યુએસ ફાઇટર જેટે સીરિયામાં હવાઈ હુમલો કર્યો, 9ના મોત
નવી દિલ્હી: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરુ થયા બાદ મધ્ય-પૂર્વમાં તણાવ વધી રહ્યો છે. પૂર્વી સીરિયામાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર ઈરાન સમર્થિત જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલાના જવાબમાં અમેરિકાએ બુધવારના રોજ હવાઈ હુમલો કર્યો, જેમાં ઈરાન સમર્થિત જૂથના કુલ 9 શખ્સો માર્યા ગયા હતા. અમેરિકાએ ઈરાન સમર્થિત જૂથ દ્વારા ઉપયોગમાં લેવાતા હથિયારોના વેરહાઉસ પર હુમલો કર્યો હતો.
યુ.એસ. એરફોર્સે 2 F-15 ફાઈટર જેટની મદદથી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ સાથે જોડાયેલા હથિયારોના વેરહાઉસ પર હુમલો કર્યો હતો. અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટીને આ અંગે માહિતી આપી હતી. લોયડ ઓસ્ટીને કહ્યું કે અમારા માટે અમેરિકાના સૈનિકોની સુરક્ષા કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી. આ કાર્યવાહીથી અમે સાબિત કર્યું કે અમેરિકા તેના સૈનિકોના હિત માટે કંઈ પણ કરી શકે છે.
છેલ્લા બે અઠવાડિયામાં બીજી વખત અમેરિકાએ સીરિયામાં હાજર ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ સાથે જોડાયેલા હથિયારોના ગોદામોને નિશાન બનાવ્યા હતા. અમેરિકાના સંરક્ષણ પ્રધાનના જણાવ્યા મુજબ 17 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 40થી વધારે વખત અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવી હુમલા કરવામાં આવ્યા હતા. અમેરિકન ઈરાન અને તેના સાથી દેશો ઈઝરાયેલ-હમાસ સંઘર્ષને પ્રાદેશિક યુદ્ધમાં ફેરવવા પ્રયાસ કરી રહ્યું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ વધવાની શકયતા વધી રહી છે. ઇસ્લામિક સ્ટેટને ફરીથી રોકવા માટે, અમેરિકાએ તેના લગભગ 2,500 સૈનિકો ઈરાકમાં અને 900 સીરિયામાં તૈનાત કર્યા છે.