જમ્મુ: પાકિસ્તાને બુધવારે મોડી રાત્રે આંતરરાષ્ટ્રીય સીમા પર ફરી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જમ્મુ ડિવિઝનના સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરમાં સીમા નજીક પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) નો એક જવાન શહીદ થયો હતો. 24 દિવસમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન રેન્જર્સ દ્વારા આ ત્રીજીવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાન રેન્જર્સના ગોળીબારમાં BSFનો એક જવાન ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. બાદમાં તેને જમ્મુની જીએમસી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો નહોતો. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “8-9 નવેમ્બરની રાત્રે, પાકિસ્તાન રેન્જર્સે રામગઢ વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો, જેનો BSF જવાનોએ વળતો જવાબ આપ્યો હતો.”
સ્થાનિકે જણાવ્યું કે રાત્રે લગભગ 12.20 વાગ્યે ગોળીબાર શરૂ થયો હતો. પહેલા વિસ્ફોટ થયો અને પછી જોરદાર ગોળીબાર શરૂ થયો હતો. ફાયરિંગ થતાં જ લોકો પોતાનો જીવ બચાવવા માટે પોતાના ઘરની અંદર છુપાઈ ગયા હતા. કેટલાક લોકો ગામમાં બનેલા બંકરોમાં છુપાઈ ગયા હતા.
આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા ગોળીબારના કારણે ભયનું વાતાવરણ સર્જાયું છે. ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખેતરમાં પાક પાકી ગયો છે અને લલણી તૈયાર છે, પરંતુ કાપણી માટે મજૂરો નથી મળી રહ્યા.
આ પહેલા 28 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન રેન્જર્સે જમ્મુના અરનિયા સેક્ટરમાં લગભગ સાત કલાક સુધી ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે BSFના બે જવાન અને એક સ્થાનિક મહિલા ઘાયલ થઈ હતી. 17 ઓક્ટોબરના રોજ, અરનિયા સેક્ટરમાં પાકિસ્તાન રેન્જર્સના ગોળીબારમાં BSFના બે જવાનો ઘાયલ થયા હતા.
25 ફેબ્રુઆરી 2021 ના રોજ બંને પક્ષો દ્વારા યુદ્ધવિરામ કરાર પર હસ્તાક્ષર થયા પછી આ છઠ્ઠું ઉલ્લંઘન છે.