નેશનલ

2016ની નોટબંધીથી લઈને આ વર્ષે 2000 રૂપિયાની નાબૂદી સુધી

ડિમોનેટાઇઝેશનની 7 વર્ષની સફર

નવી દિલ્હીઃ 8 નવેમ્બર 2016નો એ દિવસ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8 વાગ્યે દૂરદર્શન પર આવ્યા અને જાહેરાત કરી કે મધ્યરાત્રિ એટલે કે 12 વાગ્યાથી દેશમાં રૂ. 500 અને રૂ. 1000ની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે અને તે કાનૂની ટેન્ડર તરીકે માન્ય નહીં રહે. તે સાથે જ પીએમ મોદીએ 500 અને 2000 રૂપિયાની નવી નોટ આવવાની જાહેરાત પણ કરી હતી. આ નોટબંધીના સમાચાર આવતાની સાથે જ દેશમાં એવી અંધાધૂંધી મચી ગઈ.

સામાન્ય લોકોથી લઇને વીઆઇપી, મોટા મોટા ઉદ્યોગપતિ સહુ કોઇને આ નિર્ણયની અસર થઇ. લોકોએ પીએમ મોદીને કોસવામાં કોઇ કમી નહીં રાખી. તેમના માથે નોટબંધીનું જાણે કલંક લાગી ગયું. આજે, 8 નવેમ્બર 2023 ના રોજ, દેશમાં નોટબંધીના 7 વર્ષ પૂર્ણ થયા છે અને જ્યારે આપણે ડિમોનેટાઇઝેશનના વિતેલા વર્ષો પર નજર કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આજે પણ આપણે ડિમોનેટાઇઝેશનની અસરોથી પોતાને અલગ કરી શક્યા નથી. પીએમ મોદીની જાહેરાત પછી ભારતીય રિઝર્વ બેંકે રૂ. 500 અને રૂ. 2000 ની નવી નોટો રજૂ કરી.

દેશમાં પ્રથમ વાર 2000ની ગુલાબી નોટ ચલણમાં લાવવામાં આવી હતી. એ સમયે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે 500 અને 1000 રૂપિયાની નકલી નોટોને રોકવા અને કાળા નાણા પર અંકુશ લગાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આ પગલું આતંકવાદ સામે નકલી નોટોને રોકવા માટે સરકારનું હથિયાર બની રહેશે.

19 મે, 2023 ના રોજ, ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે અચાનક 2000 રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવાના નિર્ણયની જાહેરાત કરી. આ સમાચાર સાથે, લોકોએ 8 નવેમ્બર, 2016 ના રોજ મોદી સરકારના ડિમોનેટાઇઝેશનને યાદ કર્યું અને આ પગલાને મિની ડિમોનેટાઇઝેશન પણ કહેવામાં આવ્યું. જો કે, આરબીઆઈએ દેશના લોકોને 23 મેથી 30 સપ્ટેમ્બર વચ્ચેનો સમય આપ્યો હતો, જે દરમિયાન તેમને કોઈપણ બેંકમાં જઈને 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલવાની સુવિધા આપવામાં આવી હતી.


2000 રૂપિયાની નોટ બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયા પછી, સેન્ટ્રલ બેંકે તેની સમયમર્યાદા 7 ઓક્ટોબર 2023 સુધી લંબાવી હતી. આ પછી પણ જે લોકો કોઈ કારણસર રૂ. 2,000ની નોટ જમા કરાવી શક્યા નથી તેઓને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં જઈને અથવા ભારતીય પોસ્ટ દ્વારા નોટો જમા કરાવવાની સુવિધા આપવામાં આવી રહી છે.

ડિમોનેટાઇઝેશનના નિર્ણય બાદ લોકો પાસે તેમની જૂની નોટો બદલવા અને નવી નોટો મેળવવા બેંકોની બહાર કતારોમાં ઉભા રહેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. નોટો બદલવાની અંધાધૂધીમાં અનેક લોકોના મોત પણ થયા, જેને કારણે વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા, પરંતુ દેશની જનતાએ ડિમોનેટાઇઝેશનના પીએમ મોદીના નિર્ણયને જોરદાર સમર્થન આપ્યું અને કાળા નાણા અને નકલી નોટો સામેની આ લડાઈમાં સરકારને સાથ આપ્યો.


કેન્દ્ર સરકારના 2016 ના નોટબંધીના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી હતી, પણ જાન્યુઆરી 2023માં સુપ્રીમ કોર્ટે તેમના ચૂકાદામાં સાફ જણાવી દીધું કે વિમુદ્રીકરણનો કેન્દ્ર સરકારનો નિર્ણય કોઇ રીતે અયોગ્ય નહોતો.


ડિમોનેટાઇઝેશનના ફાયદાની યાદી પણ ઘણી લાંબી છે. ડિમોનેટાઇઝેશનને કારણે નકલી નોટોનો વેપલો બંધ થઈ ગયો. જમ્મુ કાશ્મીરમાં લોકોને સેના સામે પથ્થર ફેકવા બદલ મળતા 500 રૂપિયા બંધ થઇ ગયા અને ત્યાં શાંતિનો સૂરજ ઉગ્યો. નોટબંધી પછી મોબાઈલ વોલેટ, UPI (ભીમ યુપીઆઈ) જેવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના વલણમાં વધારો થવાને કારણે બેંકોના ખર્ચમાં ઘટાડો થયો અને સરકારી કર્મચારીઓ પર કામનો બોજ પણ ઓછો થયો. લોકો હવે ઓનલાઇન પેમેન્ટ કરતા થયા હોવાથી નોટો છાપવાનો ખર્ચ ઘટી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button