નિફ્ટી ૧૯,૪૦૦ની અંદર ઉતરી ગયો, સેન્સેક્સમાં વધુ ૧૪૩ પોઈન્ટનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના અસ્પષ્ટ વલણ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલી જારી રહેવાથી સર્જાયેલા નિરલ હવામાનમાં સેન્સેક્સ વધુ ૧૪૩ પોઇન્ટ નીચી સપાટીએ ગબડ્યો હતો. આ સત્રમાં પણ સેન્સેક્સ ૬૫,૦૦૦ની સપાટી પાર કરવામાં નિષ્ફળ રહ્યો હતો, જ્યારે નિફ્ટી ૧૯,૪૦૦ની અંદર ઉતરી ગયો હતો.
પોઝિટીવ અને નેગેટીવ ઝોનમાં અટવાતો ૩૦ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૧૪૩.૪૧ પોઈન્ટ અથવા ૦.૨૨ ટકા ઘટીને ૬૪,૮૩૨.૨૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન બેન્ચમાર્ક ૨૦૬.૮૫ પોઈન્ટ અથવા ૦.૩૧ ટકા ઘટીને ૬૪,૭૬૮.૭૬ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. જ્યારે નિફ્ટી ૪૮.૨૦ પોઈન્ટ અથવા ૦.૨૫ ટકા ઘટીને ૧૯,૩૯૫.૩૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
સેન્સેક્સ કંપનીઓમાં, હિન્દુસ્તાન યુનિલિવર, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફાઇનાન્સ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસિસ, ટાઇટન અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ટોપ લૂઝર્સની યાદીમં હતાં. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવર ગ્રીડ, ઈન્ડસઈન્ડ બેંક, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટુબ્રો અને મારૂતિ ટોપ ગેઇનર્સ બન્યા હતા. મૂડીબજારમાં હલચલ ચાલુ રહી છે. ટ્રાવેલ ડિસ્ટ્રીબ્યુશન ફર્મ ટીબીઓ ટેક લિમિટેડે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે આઇપીઓ મારફત નાણાં એકત્ર કરવા માટે નવા પ્રાથમિક દસ્તાવોજો જમા કરાવ્યાં છે. કંપની રૂ. ૪૦૦ કરોડનું ભરણું લાવવા માગે છે. ઓએફએસ અંતર્ગત પ્રમોટર ઉપરાંત ઇન્વેસ્ટર્સ ટીબીઓ કોરિઆ અને ઓગસ્ટા ટીબીઓ શેર વેચશે.
આસ્ક ઓટોમોટીવનો આઇપીઓ ત્રીજા દિવસે ૫૧.૧૪ ગણો ભરાયો હતો. ક્વીબ્સ પોર્શન ૧૪૨.૪૧ ગણો, એનઆઈઆઇ ૩૫.૪૭ ગણો અને રિટેલ પોર્શન ૫.૭૦ ગણો ભરાયો હતો. ભરણું સાતમી તારીખે ખૂલ્યુ હતું. પ્રાઇસ બેન્ડ રૂ. ૨૬૮થી૨૮૨ હતી અને બિડ લોટ ૫૩ શેરનો છે. ફેડરલ બેન્કે ૩૦ સપ્ટેમ્બરના ડેટા અનુસાર બેઝલ-થ્રી માર્ગરેખા મુજબ ૧૫.૫૦ ટકાનો કેપિટલ એડિક્વેસી રેશિયો નોંધાવ્યો છે. બેન્કનો બિઝનેસ મિક્સ રૂ. ૪.૨૬ લાખ કરોડ નોંધાયો છે. બેન્કે બ્રાન્ડ અવેરનેસ વ્યૂહના ભાગરૂપે એશ શટલર એચ એસ પ્રણોય સાથે સહયોગ સાધ્યો છે, જેઓ બેડમિન્ટન વ્લર્ડ ફેડરેશનની વિવિધ ઇવેન્ટમાં બેન્કનો લોગો પ્રદર્શિત કરશે.
એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો અને શાંઘાઈ સકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થયા હતા, જ્યારે હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ નેગેટીવ ઝોનમાં સરક્યો હતો. યુરોપિયન બજારો મોટાભાગે ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો. બુધવારે અમેરિકન બજારોનો અંત મિશ્રિત નોટ સાથે થયો હતો.
વિશ્ર્વબજારના મિશ્ર સેન્ટિમેન્ટ્સને પ્રતિબિંબિત કરતા, ભારતીય બજાર રેન્જબાઉન્ડ વલણમાં અટવાઇ ગયું છે અને નિફ્ટી ઇન્ડેક્સ ૧૯,૫૦૦ પોઇન્ટના મુખ્ય સ્તરને તો ના વટાવી શકયો પરંતુ ૧૯,૪૦૦ની પણ નીચે સરકી ગયો. વિદેશી ફંડોની વેચવાલી સાધારણ છે, પરંતુ ઊંચા વ્યાજ દરની ચિંતા અને વૈશ્ર્વિક મંદીને કારણે આ વર્ગનો ઇન્ફલો મંદ રહ્યો છે. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૯૯ ટકા વધીને ૮૦.૩૩ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ બુધવારે રૂ. ૮૪.૫૫ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી.
સેન્સેક્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૪.૦૯ ટકા, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૧.૫૦ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૩૧ ટકા, ટાટા મોટર્સ ૧.૦૬ ટકા અને લાર્સન એન્ડ ટુબ્રો ૧.૦૦ ટકા વધ્યા હતા, જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર ૧.૫૬ ટકા, ટેક મહિન્દ્રા ૧.૩૩ ટકા, ઈન્ફોસિસ ૧.૨૨ ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૧૧ ટકા અને બજાજ ફાઈનાન્સ ૧.૦૦ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની કુલ ૧૨ કંપનીઓમાંથી નવ કંપનીઓને ઉપલી અને ત્રણ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.
બુધવારે બીએસઇ બેન્ચમાર્ક ૩૩.૨૧ પોઈન્ટ અથવા ૦.૦૫ ટકા વધીને ૬૪,૯૭૫.૬૧ પર સેટલ થયો હતો. જ્યારે નિફ્ટી ૩૬.૮૦ પોઈન્ટ અથવા ૦.૧૯ ટકા વધીને ૧૯,૪૪૩.૫૦ પોઇન્ટની સપાટી પર પહોંચ્યો હતો.