નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ 2023 ODI વર્લ્ડકપમાં અત્યાર સુધી પોતાના દમદાર પ્રદર્શનથી ક્રિકેટપ્રેમીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે અને ટીમ ઈન્ડિયા દરેક ટીમ સામે લગભગ અજેય સાબિત થઈ છે. પરંતુ તેમ છતાં વર્લ્ડકપ અને ટીમ ઈન્ડિયા વચ્ચે એક ફેક્ટ છે જે કદાચ જીતના રસ્તામાં ટીમ ઈન્ડિયા માટે કાંટો સાબિત થઈ શકે છે. આવો જોઈએ શું છે આ ફેક્ટ…
હાલમાં ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજમાં નંબર વન પર છે અને તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહેશે. પરંતુ તેમ છતાં ટીમ ઈન્ડિયા અને વર્લ્ડકપની વચ્ચે કાળો ભૂતકાળ અવરોધ બનીને ઊભો છે. આ હકીકતમાં જાણીને ટીમ ઈન્ડિયા કે તેના ફેન્સને કદાચ આ ઈતિહાસ વિશે જાણીને ધક્કો લાગી શકે છે. ભૂતકાળ પર નજર કરીએ તો જ્યારે જ્યારે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલ પર ટોપ પર રહી છે અને દમદાર પ્રદર્શન આપ્યું છે ત્યારે ત્યારે આ પરિસ્થિતી ટીમ ઈન્ડિયા માટે અપશુકનિયાળ સાબિત થઈ છે અને આવું અમે નહીં પણ આંકડાઓ કહી રહ્યા છે.
અત્યારની એટલે કે 2023ના વર્લ્ડકપમાં અત્યાર સુધી કોઈ પણ ટીમ ભારત સામે ટકી શકી નથી એટલે જીતવાની વાત તો ભૂલી જ જાવ. ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમે પણ ટીમ ઈન્ડિયા સામે સરેન્ડર કરી દીધું છે અને હવે ટીમ ઈન્ડિયાની આગામી મેચ નેધરલેન્ડ સામે છે. ભારતના હાલમાં આઠ મેચમાં 16 પોઈન્ટ છે અને તેનો નેટ રન રેટ પણ બાકીની ટીમની સરખામણીએ સારો છે.
હવે થોડા પાછળ જઈએ અને વાત કરીએ 2015ની તો એ સમયે પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે આવેલી ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજમાં ટોપ પર રહી હતી. ભારતે બી ગ્રુપમાં લીગ સ્ટેજમાં પ્રથમ સ્થાન હાંસિલ કરીને લીગ સ્ટેજમાં રમાયેલી તમામ 6 મેચમાં જીત નોંધાવી હતી. પરંતુ ત્યાર બાદ ટીમ ઈન્ડિયાને સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 95 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ પણ તેના ગ્રુપમાં ટોપ પર હતું અને તેમ છતાં તે ટાઇટલ જીતી શક્યું નહોતું.
2015 બાદ 2019ના વર્લ્ડકપમાં પણ લીગ લેવલ પર ટીમ ઈન્ડિયા ટોપ પર રહી હતી, પણ એ સમયે તે 2019નો વર્લ્ડકપ માત્ર રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાયો હતો અને ટીમ ઈન્ડિયા ટુર્નામેન્ટમાં માત્ર એક જ મેચ હારી હતી. ભારત 9 મેચમાં 8 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી. જોકે એ વખતે પણ ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
2023ના વર્લ્ડકપમાં પણ અત્યાર સુધી ટીમ ઈન્ડિયા લીગ સ્ટેજમાં પ્રથમ સ્થાન પર રહેશે જ અને આવી પરિસ્થિતી વચ્ચે ભૂતકાળના આ આંકડાઓ ડરાવે એવા છે. પરિણામે શું ફરી એક વખત ભારતનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું નહીં થાય? જોકે, એક આશાવાદ એવો પણ છે કે આંકડાઓ બદલાઈ પણ શકે છે એટલે એવું જરૂરી નથી કે આ વખતે પણ ભૂતકાળની ઘટનાઓનું પુનરાવર્તન થાય…
Taboola Feed