નવી દિલ્હી: સાંસદો અને વિધાનસભ્યો સામેના ફોજદારી કેસો બાબતે સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવ્યું છે. સુપ્રીમ કોર્ટે સાંસદો અને વિધાન સભ્યો સામેના ફોજદારી કેસોના ઝડપી નિકાલ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. કોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટ માટે સમાન માર્ગદર્શિકા બનાવવી તેના માટે મુશ્કેલ હશે. જો કે, સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટ્સને આવા કેસોની દેખરેખ અને નિકાલ માટે સુઓ મોટુ કેસ નોંધવા જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સાંસદો અને વિધાન સભ્યો સામેના પેન્ડિંગ કેસોનો નિકાલ કરવા માટે પહેલાથી જ એક વિશેષ કોર્ટની રચના કરી છે. આ કોર્ટોમાં આવા 65 કેસોની સુનાવણી હજુ પણ ચાલી રહી છે. અરજદારોનું કહેવું છે કે સ્પેશિયલ કોર્ટમાં પણ ઘણા વર્ષોથી કેસ પેન્ડિંગ છે. આવી સ્થિતિમાં સ્પેશિયલ કોર્ટ બનાવવાનું કોઈ તાત્પર્ય નથી રહેતું. હાલમાં દેશના 9 રાજ્યોમાં આવી 10 વિશેષ અદાલતો કાર્યરત છે.
સુપ્રીમ કોર્ટે દેશભરની તમામ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને જિલ્લા ન્યાયાધીશોને આ કેસોના નિકાલ માટે સમયાંતરે રિપોર્ટ લેતા રહેવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાંસદ/વિધાનસભ્ય વિરૂદ્ધ પેન્ડિંગ કેસની વિગતો વેબસાઇટ પર સતત અપડેટ થવી જોઈએ. એ જાણવું જોઈએ કે આ કેસ શા માટે પેન્ડિંગ છે. આ કેસોના નિકાલમાં વિલંબ કેમ થાય છે? કોર્ટે કહ્યું કે આ મામલાઓના નિકાલમાં કયા અવરોધો છે તે શોધવું જોઈએ.