આમચી મુંબઈ

મુંબઈ રેલવેના અધિકારીઓ સીબીઆઇના સકંજામાં, આ ગુનો નોંધાયો

મુંબઇઃ દરેક સરકારી ખાતામાં ભ્રષ્ટાચાર ચાલતો જ હોય છે અને રેલવે પણ આમાંથી બાકાત નથી. રેલવેના દરેક વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચારની વિગતો છાશવારે બહાર આવતી જ હોય છે. લાંબા અંતરની ટ્રેનોમા પેન્ટ્રી કાર ચલાવતા કોન્ટ્રાક્ટરો હોય કે ટિકિટિંગ સ્ટાફ હોય દરેક વિભાગમાં ભ્રષ્ટાચારની ફરિયાદો અવારનવાર ઉઠતી જ હોય છે. પણ હવે આ મુદ્દે લાગતા વળગતા અધિકારીઓએ સખત વલણ અપનાવવા માંડ્યુ છે.

આવાજ એક મામલામાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ રેલવેના બે ચીફ પાર્સલ સુપરવાઇઝર અને અન્ય બે ખાનગી વ્યક્તિ સામે કેસ નોંધ્યો છે. મુંબઇના લોકમાન્ય તિલક ટર્મિનસના ચીફ પાર્સલ સુપરવાઈઝર સામે અને તેમની ઑફિસમાં તૈનાત સ્ટાફ સામે ફરિયાદ મળ્યા બાદ આ અંગે તપાસ યોજવામાં આવી હતી. ચીફ પાર્સલ સુપરવાઈઝરની ઑફિસ પાર્સલ બુક કરાવનારા લીઝ ધારકો પાસેથી અયોગ્ય લાભ લે છે એવી ફરિયાદ મળી હતી. જે અધિકારી સામે કેસ કરવામાં આવ્યા છે તેમની ઓળખ CPS જનાર્દન દેશપાંડે, સંજય ગાડગે તરીકે થઇ છે, જ્યારે બે ખાનગી વ્યક્તિની ઓળખ અર્જુન જયસ્વાલ અને સૂર્યભાન દિપકર તરીકે થઇ છે.

આ અંગે ફરિયાદ મળ્યા બાદ સીબીઆઇ સક્રિય થઇ હતી. સોમવારે સીબીઆઈની ટીમ દ્વારા ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. દરમિયાન ગાડગેએ માહિતી આપી હતી કે રેલવે દ્વારા પ્રકારના પાર્સલ બુક કરવામાં આવે છે. પાર્સલનો એક પ્રકાર લીઝ ધારકો દ્વારા હોય છે જેમાં રેલ્વેનો લીઝ ધારકો સાથે કરાર હોય છે જેમને ચોક્કસ વજન સુધીના પાર્સલ પરિવહન કરવાની મંજૂરી આપવામાં આવે છે જ્યારે અન્ય પ્રકારના પાર્સલ તે છે જે રેલ્વે દ્વારા સીધા જ બુક કરવામાં આવે છે.


લીઝ હોલ્ડ પ્રકારના પાર્સલમાં, લીઝ ધારકો તમામ કન્સાઇનર્સનું બુકિંગ કરે છે અને તેઓ પછી રેલવેને તમામ પાર્સલની વિગતો આપે છે જેમાં તેઓ કુલ પેકેજોની સંખ્યા અને કન્સાઇનમેન્ટના કુલ વજનનો ઉલ્લેખ કરે છે. લીઝ ધારકો દરેક પેકેજની વિગતો રેલવેને આપતા નથી. જ્યારે, રેલ્વે દ્વારા કરવામાં આવતી ડાયરેક્ટ બુકિંગમાં, રેલ્વે કર્મચારીઓ દરેક કન્સાઈનમેન્ટ બુક કરે છે અને તેથી, રેલ્વે દ્વારા બુક કરાયેલ દરેક પાર્સલની વિગતો રેલ્વે પાસે ઉપલબ્ધ હોય છે.


દેશપાંડે અને જયસ્વાલના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી હતી જેમાં બહાર આવ્યું છે કે દેશપાંડેને 01.08.2022 થી 23.06.2023 દરમિયાન અર્જુન જયસ્વાલ પાસેથી 8,16,100 રૂપિયા મળ્યા હતા. ગાડગે અને દીપકરના મોબાઈલ ફોનની તપાસમાંથઈ બહાર આવ્યું છે કે ગાડગેએ 06.07.2022 થી 28.10.2023 સુધીનો સમયગાળામાં દિપાકર પાસેથી 5,18,185 રૂપિયા મેળવ્યા હતા.


આકરી પૂછપરછ કરવા પાર ગાડગેએ જણાવ્યું હતું કે તે તેની સમક્ષ રજૂ કરાયેલા દરેક ઇનવર્ડ અને આઉટવર્ડ કન્સાઇનમેન્ટ પર સહી કરવા માટે દીપકર પાસેથી 500 રૂપિયાની લાંચ લેતો હતો

ઓચિંતી તપાસ બાદ સીબીઆઇએ જણાવ્યું હતું કે ચીફ પાર્સલ સુપરવાઇઝર જનાર્દન દેશપાંડે અને સંજય ગાડગેએ તેમના સત્તાવાર પદનો દુરુપયોગ કર્યો છે અને મુંબઇના લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી)માં કામ કરતા બંને ખાનગી એજન્ટો જયસ્વાલ અને દીપકર પાસેથી અયોગ્ય લાભ લઇને ભ્રષ્ટાચાર કર્યો છે. સીબીઆઇએ આ બંને ચીફ પાર્સલ સુપરવાઇઝર અને એલટીટીમાં કામ કરતા બંને ખાનગી એજન્ટ જયસ્વાલ અને દીપકર સામે કેસ દાખલ કર્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button