પાકિસ્તાનમાં હવે લેમિનેશન પેપરની અછતને પગલે પાસપોર્ટ છપાતા નથી
ઇસ્લામાબાદઃ લોટ, ખાંડ, તેલ અને જરૂરી અનાજની અછતનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં હવે પાસપોર્ટ છપાતા નથી અને તેનું કારણ લેમિનેશન પેપરની અછત છે.
પાકિસ્તાનના ઈમિગ્રેશન એન્ડ પાસપોર્ટ ડિરેક્ટોરેટ (DGIP) અનુસાર, પાસપોર્ટમાં ઉપયોગમાં લેવાતા લેમિનેશન પેપર ફ્રાન્સથી આયાત કરવામાં આવે છે. ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતા ડીજીઆઈ એન્ડ પીના ડાયરેક્ટર જનરલ ઓફ મીડિયાના અગ્રણીએ જણાવ્યું હતું કે સરકાર કટોકટીનો સામનો કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.
પરિસ્થિતિ ટૂંક સમયમાં નિયંત્રણમાં આવશે અને પાસપોર્ટ જારી કરવાનું સામાન્ય રીતે ચાલુ રહેશે. વિભાગમાં પહેલાથી જ બેકલોગમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. પાસપોર્ટની અછતને કારણે હજારો પાકિસ્તાનીઓને અસર થઈ છે જેઓ વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છે. વિશ્વની વિવિધ યુનિવર્સિટીઓમાં પ્રવેશની સમયમર્યાદા નજીક આવતા ઘણા વિદ્યાર્થીઓએ કટોકટી માટે પાકિસ્તાન સરકારની અસમર્થતાને જવાબદાર ગણાવી છે.
પેશાવરમાં પાસપોર્ટ ઓફિસના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે તેઓ પહેલા 3000થી 4000 પાસપોર્ટની સરખામણીમાં હવે દરરોજ માત્ર 12થી 13 પાસપોર્ટ પ્રિન્ટ કરી શકે છે. જોકે, આ પ્રથમ વાર નથી કે જ્યારે પાકિસ્તાનમાં આ પ્રકારનું સંકટ ઊભું થયું હોય. 2013માં પણ ડીજી એન્ડ પી દ્વારા પ્રિન્ટરોને પૈસા ન ચૂકવાતા અને લેમિનેશન પેપરની અછતને કારણે પાકિસ્તાની પાસપોર્ટનું પ્રિન્ટિંગ બંધ થઈ ગયું હતું.