ત્રણ દિવસની તેજીને બ્રેક: અફડાતફડી બાદ બેન્ચમાર્ક સાધારણ ઘટાડા સાથે નેગેટીવ ઝોનમાં ધકેલાયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એશિયન અને યુરોપિયન બજારોમાં નબળા વલણો અને વિદેશી ભંડોળના અવિરત વેચાણ પ્રવાહ વચ્ચે અફડાતફડીમાં અટવાઇને મંગળવારે ઇક્વિટી બેન્ચમાર્ક શેરઆંકોએ ત્રણ દિવસની તેજીને ટૂંકાવી દીધી હતી અને નજીવા ધટાડા સાથે નેગેચટીવ ઝોનમાં સરકી ગયાં હતાં.
બીએસઈનો ૩૦ શેરવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ૧૬.૨૯ પોઈન્ટ અથવા ૦.૦૩ ટકા ઘટીને ૬૪,૯૪૨.૪૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ ૩૨૦.૫૯ પોઈન્ટ અથવા ૦.૪૯ ટકા ઘટીને ૬૪,૬૩૮.૧૦ પોઇન્ટની સપાટીને અથડાયો હતો. જ્યારે એનએસઇનો પચાસ શેરવાળો બેન્ચમાર્ક નિફ્ટી ૫.૦૫ પોઈન્ટ અથવા ૦.૦૩ ટકા ઘટીને ૧૯,૪૦૬.૭૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. ત્રણ દિવસથી બજારમાં તેજી હોવાથી પ્રોફિટ બુકિંગ ઉપરાંત મહત્ત્વના રાજ્યોમાં ચૂંટણી હોવાને કારણે પણ સેન્ટિમેન્ટમાં સાવચેતી જોવા મળી હતી. આ ઉપરાંત ચીનની નિકાસમાં ઘટાડો થવાની શ્કયતાના અહેવાલોને કારણે બજારનું માનસ વધુ ખરડાયું હતું કારણ કે, તેમાં વૈશ્ર્વિક વેપારમાં સતત મંદીના સંકેત મળી રહ્યાં છે. ટોચના ઘટનારા શેરોમાં બજાજ ફાઇનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈટીસી, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, વિપ્રો, એચડીએફસી બેન્ક, લાર્સન એન્ડ ટુબ્રો અને ભારતી એરટેલ મુખ્ય હતા. જ્યારે સન ફાર્મા, એનટીપીસી, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેન્ક અને એક્સિસ બેન્કના શેર ટોપ ગેઇનર્સ શેરોની યાદીમાં સામેલ હતા.
રશિયા અને સાઉદી અરેબિયાએ ક્રૂડ ઓઇલના પુરવઠામાં કાપ મૂક્યો હોવા છતાં તેના ભાવમાં થઇ રહેલો ઘટાડો ભારત માટે ખાસ લાભદાયી છે, કારણ કે ક્રૂડ ઓઇલ માટે ભારત તેના પર અવલંબિત છે. આ સત્રમાં ઇઝરાયલ અને હમાસના યુદ્ધની કોઇ અસર દેખાઇ નહોતી. બજારના ખેલાડીઓને આશા છે કે, ક્રૂડના ઘટતા ભાવ, અમેરિકાની બોન્ડ યિલ્ડના ઘટાડા અને કોર્પોરેટ સેકટરના સારા પરિણામ એકંદરે બજારને ટેકો આપશે. એ પણ નોંધવું રહ્યું કે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સમાં ૦૫૩ ટકાનો અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં ૦.૩૮ ટકાનો સુધારો થયો છે.
એશિયન બજારોમાં મંદીનો પવન ફૂંકાયો હતો અને સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ નેગેટીવ ઝોનમાં બંધ રહ્યાં હતાં. યુરોપિયન બજારો ખૂલતા સત્રમાં મોટેભાગે નીચા મથાળે ટ્રેડ થઈ રહ્યા હતા. સોમવારે અમેરિકી બજારો નજીવા સુધારા સાથે બંધ થયા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૨.૧૨ ટકા ઘટીને ૮૩.૩૭ ડોલર પ્રતિ બેરલ બોલાયું છે.
એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ મંગળવારે રૂ. ૪૯૭.૨૧ કરોડના શેર ભારતીય બજારમાં ઠાલવ્યાં હતાં. જ્યારે, આ વર્ગે સોમવારે રૂ. ૫૪૯.૩૭ કરોડની ઇક્વિટી ઑફલોડ કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોે (ડીઆઇઆઇ)એ મંગળવારે રૂ. ૭૦૦.૨૮ કરોડના શેર ખરીદ્યા છે. સેન્સેક્સમાં સન ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ ૧.૯૨ ટકા, એનટીપીસી ૧.૩૮ ટકા, એક્સિસ બેન્ક ૧.૧૭ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧.૧૧ ટકા અને ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૧૦ ટકા વધ્યા હતા, જ્યારે બજાજ ફાઈનાન્સ ૦.૮૧ ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ ૦.૭૮ ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૦.૬૩ ટકા, આઈટીસી ૦.૫૫ ટકા અને લાર્સન એન્ડ ટૂબ્રો ૦.૫૦ ટકા ઘટ્યા હતા.ટી ગ્રુપની ૧ કંપનીને અને એક્સ ગ્રુપની ૨ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં ઓઈલ એન્ડ ગેસ અને હેલ્થકેર ઈન્ડેક્સ સર્વાધિક વધ્યા હતા. સેન્સેક્સની ૧૬ કંપનીઓ વધી અને ૧૪ કંપનીઓ ઘટી હતી. માર્કેટ કેપ રૂ. ૩૧૯.૦૧ લાખ કરોડ રહ્યું હતું. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૦.૦૯ ટકા, બીએસઈ મીડ કેપ ૦.૫૩ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૦.૩૮ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૦.૧૩ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૦.૧૫ ટકા, બીએસઈ ઓલ કેપ ૦.૧૮ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૦.૦૬ ટકા વધ્યા હતા, જ્યારે એકમાત્ર બીએસઈ સેન્સેક્સ ૫૦ ઈન્ડેક્સ ૦.૦૧ ટકા ઘટ્યો હતો. આઈપીઓ ઈન્ડેક્સ ૦.૯૨ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૧.૦૪ ટકા વધ્યા હતા.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં કોમોડિટીઝ ૦.૧૨ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી ૦.૧૪ ટકા, એનર્જી ૦.૪૫ ટકા, એફએમસીજી ૦.૧૬ ટકા, ફાઈનાન્શિયલ સર્વિસીસ ૦.૧૯ ટકા, હેલ્થકેર ૧.૦૬ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૦.૧૪ ટકા, આઈટી ૦.૦૪ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૦૩ ટકા, યુટિલિટીઝ ૦.૫૧ ટકા, બેન્કેક્સ ૦.૪૯ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૦૯ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૧.૧૧ ટકા, પાવર ૦.૨૩ ટકા અને સર્વિસીસ ૦.૨૨ ટકા વધ્યા હતા, જ્યારે ઓટો ૦.૧૯ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૦૮ ટકા, મેટલ ૦.૦૪ ટકા, રિયલ્ટી ૧.૨૧ ટકા અને ટેક ૦.૦૩ ટકા ઘટ્યો હતો.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં મંગળવારે કુલ રૂ. ૮૫,૩૧૨.૦૯ કરોડનું ટર્નઓવર થયું હતું. કુલ ૪,૯૩,૩૨૦ સોદામાં ૧૩,૦૪,૫૯૪ કોન્ટ્રેક્ટનું કામકાજ થયું હતું. કુલ ૬૩,૪૬,૬૩૮ કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. ઈન્ડેક્સ ફ્યુચર ઓપ્શનના ટ્રેડ થયેલા ૧૪૨ સોદામાં ૨૦૭ કોન્ટ્રેક્ટ સાથે રૂ. ૧૩.૪૮ કરોડનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા ૨,૫૩,૮૧૪ સોદામાં ૬,૫૨,૨૨૬ કોન્ટ્રેક્ટ સાથે રૂ. ૪૩,૦૧૨.૮૭ કરોડનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ થયેલા ૨,૩૯,૩૬૪ સોદામાં ૬,૫૨,૧૬૧ કોન્ટ્રેક્ટ સાથે રૂ. ૪૨,૨૯૯.૨૨ કરોડનું કામકાજ થયું હતું. સોમવારે બીએસઇ બેન્ચમાર્ક ૫૯૪.૯૧ પોઈન્ટ અથવા ૦.૯૨ ટકા વધીને ૬૪,૯૫૮.૬૯ પર સેટલ થયો હતો. નિફ્ટી ૧૮૧.૧૫ પોઈન્ટ અથવા ૦.૯૪ ટકા વધીને ૧૯,૪૧૧.૭૫ પર પહોંચ્યો હતો.