કેરોલિના રીપર પ્રકરણ-૫૩
પ્રફુલ શાહ
આ ગઇ હૈ, આ ગઇ હૈ, ભૂત ઝોલક્યિા આ ગઇ હૈ
એટીએસના પરમવીર બત્રાને લાગ્યું કે મુરુડ બ્લાસ્ટ્સ કેસમાં નવાનવા ફણગા ફૂટી રહ્યા છે
એટીએસના પરમવીર બત્રાએ સૂચના આપી કે એક દૂધવાળો આવશે. એ આવે એટલે એક પળનો ય વિલંબ કર્યા વગર મારી પાસે લઇ આવવો. કેબિનની અંદર જતી વખતે તેમણે આવી સૂચના આપી એટલે અમુક લોકોને નવાઇ લાગી જોકે ડિપાર્ટમેન્ટના અમુક સિનિયર અને બત્રાને ઓળખનારાઓને જરાય આશ્ર્ચર્ય ન થયું.
થોડીવારમાં ઊંચું પહેરેલું ધોતિયું, માથે મેલી પાઘડી, ખભા પર લાલ ગમચો, નાક પાસે મોટો કાળો મસો, મોઢામાં બીડી અને હાથમાં દૂધની મોટી બોધડી લઇને એક ભૈયો અંદર આવ્યો. કોઇ કંઇ પૂછે કે કહે એની રાહ જોયા વગર એ સીધો બત્રાની કેબિનમાં ઘૂસી ગયો.
બત્રા એને જોઇને હસી પડ્યો. પ્રોડયુસર મનમોહન, આ નાક પાસેનો મસો વધુ પડતો મોટો નથી લાગતો જી?’
“સર, જે મળ્યું એનાથી ચલાવી લેવું પડે. આમેય આ તોપચી અબ્દુલ હમીદુલ્લા ‘ગુલાબ’ની કબરે તો મને અધમુઓ કરી નાખ્યો.
‘એવું તે શું થયું?’
પછી ‘પ્રોડયુસર મનમોહન’ તરફથી અબ્દુલ ‘જામ’ સાથેની મુલાકાતનું વર્ણન થયું. બધું સાંભળી લીધા બાદ બત્રા ખડખડાટ હસી પડ્યા પણ પછી વિચારમાં પડી ગયા.
“સર, આપને લાગે છે કે આ બધાને મુરુડ બ્લાસ્ટ્સ સાથે સંબંધ હોય?
“કદાચ ન હોય પણ બ્લાસ્ટ્સ કેસના એક શકમંદ સાથે તો અવશ્ય સંબંધ છે. બાદશાહ વિશે મળે એટલું શોધવાની જરૂર છે. ક્યાંક એની નબળી કડી હાથ લાગી જાય.
“પણ સર એના કરતાં બાદશાહને જ ઝડપી લઇએ તો?
“એ કદાચ મોઢું ન ખોેલે. આનાથી એના સાથીઓ સાવધ થઇને હવામાં ઓગળી જાય, અને કદાચ આગળનું કોઇ કાવતરું હોય તો એમાં ઉતાવળ કરી બેસે. ઘાંઘા થઇને વધુ ધડાકાભડાકા કરી બેસે તો?
“સર, મારા માટે હવે શું ઓર્ડર?
“તમે બાદશાહ, સોલોમન અને એનડીના જૂના ફોટા લઇને પહેલા સમગ્ર મુરુડ અને પછી આખા અલીબાગના ગામમાં ફરી વળો. ત્રણેયનો આ સ્થળ સાથે કંઇક સંબંધ હોઇ શકે. જો ન હોય તો પછી મુરુડ પર શા માટે પસંદગી ઉતારો? ખબરીઓના નેટવર્કને પણ કામે લગાડો.
‘પ્રોડ્યુસર મનમોહન’ રવાના થયા બાદ બત્રાએ પોતાના મોબાઇલ ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાંથી ઊર્દૂ વિદ્વાન અને ઇતિહાસકાર ડૉ. સલીમ મુઝફફરને એસ.એમ.એસ. કર્યો: તોપચી અબ્દુલ હમીદુલ્લા ‘ગુલાબ’. આ મુંબઇગરા સલીમભાઇ દેશપ્રેમી વિદ્વાન હતા. ક્યારેય કોઇ કારણ પૂછ્યા વગર તેઓ બત્રાને મદદ કરે ને કરે. એનાં પણ કારણો ખરા જ.
કરણ રસ્તોગીએ કરોડો રૂપિયા ખર્ચીને દેશભરના અગ્રણી અખબારોના પહેલે પાને નવા પ્રોડકટ લોંચની જાહેરાત કરી. આ ગઇ હૈ, આ ભૂત ઝોલક્યિા આ ગઇ હૈ મોટા અક્ષરમાં આવા હેડિંગ સાથે નીચે લખ્યું હતું. ‘હટ જાઓ પુરાને બાજીગર, અબ મૈદાન બદલને વાલા હૈ.’
સાથોસાથ ‘રસ્તોગી મસાલા’ના બધા પ્રોડક્ટસ પર ૨૫થી ૪૦ ટકા ડિસ્ટાઉન્ટની જાહેરાત કરાઇ હતી. નીચે નાના અક્ષરમાં લખ્યું હતું. ‘ભૂત ઝોલક્યિા ક્યાં હૈ વહ જાનીએ આગે કે પેજ પર’
દુનિયાભરમાં પોતાની તીખાશને લીધે જાણીતું મરચું એટલે ભૂત ઝોલક્યિા. અરૂણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ અને મણિપુરમાં પાક્તા આ મરચાને અંગ્રેજીમાં ઘોસ્ટ પેપર કહેવાય છે. જે રીતે કાશ્મીરના મરચા દાળ-શાકમાં લાલ રંગ લાવવા જાણીતા છે. એમ ઇશાન ભારતની ભૂત ઝોલકિયા તીખાપણા માટે દુનિયાભરમાં મશહૂર છે. એક સમયે, રિપીટ એક સમયે, દુનિયાના સૌથી તીખા મરચા તરીકે એનું નામ ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં ય સામેલ હતું.
ભૂત ઝોલક્યિાનો વધુ પડતો ઉપયોગ અમુક નોન-વેજ ડિશમાં જ વધારે થાય. આ રીતે સામાન્યજન માટે ભૂત ઝોલકિયા આંખમાં પાણી લાવી દે એટલે એનો ઉપયોગ ઓછો થાય, પરંતુ ભૂત ઝોલકિયાની એન્ટ્રીથી મરચા માર્કેટની સુસ્તી ઊડી ગઇ.
એ.ટી.એસ.ના પરમવીર બત્રા ઊંડા વિચારમાં પડી ગયા. મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસ ધારણા કરતાં વધુ ગૂંચવાયેલો નીકળ્યો. એમાં નવાનવા ફણગા ફૂટી રહ્યાં છે. બાદશાહ -એનડીના ભૂતકાળ, આસિફ પટેલના ભેદી ધંધા, સોલોમનનું અદશ્ય થવું, શકીનાની હત્યા, પવલાનું હવામાં ઓગળી જવું, પિટયાની કસ્ટડીમાં હત્યા અને પછી પ્રસાદ રાવનું ગાયબ થઇ જવું. બાદશાહની વિચિત્ર હરકતો તો અલગ. હવે કોઇ તથાકથિત આતંકવાદી સંગઠને બૉમ્બ બ્લાસ્ટ્સની જવાબદારી સ્વીકારી, પછી વીડિયો કેસેટ બનાવટી હોવા અંગે શંકા અને છેલ્લે આકાશનો પીછો અને જાસૂસી કરાવનારા રાજીવ દુબેની ૧૯૯૩ના બૉમ્બે બ્લાસ્ટ્સના આરોપી સાથે સંબંધ હોવાનું બહાર આવવું…
‘ઓહ માય ગૉડ’ બોલીને બત્રાએ માથું પકડી લીધું. ત્યાં જ એસ.એમ.એસ. આવ્યાના નોટિફિકેશનની રિંગ વાગી. ડૉ. સલીમ મુઝફફરનો મેસેજ હતો. ‘વિલંબ બદલ ક્ષમા. કામ અઘરું છે પણ હું એની પાછળ પડ્યો છું. આભાર.’
એ જ સમયે બત્રાએ કેબિનના કાચમાંથી મુરુડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સપેક્ટર પ્રશાંત ગોડબોલે અને સબ-ઇન્સપેકટર વૃંદા સ્વામીને આવતા જોયાં.
બત્રાને સમજાયું નહિ કે આ બન્નેના ખાસ તો વૃંદાના આવવાથી પોતે ખુશ થવું કે નારાજ થવું? બત્રાની આ દુવિધા વચ્ચે દરવાજે હળવો ટકોરો મારીને બન્ને અંદર આવ્યા. આ વખતે ત્રણેયના ચહેરા પર ઉમળકા, ઉત્સાહ અને સ્મિતની ગેરહાજરી હતી. બત્રાએ ખુરશીના હેન્ડલ પરથી નેપકીન લઇને ભાર દઇને આખું મોઢું લૂછ્યું પછી પાણીનો આખો ગ્લાસ ગટગટાવી ગયા. ઑફિસમાં નવા મુકાવેલા ઇન્ટરકોમનું બટન દબાવીને બોલ્યા, “ત્રણ ચા એક સ્ટ્રોન્ગ એક વિધાઉટ સુગર.
પછી બત્રાએ બન્ને સામે જોયું. બેમાંથી કોઇ કંઇ ન બોલ્યું. કદાચ બોલી ન શક્યું.
“ગોડબોલેજી, સબ ઠીક હય જી?
“સર ઠીક શું હોય? મારી કસ્ટડીમાં મહત્ત્વના શકમંદ પિંટયાનુંખૂન થઇ ગયું.
વૃંદાએ ટાપસી પૂરાવી, “મારી ભૂલને લીધે એ થયું સર, હવે એક રિકવેસ્ટ છે. પ્રસાદ રાવને ગમે તેમ પકડવો જ પડે. મેં એના દોસ્તારો સાથે ખૂબ મગજમારી કરીને એનો બીજો મોબાઇલ નંબર લીધો છે.
આટલું બોલીને પ્રસાદ રાવના બન્ને મોબાઇલ ફોન નંબર લખેલી ચબરખી પર્સમાંથી કાઢીને ટેબલ પર મૂકી. નીચે ‘શ્રીમતી જવાલા પ્રસાદ રાવ’ લખીને ત્રીજો નંબર પણ લખેલો હતો.
“સર આ ત્રણેય નંબર તપાસમાં કંઇક કામ આવે કદાચ
બત્રાએ તરત જ ચબરખીનો ફોટો પાડીને એક વોટ્સઅપ નંબર પર મોકલી દીધો. “આ ત્રણેય નંબર પર ચાંપતી નજર રાખજો.
પછી બત્રાએ ગોડબોલે સામે જોયું. “પહેલા અલીબાગના બધા ગામમાં અને પછી જરૂર પડે તો રાયગઢના એકએક ગામમાં બાદશાહ, સોલોમાન, એનડી, પ્રસાદ રાવ અને પવલાના ફોટા મોકલી દો સાથોસાથ એક નામ મોકલો તોપચી અબ્દુલ હમીદુલ્લા ‘ગુલાબ’. આ બધા ફોટા અને નામ વિશે જ્યાંથી જેટલી માહિતી મળે એ કઢાવો. ઊર્દૂના વિદ્ધાનો, શાયરો અને ઇતિહાસકારોને ખાસ તોપચીનું નામ મોકલો. એક વાત સમજી લો કે યુદ્ધનાં વાદળો ઘેરાવા માંડ્યાં છે. ગમે ત્યારે ધડાકાભડાકા થઇ શકે છે. પણ એ પહેલા આપણે ત્રાટકવું પડશે… નહિતર ભારે જાનહાનિ થઇ શકે.
મુંબઇના ભાયખલાની પશ્ર્ચિમ બાજુએ આવેલી મ્યુનિસિપલ કોલોનીમાં એક ખૂબ મહત્ત્વનું સ્થળ છે. મહારાષ્ટ્રની સૌથી મોટી અને સૌથી જૂની ઉર્દૂ લાઇબ્રેરી આવામી ઇડારા લાઇબ્રેરી. ૧૯૫૦માં સ્થપાયેલી આ અનોખી લાઇબ્રેરીના લાકડાના કબાટમાં દશ હજારથી વધુ પુસ્તકો છે. પ્રગતિવાદી મુસલમાનોના મિલન -સ્થળ સમાન આ લાઇબ્રેરીને શાયર-ગીતકાર કૈફી આઝમીએ નામ આપ્યું હતું આવામી ઇડારા અર્થાત્ લોકોનું પુસ્તકાલય.
આ પુસ્તકાલયના એક ખૂણામાં ડૉ. સલીમ મુઝફફર એક નોટબુકમાં કંઇક ટપકાવતા હતા. પોતાના અમુક દોસ્તો, એશિયાટિક લાઇબ્રેરી અને અન્ય સ્થળેથી મહેનત કરી મેળવેલી માહિતીની નોંધ તેમણે જે કાગળ પર લખી હતી, પર હેડિંગ હતું તોપચી અબ્દુલ હમીદુલ્લા ‘ગુલાબ’ પોતે ઇતિહાસકાર ખરા પણ સાહિત્ય એમનો વિષય નહિ. છતાં પરમવીર બત્રાએ જે માણસ વિશે માહિતી માગી. એના નામમાં ‘તોપચી’ હતું અને ‘ગુલાબ’ પણ.
દિલ્હી, હૈદરાબાદ, લખનઊ, જમ્મુ સહિતનાં સ્થળોના ઇતિહાસ અને શાયરીના વિદ્ધાનો સાથે લાંબી ચર્ચા અને નોંધના આદાનપ્રદાન બાદ ડૉ. સલીમ મુઝફફરે નોંધ લખવાની શરૂઆત કરી.
“તોપચી અબ્દુલા હમીદુલ્લા ‘ગુલાબ’ વિશે ઇતિહાસ અને સાહિત્યમાં નહિવત્ માહિતી ઉપલબ્ધ છે. એમના વિશે ત્રણ મુખ્ય બાબત નોંધપાત્ર છે. તેઓ શિવાજીના કાળમાં મરાઠા લશ્કરમાં હોઇ શકે. એ સમયે મરાઠા લશ્કરમાં ઘણાં મુસ્લિમ યોદ્ધા હતા. બે, આ જનાબ અબ્દુલ યોદ્ધા હોવા સાથે શાયર હતા એવી અલપઝલપ નોંધ ક્યાંક મળે છે. જો કે એમના નામે કોઇ પુસ્તક હોવાનું જાણવા મળતું નથી. શક્યતા, આઇ રિપીટ, શક્યતા છે કે તેઓ અલીબાગ કે આસપાસ રહેતા હોય
આટલું લખ્યા બાદ નીચે અંડરલાઇન કરીને લાલ અક્ષરે લખ્યું હતું કે મને છત્રપતિ શિવાજી મહારાજના કાળના ઇતિહાસમાં તોપચી અબ્દુલા વિશે વધુ જાણવા મળવાની આશા છે. આ માટેના મારા પ્રયાસ ચાલુ છે. અધૂરી, અધકચરી માહિતી મોકલવા બદલ દિલગીર છું.
ડૉ. સલીમ મુઝફફર એ સમયે જાણતા નહોતા કે થોડા સમયમાં એમની ‘અધૂરી અને અધકચરી માહિતી’ ખૂબ જ ઉપયોગી સાબિત થવાની હતી. આનાથી મુરુડ બૉમ્બ બ્લાસ્ટ્સ કેસની તપાસને નક્કર દિશા મળવાની હતી. એ ઉપરાંત ઘણાંનાં જીવન કાયમ માટે બદલાઇ જવાના હતા. (ક્રમશ:)