ચિત્કાર
નાટક સો શો સુધી મારું, પછી તમારુ
ચિત્કાર નાટકનાં એક દૃશ્યમાં સુજાતા મહેતા અને સ્વ. મુકેશ રાવલ
તખ્તાની પેલે પાર – વિપુલ વિઠ્ઠલાણી
આપણે સહુ જાણીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી મંડળોના પ્રાયોજિત પ્રયોગોનાં કારણે કોઈપણ નાટકના દર મહિને ખૂબ બધા પ્રયોગો થતા હોય છે. જેનાં લીધે સારાં નાટકોનાં ૧૦૦, ૨૦૦ કે ૩૦૦ પ્રયોગો ભજવાતા વાર નથી લાગતી. પણ એક વખત એવો પણ હતો જ્યારે સંસ્થાઓ કે મંડળો જેવું કશું હતું નહીં. અને હોય તો પણ આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ. એટલે દર રવિવારે અથવા તો રજાઓના દિવસે માત્ર જાહેર પ્રયોગો જ ભજવાતા. અને ત્યારે નાટકના ૫૦ કે ૧૦૦ પ્રયોગ થવા એ પણ એક સિદ્ધિ ગણાતી. પણ જો હું એમ કહું કે એવા વખતે એક નાટક એવું હતું જેનાં ૧૦૦-૨૦૦ નહીં પણ લગભગ ૮૦૦ જેટલા પ્રયોગો ભજવાયા હતા તો મને ખાતરી છે કે તમારા મગજમાં એક નામ તરત આવશે, અને એ નામ એટલે લતેશ શાહ લિખિત-દિગ્દર્શિત અને સુજાતા મહેતા અભિનીત ચિત્કાર. ચાળીસ વર્ષ પહેલા ભજવાયેલું આ નાટક લોકોના દિલોદિમાગમાં એવું ઘર કરી ગયું હતું કે લોકો આજે પણ એ ભૂલી નથી શક્યા.
નાટકમાં વાત હતી સ્કિટ્ઝફ્રિનિયાના એક દર્દીની. સ્કિટ્ઝફ્રિનિયા જેવો શબ્દ આવે એટલે આપણને સહેજે થાય જ કે નાટકની વાર્તા કોઈ વિદેશી ફિલ્મ અથવા નાટક પરથી લેવામાં આવી હશે. પણ ના.. આ નાટકની વાર્તા સત્ય ઘટના પર આધારિત હતી જેને કાલ્પનિક રીતે નાટકીય રૂપ આપવામાં આવ્યું હતું.
વિગતવાર વાત કરું તો નાયર હૉસ્પિટલના આર.એમ.ઓ. આંતરકૉલેજ એકાંકી સ્પર્ધાઓમાં ભાગ લેતા જેનું દિગ્દર્શન ૧૯૭૮ની સાલથી જાણીતા લેખક-દિગ્દર્શક (અને હવે મોટિવૅશનલ સ્પીકર પણ) લતેશ શાહ કરતા જેનાં માટે એમની એ હૉસ્પિટલમાં આવનજાવન રહેતી. પણ ત્યાં નાટ્યપ્રવૃત્તિ દરમિયાન વચ્ચે-વચ્ચે જ્યારે પણ સમય મળે ત્યારે લતેશભાઈ કુતૂહલવશ હૉસ્પિટલમાં લટાર મારવા નીકળી પડતા અને ત્યાંનાં અલગ-અલગ ડીપાર્ટમેન્ટમાં ડોકિયું કર્યા કરતા. એ બધાં ડીપાર્ટમેન્ટમાંથી એક ડીપાર્ટમેન્ટ હતું સાઇકિઆટ્રી ડીપાર્ટમેન્ટ જેનાં તરફ લતેશભાઈને હંમેશાં વધું આકર્ષણ રહેતું. ત્યાંથી પસાર થતાં એમને રોજ કૌતુક થતું કે દુનિયામાં કેવા-કેવા પ્રકારના માનસિક રોગીઓ હોય છે.
એવામાં ૧૯૮૨ની સાલમાં એક દિવસ એક એવી છોકરીનો કેસ લતેશભાઈની નજરે ચડ્યો કે તેઓ લોહચુંબકની જેમ એ તરફ જ આકર્ષાયેલા રહેતા. એ છોકરી એકધારી કોઈ વાત કરી જ નહોતી શકતી. એ નૉર્મલ હોય ત્યારે ખૂબ જ ચતુરાઈભરી વાતો કરે પણ અચાનક જંગલી બની જાય ત્યારે કઈં પણ અણધાર્યું કરી બેસે. એની માનસિક હાલત એવી હતી કે એ મિનીટે-મિનીટે એની વાતો બદલ્યાં કરતી. ઘડીકમાં એ વાર્તાઓ કરે તો ઘડીકમાં ગુસ્સો. ઘડીકમાં રિસાય જાય તો ઘડીકમાં રડવા લાગે. ઘડીકમાં હસવા લાગે તો ઘડીકમાં ચૂપ થઈ જાય. અને ફેંકાફેંક તો એટલી કરે કે ન પૂછોને વાત.
હૉસ્પિટલના વડા તેમ જ બીજા ડોક્ટર્સ સાથે સારી દોસ્તીને કારણે લતેશભાઈ એનાં કેસના ઊંડાણમાં ગયા તો તેઓ હેબતાઈ ગયા. એમને ખબર પડી કે એ છોકરી તો પૅરૅનોઈડ સ્કિટ્ઝફ્રિનિકનો શિકાર હતી અને તેણીએ ૩-૪ ખૂન કર્યાં હતાં. (જાણ ખાતર: પૅરૅનોઈડ સ્કિટ્ઝફ્રિનિક શબ્દ મેડિકલ ટર્મમાં હવે ચલણમાં નથી. પણ એવા દર્દીઓને સતત ભ્રમ થયા કરતો હોય છે કે એમને કોઈ આદેશ આપી રહ્યું છે કે તું આમ કર, તું તેમ કર, તું ફલાણાને મારી નાખ). એ છોકરીને જોઈને કોઈ કાળે લાગતું નહોતું કે એ ખૂની હશે. એ વખતે ડૉક્ટર્સના કહેવા મુજબ એવા દર્દીઓ ક્યારેય સાજા થાય જ નહીં. એટલે એમને સ્ટ્રોંગ દવાઓ આપી એટલા બધા ડલ કરી નાખવા પડે કે તેઓ નિસ્તેજ બની જાય, નહીં તો તેઓ ગમે ત્યારે કોઈની પણ હત્યા કરી શકે. લતેશભાઈને એ પાત્ર ભારે આકર્ષિત લાગ્યું.
અગાઉ સુજાતા મહેતા સાથે મોળા પ્રતિસાદવાળું રાફડા નાટક કર્યા બાદ લતેશભાઈ સુજાતાબેન માટે એક સબ્જેક્ટ શોધી રહ્યા હતા. એમની વર્સટાલિટીને જોતા લતેશભાઈને થયું આ પાત્ર જો સુજાતા મહેતા પર્ફોર્મ કરે તો જલસો પડી જાય. એમણે સુજાતાબેનને વાત કરી તો એમને લાગ્યું આ પાછો પ્રાયોગિક ધોરણનું કઇંક કરવા માગે છે એટલે એમણે વાતમાં બહુ ધ્યાન ન આપી ઉડાઉ જવાબ આપતાં હા પાડી દીધી. લતેશભાઈને ખબર હતી કે સુજાતબેને ફક્ત સારું લગાડવા જ હા કહી છે છતાં એમણે મહેનત કરવાની ચાલુ કરી દીધી. અને એ ચાલું કરવા પાછળનું એક મુખ્ય કારણ હતું લતેશ શાહનો સુજાતા મહેતા તરફનો એકતરફી પ્રેમ. પછી તો એ પ્રેમ ધીરેધીરે એવો પાંગર્યો કે આજે વર્ષોથી બન્ને જણાં આપણને ઈર્ષા આવે એવી જલસાસભર જિંદગી સાથે માણી રહ્યાં છે.
ચાલો, પાછો મૂળ વાત પર આવું. નાટક લખવા કે બનાવવા માટે કોઈ પોતાનો જીવ જોખમમાં નાખે એવું તમે ક્યારેય સાંભળ્યું છે? નહીં ને? પણ અહીં એવું બન્યું હતું. લતેશભાઈએ સાસુ, સસરા અને નણંદનું ખૂન કરી ચૂકેલી છોકરીની નજીક જઈ, એની સાથે વાતો અને દોસ્તી કરી વધુ વિગતો મેળવવાની ચાલુ કરી દીધી. ડૉક્ટર્સને ડર હતો કે પેલી માનસિક અસ્વસ્થ છોકરી કશુંક અઘટિત કરી ના બેસે. પણ એનાથી વિપરીત પેલી છોકરી લતેશભાઈને શાંતિથી પ્રત્યુત્તર આપતી હતી એ જોઈ ત્યાં બધાને નવાઈ લાગતી. આના પરથી લતેશભાઈને એવા દર્દીઓની એક લાક્ષણિકતા દેખાઈ કે બેકાબૂ બની બેફામ વર્તણૂંક કરતી વ્યક્તિ સાથે જો તમે પ્રેમથી વાતો કરો તો ૦.૧% ચાન્સ છે કે તેઓ સાજા થઈ શકે.
સતત ૩ મહિના સુધી કેસ સ્ટડી કરી એમણે એક વાર્તા બનાવી જેમાં વધુ ડીટેલ્સ આપતાં એમને મદદ કરી હૉસ્પિટલના ૫-૬ ડૉક્ટર્સ અને સાઇકિઆટ્રી ડીપાર્ટમેન્ટના વડા ડૉ. પાટકરે. જો તમને યાદ હોય તો નાટકમાં ડૉક્ટર એની દર્દી સાથે શબ્દોની એક રમત રમે છે જે જોઈ પ્રેક્ષકોની તાળીઓથી આખું ઑડિટોરિયમ ગુંજી ઊઠતું. એ રમત ત્યાંના ડૉક્ટર્સે સૂચવી હતી.
લતેશભાઈએ સુજાતા મહેતા માટે બેકાબૂ, હિંસક, સ્પ્લિટ પર્સનાલિટી ધરાવતું અને જોતાવેંત પ્રેમમાં પડી જવાય એવું પાત્ર તૈયાર કરી નાખ્યું તો સામે પીઢ ડૉક્ટરના રોલમાં એમણે દીપક ઘીવાળાને કાસ્ટ કર્યા. મોટાભાગે પ્રાયોગિક નાટકો બનાવનાર લતેશભાઈને થયું માત્ર આ બન્ને પાત્રો થકી લોકો સુધી વાર્તા પહોંચાડવી અઘરી પડશે. એના માટે એક સૂત્રધાર જોઈશે. પણ વ્યાવસાયિક નાટકોમાં લોકો સૂત્રધાર સ્વીકારતા નથી એની જાણ લતેશભાઈને હતી એટલે એમણે સૂત્રધારનાં રૂપે એક એવું પાત્ર ઊભું કર્યું જે નાટકમાં સિસ્ટર (નર્સ) અને સિસ્ટર (બહેન)નો રોલ ભજવી લોકો સાથે વાતો કરતાં નાટકની વાર્તા સમજાવતું જાય. અને એ સિસ્ટરનાં રોલમાં કાસ્ટ થયાં હતાં ભૈરવી વૈદ્ય (જેમનું થોડાંક અઠવાડિયા પહેલા જ અવસાન થયું). આમ ધીરેધીરે બીજા પાત્રો તૈયાર કરી લતેશભાઈએ ત્રણ અંકમાંથી બે અંક લખી નાખ્યા.
પછી વાત આવીને ઊભી રહી કે હવે નાટક પ્રોડ્યુસ કોણ કરે? ત્યાં જ અચાનક લતેશભાઈને યાદ આવ્યા ડાયમંડ મર્ચન્ટ બીપીન મહેતા અને કનુભાઈ પટેલ જેઓ રાફડા નાટક જોઈને એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે એક નાટક પ્રોડ્યુસ કરવાની ઈચ્છા દર્શાવી હતી. એ બન્ને આ નાટક પ્રોડ્યુસ કરવા તૈયાર થયા. બીપીનભાઈને ખબર હતી કે એ જમાનામાં નાટકના સો પ્રયોગો કરવા અઘરા હતા. પણ જો થાય તો તો ભયો-ભયો. એટલે એમણે લતેશભાઈને કહ્યું, “નાટક સો શો સુધી મારું, પછી તમારું. લતેશભાઈએ હસીને હા પાડી દીધી.
આમ લતેશભાઈને નાટક માટે નિર્માતા તો મળી ગયા પણ કેમે કરીને રિહર્સલ માટે જગ્યા નહોતી મળતી. એ વખતે જાણીતા અભિનેતા સંજય ગોરડિયા, જેઓ લતેશભાઈનાં નાટકોનું નિર્માણ સંભાળતા, એમણે ખૂબ દોડાદોડી કરી છતાં જગ્યાનો કોઈ મેળ ના પડ્યો. છેવટે જૂના જમાનાનું ભાંગવાડી થિયેટર તૂટીને એની જગ્યાએ નવું મકાન બની રહ્યું હતું ત્યાં રિહર્સલ કરવાના ચાલું થયાં. બોલો, બંધાતા મકાનમાં નાટકનાં રિહર્સલ થયા હોય એવું ક્યારેય કલ્પી શકો છો? પણ ત્યારે એવું પણ બન્યું હતું.
આમ ધીરેધીરે કરતાં ત્રણ મહિના પછી ક્લાઇમેક્સ સીન છોડીને આખું નાટક તૈયાર થઈ ગયું. પણ પહેલા જેમ નિર્માતા નહોતા મળતા, પછી રિહર્સલ માટે જગ્યા નહોતી મળતી એમ હવે નાટકનો પહેલો શો કરવા માટે કોઈ થિયેટર નહોતું મળી રહ્યું. એ વખતે વ્રજલાલ વસાણી અને બચુભાઈ સંપટ (પરેશ રાવલના સસરા) બધા નિર્માતાઓને થિયેટર્સની ડેટ્સ (તારીખો) ફાળવવાનું કામ સંભાળતા. એવામાં એક દિવસ વરિષ્ઠ નિર્માતા રાજેન્દ્ર બુટાલાએ લતેશભાઈને ફોન કરી જણાવ્યું કે, “મારી પાસે ૧૬મી જાન્યુઆરી, ૧૯૮૩ પાટકર થિયેટરની બપોરની ડેટ છે, પણ કોઈક કારણસર હું ત્યાં મારાં નાટકનો શો કરી શકું એમ નથી. તો જો તારે ‘ચિત્કાર’નો શુભારંભ પ્રયોગ ત્યાં કરવો હોય તો તું કરી શકે છે.
નાટકના કલાકારો તેમ જ બીજા મિત્રોએ લતેશભાઈને ખૂબ સમજાવ્યા કે એ ખરાબ ડેટ કહેવાય. ત્યાંથી નાટક ઓપન કરવું એટલે પોતાના જ હાથે પોતાના પગ પર કુહાડી મારવી. પહેલા જ શો પછી ટીમ નાસીપાસ થઈ જશે. પણ લતેશભાઈને નાટક પર ભરપૂર વિશ્ર્વાસ હતો એટલે એમણે એ ડેટમાં શુભારંભ પ્રયોગ ભજવવાનું નક્કી કર્યું. પછી તો રાબેતા મુજબ નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ શરૂ થયાં. પ્રથમ પ્રયોગના આગલા દિવસ, એટલે કે શનિવાર સાંજ, સુધી નાટકનો છેલ્લો સીન લખાયો નહોતો. કલાકારોને રીડિંગ કરવા બેસાડી લતેશભાઈએ નાટકનો ક્લાઇમેક્સ લખી નાખ્યો. પણ એ સીન સેટ કરતાં એમને કોણ જાણે અચાનક શું સૂઝ્યું કે એમણે મોટેથી કહ્યું, “આ દૃશ્યમાં સુજાતા બારીનો કાચ તોડી બહાર કૂદી જશે. આ સાંભળતાંવેંત આખી ટીમ સ્તબ્ધ થઈ ગઈ અને રિહર્સલ ત્યાં જ અટકી ગયા. સેટ ડિઝાઇનર વિજય કાપડિયા તેમ જ કલાકાર-કસબીઓએ લતેશભાઈને સમજાવતાં કહ્યું, “આ બહુ જોખમભર્યું છે. આમાં સુજાતાબેનને નિશ્ર્ચિત ઈજા પહોંચી કોઈપણ પ્રકારનો અકસ્માત સર્જાઈ શકે છે. પણ આ તરફ લતેશભાઈ પોતાના નિર્ણયમાં અફર હતા તો બીજી તરફ રંગભૂમિને સમર્પિત સુજાતાબેન પણ આ સાહસ ખેડવા તૈયાર થઈ ગયાં હતા એટલે લતેશભાઈએ તાબડતોબ ઘણા બધા કાચ મંગાવી સુજાતાબેનને બારીનો કાચ તોડી બહાર કૂદી પડવાના રિહર્સલ કરાવ્યાં. (જાણ ખાતર: વિજયભાઈએ તાત્કાલિક દિમાગ દોડાવી એવી ટેકનિક અપનાવી હતી કે નાટકના ૮૦૦ કરતાં વધારે પ્રયોગોમાં દરેક વખતે નવા કાચ લાવીને તોડવામાં આવતા હતા છતાં સુજાતબેનને એક પણ શોમાં ઊની આંચ પણ નહોતી આવી)
ભૂલી જાઉં એ પહેલા જણાવી દઉં કે નાટકમાં સંગીત શ્રી અજીત મર્ચન્ટનું હતું. ખેર, આખી રાત ગ્રૅન્ડ રિહર્સલ કર્યાં બાદ મળસ્કે આખી ટીમ અડધી ઊંઘમાં ઘરભેગી થઈ. બીજે દિવસે બપોરે બે વાગે બધા પાટકર પર ભેગા થયા ત્યાં લતેશભાઈએ ઑર એક ઝટકો આપતાં કહ્યું, “હવે હું પણ નાટકમાં એન્ટ્રી કરી બે અલગ-અલગ પાત્રો ભજવીશ. એમને ખબર હતી કે નાટકના સંવાદોમાં મેડિકલ ટર્મ્સના ઘણા બધા શબ્દો આવતા હતા અને આટલી બધી હડબડાટીમાં એ બોલવામાં જો કોઈ ભૂલ કરી બેસશે તો મજા નહીં આવે. એટલે તેઓ જાતે જો સ્ટેજ પર હાજર હોય તો બાજી સંભાળી શકે. પહેલા શોમાં છેલ્લી ઘડીએ જિદ્દી સ્વભાવના લતેશભાઈ સામે દલીલ કરવાનું ટાળી ટીમે શો પ્રારંભ કર્યો.
પહેલા અંક પછી ઇન્ટરવલમાં બૅકસ્ટેજ પર કોઈ જ મળવા ના આવ્યું એટલે ટીમને નવાઈ લાગી. બીજા અંક પછીના ઇન્ટરવલમાં પણ કોઈ ના આવ્યું ત્યારે તો ટીમને રીતસરની ફાળ જ પડી. પણ નાટકની સમાપ્તિ બાદ પાંચ મિનીટ સુધી કોઈ ના આવ્યું અને આખી ટીમ પડી ભાંગવાની તૈયારીમાં હતી ત્યાં તો લોકોના ટોળેટોળાં સ્ટેજ પર ધસી આવ્યાં અને નાટકનાં ભરપૂર વખાણ કરવા લાગ્યાં. વિજયભાઈ, બચુભાઈ અને શફી ઇનામદારે તો છાતી ઠોકીને કહી દીધું કે આ નાટકનાં ૫૦૦ કરતાં ઓછા પ્રયોગો નહીં થાય, અને તેઓ સાચા પણ પડ્યા. પછી તો એક પછી એક શોની હારમાળા સર્જાવા લાગી અને જે નાટકનો પહેલો શો ભજવવા માટે થિયેટર નહોતું મળી રહ્યું એ નાટકના શો ભજવવા માટે થિયેટરની ડેટ્સ સામેથી સોનાની થાળીમાં પીરસાવા લાગી હતી. આમ ધીરેધીરે નાયર હૉસ્પિટલની એક માનસિક રોગી છોકરીની વાર્તા ઘરઘર સુધી પહોંચવા લાગી.
આ નાટકનાં અમદાવાદમાં પ્રયોગો થતા હતા ત્યારે ત્યાં લૉ ગાર્ડન પાસે આવેલ ઠાકોરભાઈ દેસાઈ માત્ર એક હૉલ જ હતો. લતેશભાઈએ એના ટ્રસ્ટીઓ સાથે વાતો કરી એમાં લાઇટ અને સાઉન્ડની વ્યવસ્થા કરાવતાં એ હૉલને થિયેટરમાં પરિવર્તિત કરાવડાવ્યો. અને એ બની ગયા બાદ ત્યાં પહેલો શો “ચિત્કાર નાટકનો ભજવાયો.
(ઉપરોક્ત માહિતીઓ નાટકના લેખક-દિગ્દર્શક લતેશ શાહ સાથે વાતો કરતાં મળી)
ત્રીજી ઘંટડી
આ નાટકના ૮૦૦ કરતાં વધારે પ્રયોગો દરમિયાન સુજાતા મહેતાને છોડીને લગભગ ૨૫૦ જેટલાં રીપ્લેસમેન્ટ થયાં હતાં.