આમચી મુંબઈ

મુંબઈના વાતાવરણમાં પ્રદૂષણનો સતત વધારો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દિલ્હીની માફક માયનગરી મુંબઈ પણ પ્રદૂષિત થઈ ગઈ છે. વાતાવરણમાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે અને મુંબઈ હાઈ કોર્ટે પણ તેની દખલ લઈને સરકાર સહિત પાલિકા પ્રશાસનને ફટકાર આપી છે. ચાર દિવસમાં મુંબઈમાં પ્રદૂષણમાં ઘટાડો થયો નહીં તો મુંબઈમાં ચાલી રહેલા વિકાસ કામો રોકી દેવામાં આવશે એવો આકરા શબ્દોમાં કોર્ટે ઠપકો પણ આપ્યો છે.

મુંબઈમાં વધતા પ્રદૂષણને કારણે લોકોને ફરી માસ્ક પહેરવા માટે મજબૂર કરી દેવામાં આવ્યા છે. પ્રદૂષણને કારણે આરોગ્યને લગતી બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. મુંબઈમાં સતત વધી રહેલા પ્રદૂષણને કારણે વિઝિબિલીટી પણ ઘટી ગઈ છે ત્યારે મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ વધવા માટે મુંબઈમાં ચાલી રહેલા જુદા જુદા વિકાસ કામ, વાહનોના પ્રદૂષણ, ક્લાઈમેટ ચેન્જ વગેરેને કારણ માનવામાં આવી રહ્યું છે.

મુંબઈમાં હાલ મોટા પ્રમાણમાં પાયાભૂત સુવિધા નિર્માણ કરવાનું કામ ચાલી રહ્યું છે. અનેક ઠેકાણે પુલ સહિત મેટ્રો અને રસ્તાના કામ ચાલી રહ્યા છે. રસ્તાઓના ખોદકામ ચાલી રહ્યા છે. અનેક જગ્યાએ રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.

વાહનોને કારણે પણ વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. મુંબઈમાં ૧૨ લાખ કરતા વધુ કાર છે, તેથી રસ્તા પર વાહનોનો ભારે ટ્રાફિક રહેતો હોય છે. લોકોને કલાકોને કલાકો ટ્રાફિકમાં ફસાયેલા હોય છે. વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને કારણે પણ પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. દરિયાની સપાટી પરના તાપમાનમાં ઘટાડો થયો છે, તેથી દરિયા કિનારા પરથી ફૂંકા પવનોને અસર થાય છે અને તેની અસર વાયુ પ્રદૂષણને થાય છે. ઑક્ટોબર હિટ અને ચોમાસાની વિદાયમાં થયેલા વિલંબને પણ એક કારણ ગણવામાં આવે છે. ગ્લોબલ વૉર્મિગને કારણે ઓઝોનનો થર વધ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button