વિધાનસભા ચૂંટણી: રાજસ્થાન જીતવા માટે ભાજપના આ છે X ફેક્ટર
રાજસ્થાનની જનતા 25 નવેમ્બરે મતદાન કરીને આગામી 5 વર્ષ માટે તેમની સરકાર ચૂંટશે. મતદાન પહેલા મતદાતાઓને આકર્ષવા રાજકીય પક્ષો એડીચોડીનું જોર લગાવી રહ્યા છે. અનેક મોટા નેતાઓની રેલીઓ થઇ રહી છે, મેનીફેસ્ટોમાં અવનવા વાયદાઓની ભરમાર જોવા મળી રહી છે. રાજસ્થાનમાં છેલ્લા 30 વર્ષથી દર પાંચ વર્ષે નવી સરકાર રચાય છે, જૂની સરકારનું પુનરાવર્તન થતું નથી. ત્યારે આ ટ્રેન્ડ તોડવા ભાજપ અને કોંગ્રેસ કેવી વ્યૂહરચના અપનાવી રહ્યા છે તેના પર એક નજર કરીએ..
રાજસ્થાનમાં સત્તાધારી કોંગ્રેસ સરકારે આ વખતે લલચામણી જાહેરાતો ઉપરાંત જાતિ આધારિત વસ્તી ગણતરીનું પણ કાર્ડ રમી રહી છે. જેને પગલે આ લડાઇમાં ઓબીસી વર્ગની ભૂમિકા મહત્વપૂર્ણ બની ગઇ છે. કોંગ્રેસના આ વ્યૂહને તોડવા ભાજપે નવી ફોર્મ્યુલા અપનાવી છે. ભાજપે વસુંધરા રાજે તથા કોઇપણ નેતાનું નામ મુખ્યપ્રધાનપદ માટે આગળ કર્યા વગર પીએમ મોદીના નામે જ ચૂંટણી લડવાનો આગ્રહ રાખ્યો છે. રાજસ્થાનમાં ભાજપે ‘મોદી સાથે રાજસ્થાન’નો નારો લગાવ્યો છે. ઉપરાંત ટિકિટની વહેચણીમાં પણ ઓબીસી અને એમબીસી ચહેરાને વધુ પ્રમાણમાં આગળ કર્યા છે. 200માંથી 70 ભાજપના ઉમેદવારો ઓબીસી સમુદાયમાંથી છે.
ભાજપ અને કોંગ્રેસ બંને આ વખતે ચૂંટણીમાં જાટ સમાજ પર ફોકસ કરી રહ્યા છે. ભાજપે જાટ સમાજમાંથી આવતા 31 લોકોને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસે 36 જાટ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. જાટ નેતાઓ પાછળના ગણિતમાં જોધપુર, નાગોર, બાડમેર, જેસલમેર, જેવી બેઠકોને આવરી લેવાઇ છે. આ બેઠકો પર જાટ મતદાતાઓ મત નિર્ણાયક ભૂમિકા ભજવે છે. રાજસ્થાનની કુલ બેઠકોમાંથી 35 ટકા બેઠકો પર જાટ મતગણિત મહત્વ ધરાવે છે. એવું કહેવાય છે કે જાટ બેઠકો પર જે પક્ષનું પ્રભુત્વ હોય તે પક્ષ માટે રાજસ્થાનની સત્તા મેળવાનો રસ્તો સાફ થઇ છે.
અનુસૂચિત જાતિ માટે 34 બેઠકો અને અનુસૂચિત જનજાતિ માટે 25 બેઠકો, રાજસ્થાન વિધાનસભાની કુલ બેઠકોમાંથી 59 બેઠકો એસસી, એસટી માટે અનામત છે. અનામત બેઠકો તો છે જ, પરંતુ ભાજપે અમુક સામાન્ય બેઠકો પર પણ એસસી, એસટીના ઉમેદવારોને ટિકિટ આપી છે. હકીકત એ છે કે વિધાનસભા ચૂંટણી પહેલા રાજસ્થાનના રાજકારણમાં મજબૂત પ્રભાવ ધરાવતા અલગ અલગ સમાજના 2 લોકો પોતપોતાની મુહિમ ચલાવી રહ્યા છે. જાટ સમાજમાં હનુમાન બેનીવાલ જાટ મુખ્યપ્રધાનનો મુદ્દો ઉઠાવી રહ્યા છે, તો બીજી બાજુ આદિવાસી સમાજમાં પણ અલગ ભીલ પ્રદેશની માગ જોર પકડી રહી છે. એવામાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ આ બંને સમાજના નેતાઓને વધુ પ્રમાણમાં ટિકિટો વહેચીને મતોના નુકસાનથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અનામત બેઠકો સિવાયની બેઠકોની વાત કરીએ તો આદિવાસી મતદાતા અંદાજે ડઝનેક જેટલી બેઠકો પર હાર-જીત નક્કી કરશે. અહીં રાજસ્થાનના રાજકારણમાં મેવાડની ભૂમિકા જોઇએ, તો કહેવાય છે કે ‘જેણે મેવાડ જીતી લીધું, સમજો તેણે રાજસ્થાન જીતી લીધું.’ જે આદિવાસીઓનું દિલ જીતે તે જ મેવાડને જીતી શકે. મેવાડની બેઠકો જે પક્ષના કબજામાં સૌથી વધુ હશે તે રાજસ્થાન પર રાજ કરશે.
મહિલા અનામતની મોટેઉપાડે જાહેરાત કરીને ફાયદો લેવાનો પ્રયાસ કરી રહેલી ભાજપ કરતા કોંગ્રેસ આ વખતે મહિલાઓને ટિકિટો વધુ આપી રહ્યું છે. કોંગ્રેસે 28 મહિલાઓને આ વખતે ટિકિટ આપી છે જ્યારે ભાજપે માંડ 20 મહિલાઓને ઉમેદવાર બનાવી છે. ભાજપે 27 રાજપૂત, 19 બ્રાહ્મણો સહિત સામાન્ય વર્ગના 63 નેતાઓને ટિકિટ આપી છે. તેમાં વાણિયા સહિત અન્ય સામાન્ય જ્ઞાતિના ઉમેદવારો પણ સામેલ છે.