ઑસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ સીરિઝમાં નહીં રમી શકે હાર્દિક પંડ્યા
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો ટી-૨૦નો કેપ્ટન હાર્દિક પંડ્યા ૨૩ નવેમ્બરથી શરૂ થનારી ઑસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ સીરિઝ ગુમાવે તેવી સંભાવના છે. સ્ટાર ઓલરાઉન્ડરને વર્લ્ડ કપની મેચ દરમિયાન તેના ડાબા પગમાં ઇજા પહોંચી હતી જેના કારણે હાર્દિક વર્લ્ડ કપમાંથી પણ બહાર થઇ ગયો હતો. એવું માનવામાં આવે છે કે ઑસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટી-૨૦ સીરિઝ માટેની ટીમની જાહેરાત ભારતના વર્લ્ડ કપ સેમિફાઇનલ પછી જ કરવામાં આવશે.
બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૦ ડિસેમ્બરથી ડરબનમાં સાઉથ આફ્રિકા ટી-૨૦ સીરિઝ શરૂ થશે ત્યાં સુધીમાં હાર્દિક ફિટ થાય તેવી શક્યતા છે. નામ ન આપવાની શરતે બીસીસીઆઇના એક સૂત્રએ પીટીઆઇને કહ્યું હતું કે હાર્દિકને ફિટ જાહેર કરવામાં અને પસંદગી માટે ઉપલબ્ધ થવામાં થોડો સમય લાગી શકે છે. તે સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં વાપસી કરે તેવી
શક્યતા છે.
એવું માનવામાં આવે છે કે હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ઑસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ સીરિઝમાં સૂર્યકુમાર યાદવ અથવા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ વિજેતા ટીમના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ ટીમના કેપ્ટન બનાવવામાં આવી શકે છે.
ઑસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ જેવા વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.ઉ