આમચી મુંબઈમહારાષ્ટ્ર

અજિત પવાર જૂથ દ્વારા રજૂ કરવામાં આવેલા 20,000 શપથપત્રમાં ખામી

શરદ પવાર જૂથ દ્વારા ગંભીર આક્ષેપો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીમાં ભાગલા પડ્યા બાદ અજિત પવાર જૂથ અને શરદ પવાર જૂથ બંને જૂથ દ્વારા પક્ષ પર દાવો કરવામાં આવ્યો છે અને કાયદેસરની લડાઈ ચાલુ થઈ છે. આની સુનાવણી ગુરુવારે નવી દિલ્હીમાં ચૂંટણી પંચ સમક્ષ ચાલી રહી હતી ત્યારે એડ. અભિષેક મનુ સિંઘવીએ શરદ પવાર જૂથની બાજુ માંડી હતી. તેમણે અજિત દાદાના જૂથ પર ગંભીર આરોપ લગાવતાં મૃત લોકોના નામે શપથપત્ર દાખલ કરવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. આ બધાને પગલે હવે એનસીપી પક્ષ અને ચિહ્ન પરની આગામી સુનાવણી 20 નવેમ્બરે કરવામાં આવશે.

સિંઘવીએ કહ્યું હતું કે અજિત પવાર જૂથ તરફથી 2,000થી વધુ ખોટા શપથપત્ર દાખલ કરવામાં આવ્યા છે. આમાંથી અનેક લોકોના મૃત્યુ થયા છે, જ્યારે કેટલાક લોકો અન્ય પક્ષના છે.

અંદાજે દોઢ કલાક કલાક ચાલેલી સુનાવણીમાં સિંઘવીએ એમ પણ જણાવ્યું હતું કે શરદ પવાર પક્ષના સંસ્થાપક અધ્યક્ષ છે. સાથે જ એનસીપીની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં શરદ પવારને પક્ષાધ્યક્ષ બનાવવાના ઠરાવને એકમતે મંજૂરી ાપવામાં આવી હતી. અજિત પવાર જૂથે એવો દાવો કર્યો હતો કે શરદ પવાર રાષ્ટ્રીય અધ્યક્ષ નથી તેમાં તથ્ય નથી. વાસ્તવમાં અજિત પવારે પોતે જ શરદ પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટે અનુમોદન આપ્યું હતું.

તેમણે સંસદસભ્ય અમોલ કોલ્હે, વિધાનસભ્ય અશોક પવારે અજિત પવાર જૂથ તરફથી શપથપત્ર દાખલ કર્યા હતા તેના પર પણ પ્રશ્ર્ન ઉપસ્થિત કર્યો હતો.

ટેક્નિકલ મુદ્દા ઉપસ્થિત કરીને સુનાવણી લંબાવવાનો પ્રયાસ: તટકરે

અજિત પવાર જૂથના સંસદસભ્ય સુનિલ તટકરેએ ગુરુવારની સુનાવણી પૂરી થયા બાદ એમ કહ્યું હતું કે વાસ્તવમાં આજે મેરિટ પર દલીલ થવી જોઈતી હતી, પરંતુ ટેક્નિકલ બાબતો ઉપસ્થિત કરીને સુનાવણી લંબાવવાનો પ્રયાસ શરદ પવાર જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો.

અમારા તરફથી અઢી લાખથી વધુ શપથપત્ર દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમાંથી છટકબારીઓ શોધવાના અત્યંત અલ્પ એવા શપથપત્ર પર કેટલીક ખામીઓ હોવાનું જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, એમ પણ તટકરેએ જણાવ્યું હતું.

સળંગ સુનાવણી હાથ ધરવામાં આવે એવી અમારી માગણી હતી અને તેને માન્ય રાખતાં હવે 20 નવેમ્બરથી સળંગ સુનાવણી હાથ ધરવામાં આવશે. ટેક્નિકલ ખામી છે તે અદાલત સમક્ષ માંડવાનો પ્રયાસ કરવામાં આવશે, એમ પણ તટકરેએ કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button