અમારી સરકારે ગરીબો માટે ચાર કરોડ પાકા ઘર બાંધ્યા
૧૦ કરોડ બનાવટી લાભાર્થીઓને દૂર કર્યા: મોદી
નવી દિલ્હી: મધ્ય પ્રદેશમાં પ્રત્યેક મતદારના મતમાં ‘ત્રિશક્તિ’ છે જે રાજ્યમાં ભાજપને ફરી સરકાર રચવામાં અને વડા પ્રધાનને કેન્દ્રમાં મજબૂત કરવામાં મદદરૂપ થઈ શકે એમ છે, એમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું.
મોદીએ મતદારોને કૉંગ્રેસની ભ્રષ્ટ સરકારને રાજ્યમાં સત્તાથી દૂર રાખવાની એમ કહીને વિનંતી કરી હતી કે કૉંગ્રેસે સરકારી યોજનાઓ માટે કરોડો બનાવટી લાભાર્થીઓ ઊભા કર્યા હતા.
મધ્ય પ્રદેશમાં ૧૭ નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ સતના ખાતે એક જાહેરસભાને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે અમારી સરકારે ગરીબો માટે ચાર કરોડ પાકા ઘર બાંધ્યા છે, પરંતુ મેં મારા માટે હજુ સુધી એક પણ ઘર નથી બનાવ્યું.
તમારો એક મત મધ્ય પ્રદેશમાં ભાજપને સરકાર રચવામાં મદદ કરશે, એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે તમારો મત મોદીને દિલ્હીમાં વધુ મજબૂત બનાવશે અને કૉંગ્રેસને રાજ્યમાં સત્તાથી માઈલો દૂર રાખશે. મતલબ આ બાબત ‘ત્રિશક્તિ’ની જેમ ત્રણ આશ્ર્ચર્ય, એમ મોદીએ કહ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે દેશમાં અમારી સરકાર સત્તા પર આવી ત્યારથી અત્યાર સુધીમાં અમે સરકારી યોજનાઓનો લાભ લેવા કૉંગ્રેસ દ્વારા ઊભા કરવામાં આવેલા ૧૦ કરોડ બનાવટી લાભાર્થીઓને શોધી કાઢી દૂર કર્યા છે.
મધ્ય પ્રદેશના વિકાસ માટે કૉંગ્રેસ પાસે કોઈ નકશો નથી, જ્યારે અમારી સરકાર આપેલા વચનની પૂર્તિ કરવા માટે પ્રતિબદ્ધ છે, એમ તેમણે કહ્યું હતું.
મોદીએ અગાઉની યુપીએ સરકાર પર રાજ્યના વિકાસને રૂંધવાનો આક્ષેપ કર્યો હતો.
એક સમયે કેન્દ્રમાં યુપીએ અને મધ્ય પ્રદેશમાં ભાજપ સરકાર હતી ત્યારે યુપીએ સરકારે દરેક તબક્કે વિકાસને રૂંધવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ભાજપની રાજ્ય સરકારને ડબલ એન્જિનની તાકાત મળી હતી.
કૉંગ્રેસે મધ્ય પ્રદેશના વિકાસને અંધારા કુવામાં નાખી દીધો હતો અને ભાજપે તેને અંધારા કુવામાંથી બહાર કાઢવાનું કામ કર્યું ગરીબોના પોતાના ઘરના સપનાનો ભ્રષ્ટ કૉંગ્રેસે નાશ કર્યો હતો, જ્યારે હવે પ્રત્યેક ગરીબને તેનો અધિકાર મળી રહ્યો છે, એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે ૧૦ વર્ષમાં ભાજપ સરકારે રૂ. ૩૩ લાખ કરોડ સીધા ગરીબોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે અને તેમાંનો એક પણ રૂપિયો અન્યત્ર વાળવામાં નથી આવ્યો. (એજન્સી)