દિલ્હી-NCRમાં હળવો વરસાદ, હાનીકારક પ્રદૂષણથી રાહત
દિલ્હી-NCRમાં ગત મોડી રાત્રે અચાનક જ હળવો વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને કારણે હાનિકારક વાયુ પ્રદૂષણથી આંશિક રાહત મળી છે. દિલ્હી હવામાન વિભાગના પ્રાદેશિક કેન્દ્રએ દિલ્હી એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવનાની આગાહી કરી હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ દિલ્હી અને એનસીઆર (ગુરુગ્રામ), રોહતક (હરિયાણા) અને આસપાસના વિસ્તારોમાં અલગ-અલગ સ્થળોએ હળવાથી મધ્યમ તીવ્રતાનો વરસાદ પડશે.
વરસાદને કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. મોડી રાત્રે ઝરમર ઝરમર વરસાદ શરુ થયો હતો, પરંતુ સવારે વીજળી ચમકારા સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો. મોડી રાતથી સવાર સુધી વરસાદને કારણે ગાઝીપુર બોર્ડર પર ટ્રાફિક જામ છે. વરસાદને કારણે AQIમાં સુધારો થયો છે. વરસાદ અને પવને કારણે ધુમ્મસને દૂર થઇ ગઈ છે.
દિલ્હીના જે વિસ્તારોમાં AQI 400 થી ઉપર નોંધાઈ રહ્યો હતો, ત્યાં તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આનંદ વિહાર અને આરકે પુરમમાં AQI 200થી નીચે આવી ગયો છે. અન્ય ક્ષેત્રોમાં પણ AQI માં સુધારો નોંધવામાં આવ્યો છે.
દિલ્હીમાં પ્રદૂષણની અસરને ઓછી કરવા માટે સરકાર કૃત્રિમ વરસાદની તૈયારી કરી રહી છે. દિલ્હી સરકારે મુખ્ય સચિવને તૈયારી કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હી સરકાર કૃત્રિમ વરસાદને કારણે થતા તમામ ખર્ચો ઉઠાવવા માટે તૈયાર છે. આ મામલે દિલ્હી સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં પણ પોતાનો પક્ષ રજૂ કરવાનો છે. દિલ્હી સરકારે દાવો કર્યો છે કે જો કેન્દ્ર સરકાર સહકાર આપે તો 20 નવેમ્બરે દિલ્હીમાં પહેલો કૃત્રિમ વરસાદ થઈ શકે છે.