કોપર સહિતની ધાતુઓમાં પાંખાં કામકાજે મિશ્ર વલણ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ પાંખાં કામકાજો વચ્ચે ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું, જેમાં મુખ્યત્વે ટીન અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩ અને રૂ. ૨ વધી આવ્યા હતા, જ્યારે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, કોપર વાયરબાર, ઝિન્ક સ્લેબ, લીડ ઈન્ગોટ્સ અને નિકલમાં કિલોદીઠ રૂ. ૧થી ૨નો ઘટાડો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં માત્ર ટીન અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૩ વધીને રૂ. ૨૨૦૦ અને રૂ. બે વધીને રૂ. ૪૬૮ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગ નિરસ રહેતાં નિકલના ભાવ કિલોદીઠ રૂ. ૨ ઘટીને રૂ. ૧૫૫૦ અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, કોપર વાયરબાર, ઝિન્ક સ્લેબ અને લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એકના ઘટાડા સાથે અનુક્રમે રૂ. ૬૪૩, રૂ. ૭૩૧, રૂ. ૨૨૬ અને રૂ. ૧૮૯ના મથાળે રહ્યા હતા. આ સિવાયની અન્ય તમામ ધાતુઓમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.