ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો મામૂલી સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને સત્રના અંતે મામૂલી એક પૈસાના સુધારા સાથે ૮૩.૨૯ના મથાળે રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે એકંદરે ડૉલર સામે રૂપિયો રેન્જ બાઉન્ડ રહેતાં સત્રના આરંભે ગઈકાલના ૮૩.૩૦ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૨૫ની સપાટીએ ખૂલ્યા બાદ નીચામાં ૮૩.૨૯ અને ઉપરમાં ૮૩.૨૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે એક પૈસો વધીને ૮૩.૨૯ના મથાળે બંધ રહ્યો હતો. ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે તેનાં વક્તવ્યમાં મૉનૅટરી પૉલિસી અંગે કોઈ ટિપ્પણી નહોતી કરી પરંતુ આજે મૉનૅટરી પૉલિસી પડકારો અંગેની ચર્ચામાં તેઓ વ્યાજદર સંબંધી કોઈ દિશા નિર્દેશ આપે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં કામકાજો પાંખાં રહ્યા હોવાનું બીએનપી પારિબાસના ફંડામેન્ટલ કરન્સી ઍન્ડ કૉમૉડિટીઝ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટ પ્રવીણ સિંઘે જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૦૧ ટકા ઘટીને ૧૦૫.૫૮ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯૬ ટકા વધીને બેરલદીઠ ૮૦.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૪૩.૪૧ પૉઈન્ટનો અને ૪૮.૨૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૮૪.૫૫ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી.