામાં આવે છે. સ્થાનિકોને જરૂરિયાતની ચીજવસ્તુઓનો સપ્લાય કરવામાં આવે છે. ક્યારેક યુદ્ધના દિવસોમાં કોઇ તહેવાર આવતો હોય તો તે દિવસે પણ વિરામ જાહેર કરવામાં આવે છે. પરંતુ આ ત્યારે જ થાય જ્યારે હુમલો કરનાર દેશ આ માટે તૈયાર હોય.
યુનાઇટેડ નેશન્સ કહે છે કે 2 કટ્ટર દુશ્મન દેશોએ એકબીજાને માનવીય વિરામ આપવો જોઇએ જેથી ખાવા-પીવાની ચીજવસ્તુઓ તથા દવાઓ જેવી વસ્તુઓનો સપ્લાય થઇ શકે, ઇજાગ્રસ્ત લોકોને તબીબી સહાય મળી શકે. આર્મેનિયા-અજરબૈજાન વચ્ચે જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે તેમના એક ખાસ તહેવાર પર તેમણે યુદ્ધવિરામ પાળ્યો હતો.
માનવીય વિરામ એક ચોક્કસ સમય પૂરતો જ પાળવાનો હોય છે. એટલે કે જો ઇઝરાયલે 4 કલાક માટે વિરામ નક્કી કર્યો છે તો એટલા સમય પૂરતી જ લડાઇ રોકાશે. ઉપરાંત આ વિરામ તમામ યુદ્ધના ક્ષેત્રો માટે લાગુ નથી થતો, પરંતુ એક નિશ્ચિત વિસ્તારમાં લાગુ થાય છે. આને પગલે જે લોકો યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા હોય તેઓ સુરક્ષિત જગ્યાએ પહોંચી શકે છે.
સીઝફાયર આના કરતા અલગ છે, તે એક રાજકીય સમજદારીની વાત છે જેમાં દુશ્મન દેશો ઔપચારિક સમજૂતીથી યુદ્ધવિરામનો નિર્ણય લે છે. જો કે સીઝફાયર થાય એટલે તેનો એ અર્થ નથી કે તેઓ મિત્રો બની ગયા, આ એક અસ્થાયી સમજૂતી હોય છે. ઉદાહરણ તરીકે પાકિસ્તાન જે પ્રકારે વારંવાર સીઝફાયરનો ભંગ કરતું હોય છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે હાલ યુદ્ધની જે સ્થિતિ છે તેમાં સીઝફાયરની દૂર દૂર સુધી કોઇ શક્યતા જોવા મળી રહી નથી. ઇઝરાયલને ડર છે કે સીઝફાયર થાય તો હમાસ ફરીવાર ગાઝા પર પોતાનું વર્ચસ્વ સ્થાપી લેશે. લેબેનોનના આતંકી સંગઠનથી પણ ઇઝરાયલને જોખમ છે. ટેમ્પરરી પોઝ માટે ઇઝરાયલે તૈયારી બતાવી છે. જેની સૌથી વધુ ગાઝાની રહેવાસીઓને જરૂર છે.