આમચી મુંબઈ

બોલો, એકાએક મુંબઈમાં એવું થયું કે લોકો દોડતા થઈ ગયા…

મધ્ય રેલવેમાં આ કારણસર ટ્રેનસેવા પર અસર, પ્રવાસીઓને હાલાકી

મુંબઈઃ મુંબઈ સહિત પાટનગરની હવા ઝેરી બની છે, તેમાંય વળી તહેવારો નજીકમાં છે ત્યારે લોકોના જીવ પડીકે બંધાયા છે કે શું થશે. તહેવારો ટાણે તાજેતરમાં દક્ષિણ મુંબઈના હવામાનમાં પલટો આવ્યો હતો, જેમાં બપોર પછી ઘનઘોર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું હતું, તેથી લોકોએ દોડાદોડી કરી મૂકી હતી, જ્યારે એ પહેલા કલવામાં ઓવરહેડ વાયર તૂટવાને કારણે ટ્રેનસેવા પર બે કલાકથી વધુ અસર પડી હતી.

દક્ષિણ મુંબઈમાં ફોર્ટ, ચર્ચગેટ, સીએસએમટી સહિત અન્ય જગ્યાએ વરસાદ પડતા લોકોને ભિંજાતા સ્ટેશન પર પહોંચવું પડ્યું હતું, જ્યાં લોકો એકલદોકલ છત્રી લઈને જતા જોવા મળ્યા હતા. બપોરથી લઈને સાંજ સુધીમાં વાતાવરણમાં પલટો આવી ગયો હતો. દરમિયાન આગામી ત્રણથી ચાર કલાકમાં પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી હતી. મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં પણ કલાકના 30 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાવવાની આગાહી કરી હતી.

દરમિયાન મધ્ય રેલવેમાં કલવા સ્ટેશને ડાઉન ફાસ્ટ લાઈનમાં ઓવરહેડ ઈક્વિપમેન્ટ (ઓએચઈ)માં ખામી સર્જાયા પછી લોકલ ટ્રેનસેવા પર અસર પડી હતી. કલવા રેલવે સ્ટેશને ઓવરહેડ વાયરમાં બપોરના 2.33 વાગ્યે ખામી સર્જાઈ હતી, તેથી ડાઉન લાઈનની ટ્રેનસેવા પર અસર પડી હતી. ડાઉન લાઈનમાં લોકલ ટ્રેનસેવાને ફાસ્ટ લાઈનમાં ડાઈવર્ટ કરી હતી, પરંતુ ટ્રેનો બપોરથી લઈને સાંજ સુધી મોડી દોડતી રહી હતી.

કલવા સ્ટેશને ઓવરહેડ વાયર તૂટવાને કારણે એક લોકલ ટ્રેન અને દાદર-બલિયા એક્સપ્રેસને રોકવાની નોબત આવી હતી. ઓવરહેડ વાયર તૂટવાને કારણે મરમ્મત કામકાજ ઝડપથી હાથ ધરવામાં આવ્યું હતું. 5.15 વાગ્યાના સુમારે ફાસ્ટ કોરિડોરમાં ટ્રેનસેવા ચાલુ કરવામાં આવી હતી., એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button