વેપાર

પૉવૅલના વક્તવ્ય પૂર્વે વૈશ્ર્વિક સોનું ત્રણ સપ્તાહના તળિયે

સ્થાનિક સોનામાં ₹ ૪૨૩ની પીછેહઠ, ચાંદીમાં રૂ. ૭૨નો સુધારો: ધનતેરસ-દિવાળીમાં માગ ખૂલવાનો આશાવાદ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ઈકૉનોમિક આઉટલૂક અંગેના તેમના વક્તવ્યમાં વ્યાજદર અંગે કોઈ નિર્દેશ નહોતો આપ્યો પરંતુ હવે આજના વક્તવ્યમાં કોઈ નિર્દેશ આપે છે કે નહીં તેનાં પર રોકાણકારોની નજર હોવાથી તેઓએ લંડન ખાતે સત્રના આરંભે સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હતું અને મધ્યપૂર્વના દેશોનાં રાજકીય-ભૌગોલિક તણાવને કારણે છૂટીછવાઈ સલામતી માટેની માગને ટેકે હાજર ભાવમાં ટકેલું અને વાયદામાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું અને ચાંદીના ભાવમાં ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૪૨થી ૪૪૩નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૨નો સાધારણ સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલી રહી હતી. તેમ છતાં ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૨ના સુધારા સાથે રૂ. ૭૦,૩૦૦ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને વધુ ભાવઘટાડાના આશાવાદે ખપપૂરતી માગ રહી હતી. તેમ છતાં વિશ્ર્વ બજાર પાછળ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૪૨ ઘટીને રૂ. ૬૦,૦૦૦ની સપાટીની અંદર ઉતરીને ૫૯,૮૫૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૪૩ ઘટીને રૂ. ૬૦,૦૯૭ના મથાળે રહ્યા હતા. જોકે, તાજેતરમાં સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાથી આગામી ધનતેરસ અને દિવાળીના તહેવારમાં માગ ખૂલે તેવો આશાવાદ જ્વેલરો રાખી રહ્યા છે.
અમેરિકા ખાતે ગઈકાલે એક પરિસંવાદમાં ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે તેનાં વક્તવ્યમાં મૉનૅટરી પૉલિસી અથવા તો ઈકોનોમિક આઉટલૂક અંગે કોઈ ટિપ્પણી નહોતી કરી, પરંતુ આજે અન્ય એક પરિસંવાદમાં મૉનેટરી પૉલિસીની ચર્ચામાં વ્યાજદર અંગે કોઈ નિર્દેશ આપે છે કે કેમ તેના પર રોકાણકારોની નજર હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ત્રણ સપ્તાહની નીચી ઔંસદીઠ ૧૯૪૮.૯૪ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ૧૯૫૪.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૪૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધુ ઉગ્ર બને તેવી શક્યતાને ધ્યાનમાં લઈને અગાઉ રોકાણકારોએ સોનામાં સલામતી માટેની વ્યાપક માગને લીધે ભાવમાં વધીને ઔંસદીઠ ૨૦૦૦ ડૉલર પાર કરી ગયા બાદ હવે રોકાણકારો લેણ છૂટું કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ફેડરલના અમુક અધિકારીઓએ આ સપ્તાહે ફેડરલનાં વ્યાજદર અંગે સમતુલિત મંતવ્યો આપ્યા હતા અને વ્યાજદરનો આધાર આર્થિક ડેટાઓ પર અવલંબિત રહેશે તેમ જણાવ્યું છે. આથી હવે આજે મોડી સાંજે જૅરૉમ પૉવૅલ તેના વક્તવ્યમાં વ્યાજદર અંગે કોઈ અણસાર આપે છે કેમ તેનાં પર મીટ માંડી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button