કુસ્તીબાજ બજરંગ પુનિયાને આ કેસમાં જામીન મળ્યા
નવી દિલ્હીઃ કુસ્તીબાજ બજરંગ પુનિયાને કોચ નરેશ દહિયા દ્ધારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં ગુરુવારે દિલ્હીની કોર્ટે જામીન આપ્યા હતા.
દહિયાએ કુસ્તીબાજ બજરંગ પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ વડા બ્રિજ ભૂષણ શરણ સિંહના વિરોધ પ્રદર્શન દરમિયાન કરેલા નિવેદનથી તેમની છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો.
કુસ્તીબાજોના વિરોધ પ્રદર્શન દરમિયાન બજરંગે કહ્યું હતું કે દહિયા પાસે તેના આંદોલનનો વિરોધ કરવાનો નૈતિક આધાર નથી કારણ કે તેમની સામે બળાત્કારનો કેસ પેન્ડિંગ હતો. ત્યાર બાદ દહિયાએ કોર્ટમાં અરજી કરી હતી. બજરંગને તાજેતરમાં એશિયન ગેમ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેડલ વિના પરત ફર્યો હતો.
દહિયાના વકીલ રાજેશ કુમાર રેક્સવાલે પીટીઆઈને કહ્યું હતું કે “બજરંગે કોર્ટમાં પોતાની હાજરીમાંથી મુક્તિ માંગી હતી. તે પ્રથમ ત્રણ સુનાવણીમાં હાજર રહ્યો ન હતો. આજે તેઓ રૂબરૂ હાજર થયો હતો અને કોર્ટે તેને જામીન આપ્યા છે. કેસની આગામી સુનાવણી પાંચ માર્ચના રોજ યોજાશે.