આનંદીબેન પટેલની દોહિત્રી આઈટીની રેડની ઝપેટમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી આઈટી વિભાગે ધામા નાખ્યા છે. અનેક કંપનીઓ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. મુંબઈથી આવેલી આવકવેરા વિભાગની ટીમ તહેલકો મચાવી રહી છે. જ્યારે ચોંકાવનારી બાબત તો એ છે કે, આઈટી વિભાગે જે કંપનીમાં દરોડા પાડ્યા છે તેના બોર્ડમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલની દોહિત્રી સામેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં લોકસભા પહેલાં આઈટી વિભાગ સતત દરોડા પાડી રહ્યું છે, જેમાં ટોચના રાજકારણી સાથે સંકળાયેલા બિલ્ડરો પણ બાકાત નથી. આઈટી વિભાગે ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના નિકટના સ્વજનોની માલિકીની ફાર્મા કંપની શુક્રા ફાર્મા પર દરોડા પાડ્યા છે, જેમાંથી બેનામી વહેવારો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. દરોડાની ઝપેટમાં આવેલી કંપનીના બોર્ડમાં પૂર્વ મુખ્યપ્રધાન અને ઉત્તર પ્રદેશના હાલના ગવર્નર આનંદીબેન પટેલના દોહિત્રી સંસ્કૃતિ જયેશ પટેલ પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. સંસ્કૃતિ જયેશ પટેલ આનંદીબેનના પુત્રી અનાર પટેલની પુત્રી છે. ત્યારે દરોડામાં આનંદીબેનના પરિવારનું નામ આવતા સમગ્ર કેસ ચર્ચાનો વિષય બન્યો છે. શુક્રા ફાર્માના ડિરેક્ટર્સના ઘર, કંપનીની ઑફિસો અને સરકારી કોન્ટ્રાક્ટર્સના એકમો પર મળીને ૧૫ થી ૧૮ સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં ૧૦૦ થી વધુ અધિકારીઓની મદદ લેવાઈ છે. આ રેડમાં કંપનીના વાંધાજનક દસ્તાવેજો મળ્યા હોવાનું પણ કહેવાય છે. સાથે મોટાપાયે મની લોન્ડરીંગ થયું હોવાનું પણ કહેવાય છે, જેથી ઑફિસોમાંથી હાર્ડ ડિસ્ક જપ્ત કરવામાં આવી છે. શુક્રા ફાર્માના ટર્નઓવરમાં એકાએક આવેલો વધારો અનેક શંકા પેદા કરે છે. વર્ષ ૨૦૨૨-૨૩ના નાણાકીય વર્ષના અંતે કંપનીનું ટર્નઓવર ૪૬ કરોડ હતું, જેની સામે માત્ર જૂન ૨૦૨૩ના પ્રથમ ત્રણ મહિનાના ગાળામાં ૨૦ કરોડને આંબી ગયુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં લગભગ ૧૫ થી ૨૦ સ્થળોએ આવકવેરાની ટીમે દરોડા પાડ્યા છે, જેમાં શુક્રા ફાર્માસ્યુટિકલ્સના શંકાસ્પદ આર્થિક વહેવારોની માહિતી બહાર આવી હતી. આ દરોડાથી રાજકારણમા ચર્ચા ઊઠી છે કે, ભાજપના બે જૂથ વચ્ચેની આંતરિક ખેંચતાણ આ દરોડાનું મૂળ કારણ છે. અમ્યુકોના પૂર્વ કોર્પોરેટર અને સ્કૂલ બોર્ડના વર્તમાન ચેરમેન સુજય મહેતાના બેનામી હિસાબો પણ બહાર આવ્યા છે.