દેશમાં મોંઘવારી કાબૂમાં, અર્થતંત્ર મજબૂત: રિઝર્વ બૅન્ક
મુંબઈ: ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ના ગવર્નર શક્તિકાંતા દાસે ગુરુવારે દાવો કર્યો હતો કે દેશમાં મોંઘવારી કાબૂમાં આવી રહી છે અને અર્થતંત્ર વધુ ને વધુ મજબૂત બની રહ્યું છે.
ગવર્નરે જણાવ્યું હતું કે આરબીઆઇ ફુગાવાને નિયંત્રણમાં રાખવા માટેની અસરકારક નીતિનો અમલ કરાવી રહી છે. અમારી આર્થિક નીતિ દેશના આર્થિક વિકાસને વધારનારી
અને મોંઘવારીને નિયંત્રણમાં રાખનારી છે.
અગાઉ, સરકારે રિઝર્વ બૅન્કને ફુગાવા આધારિત ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) ચાર ટકા રાખવાની તાકીદ કરી હતી.
શક્તિકાંતા દાસે ટોક્યો ખાતે એક પરિસંવાદમાં દાવો કર્યો હતો કે ભારતની ફિન્ટેક ઇકોસિસ્ટમ ગ્રાહક-કેન્દ્રિત છે અને સારા વહીવટીતંત્ર પર વધુ ધ્યાન અપાઇ રહ્યું છે. ભારતનું અર્થતંત્ર કોવિડ-૧૯ના રોગચાળા સહિતના અનેક વિઘ્ન અને પડકારનો સામનો કરીને સંતોષકારક સ્થિતિમાં પહોંચ્યું છે. આર્થિક નીતિમાં મેક્રોઇકોનોમિક્ના સિદ્ધાંતને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે અને જરૂરી આર્થિક સુધારા કરાઇ રહ્યા છે. કોવિડ-૧૯ના રોગચાળા બાદ કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)નો વૃદ્ધિદર ૨૦૨૦-૨૧ના ૫.૮ ટકા સુધીના ઘટાડા બાદ વધીને ૨૦૨૧-૨૨માં ૯.૧ ટકા અને ૨૦૨૨-૨૩ ૭.૨ ટકા રહ્યો હતો. આ ઉપરાંત, ૨૦૨૩-૨૪ના પ્રથમ ત્રિમાસિકગાળામાં જીડીપીનો વિકાસદર ૭.૮ ટકા રહ્યો હતો અને આ ગતિએ વૃદ્ધિ ચાલુ રહેવાની આશા છે.
ભારતીય રિઝર્વ બૅન્કે ૨૦૨૩-૨૪માં જીડીપી વૃદ્ધિદર ૭.૮ ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી.
શક્તિકાંતા દાસે ફુગાવાના સંબંધમાં જણાવ્યું હતું કે આર્થિક નીતિ કરતી સમિતિની છેલ્લે ઑક્ટોબરમાં મળેલી બેઠકમાં ફુગાવા આધારિત ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ૨૦૨૩-૨૪માં ૫.૪ ટકા રહેવાની આશા વ્યક્ત કરાઇ હતી. અગાઉ, ૨૦૨૨-૨૩માં આ દર ૬.૭ ટકા હતો અને તેમાં આ વર્ષે સારો ઘટાડો થવાની ધારણા છે. સમિતિની આગામી બેઠક ડિસેમ્બરની શરૂઆતમાં મળવાની છે.
રિઝર્વ બૅન્કના ગવર્નરે જણાવ્યું હતું કે ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)એ ફિન્ટેક ક્ષેત્રે ક્રાંતિ આણી છે અને તે આંતરરાષ્ટ્રીય દૃષ્ટાંતરૂપ બની ગયું છે. યુપીઆઇ દ્વારા મોબાઇલ એપ્લિકેશનની મદદથી એક બૅન્ક ખાતામાંથી બીજા બૅન્ક ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ભારે વધારો થયો છે અને અન્ય દેશો તેમાં જોડાઇ રહ્યા છે.
શક્તિકાંતા દાસે જાપાનના ટોક્યોમાં ટોક્યો ચેમ્બર ઑફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન ઇકોનોમિક સ્ટડીઝ દ્વારા ‘ભારતીય અર્થતંત્ર ૨૦૨૩’ વિષય પર યોજાયેલા પરિસંવાદને સંબોધ્યો હતો. (એજન્સી)