મિઝોરમ, છત્તીસગઢની ચૂંટણીમાં ભારે મતદાન
આઇઝોલ અને રાયપુર: મિઝોરમ અને છત્તીસગઢ વિધાનસભાની મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં ભારે મતદાન થયું હતું. મંગળવારે સાંજે છ વાગ્યે ચૂંટણી પંચે આપેલા આંકડા મુજબ મિઝોરમમાં ૭૭.૩૯ ટકા મતદાન થયું હતું, જ્યારે છત્તીસગઢ વિધાનસભાની ૨૦ બેઠક માટે અંદાજે ૭૧ ટકા મતદાન થયું હતું. મતદાનની આ ટકાવારી હજી થોડી વધવાની શક્યતા છે. મતદાન દરમિયાન હિંસાના છૂટાછવાયા બનાવ સિવાય કોઇ મોટો અનિચ્છનીય બનાવ નહોતો બન્યો.
છત્તીસગઢમાં અનેક નક્સલવાદગ્રસ્ત વિસ્તારમાં ઉગ્રતાવાદીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની હાકલ કરી હોવાથી મતદાનના સમયમાં ફેરફાર કરાયો હતો. દસ બેઠક પર સવારે સાતથી બપોરે ત્રણ વાગ્યા સુધી, જ્યારે અન્ય દસ બેઠક પર સવારે આઠથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું. ચૂંટણી અધિકારીઓ માટે હેલિકૉપ્ટરોનો ઉપયોગ પણ કરાયો હતો.
છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં નક્સલવાદીઓના ભયને લીધે સલામતી દળના અંદાજે એક લાખ જવાન ૨૦ મતવિસ્તારમાં ગોઠવાયા હતા. આ ૨૦ બેઠકમાંની ૧૨ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે.
છત્તીસગઢમાં ૨૦ બેઠક પર પચીસ મહિલા સહિત કુલ ૨૨૩ ઉમેદવારનું રાજકીય ભાવિ નક્કી કરવા મંગળવારે મતદાન થયું હતું. આ ૨૦ બેઠક માટે ૪૦,૭૮,૬૮૧ મતદાર હતા.
પ્રથમ તબક્કાના મતદાનમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા રમણ સિંહ, છત્તીસગઠના કૉંગ્રેસ એકમના નેતા તેમ જ સાંસદ દીપક બાલાજી અને ભૂપેશ બઘેલ
સરકારના ઓછામાં ઓછા ત્રણ પ્રધાનનું રાજકીય ભાવિ નક્કી થશે. સુકમા, નારાયણપુર, બિજાપુર અને કાન્કેર જિલ્લામાં હિંસાની નાની ઘટના બની હતી. સુકમા જિલ્લાના ચિંતાગુફા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં સલામતી દળોના ચાર જવાન ઘાયલ થયા હતા. તોન્ડામાર્કા કેમ્પની નજીક થયેલા ધડાકામાં કેન્દ્રીય અનામત પોલીસ દળનો જવાન ઘાયલ થયો હતો.
મિઝોરમમાં મંગળવારે ૮.૫૭ લાખ મતદારે ૧૮ મહિલા સહિત ૧૭૪ ઉમેદવારનું રાજકીય ભાવિ નક્કી કર્યું હતું. મધ્ય મિઝોરમના સેચથીપ ખાતે સૌથી વધુ (૮૪.૪૯ ટકા) મતદાન થયું હતું. તે પછી હનાહાથીઆલ ખાતે ૮૪.૧૬ ટકા, જ્યારે ખવઝાવલ ખાતે ૮૨.૩૯ ટકા મતદાન થયું હતું.
મિઝોરમમાં શાસક મિઝો નેશનલ ફ્રંટ, મુખ્ય વિપક્ષ ઝોરામ પીપલ્સ મૂવમેન્ટ અને કૉંગ્રેસે બધી (૪૦) બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે.
મતગણતરી ત્રીજી ડિસેમ્બરે થવાની છે.
મુખ્ય પ્રધાન ઝોરામથંગા આઇઝોલ ખાતે મતદાન કરવા ગયા હતા, પરંતુ ત્યારે ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીનમાં ટૅક્નિકલ ખામી સર્જાઇ હતી.
રાજકીય નિષ્ણાતો મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રંટ અને ઝોરામ પીપલ્સ મૂવમેન્ટની બળાબળની કસોટી થવાની હોવાનું માને છે.
મિઝોરમમાં ચૂંટણીની પહેલા મ્યાનમાર સાથેની ૫૧૦ કિલોમીટર લાંબી સરહદ અને બંગલાદેશ સાથેની ૩૧૮ કિલોમીટર લાંબી સીમા સીલ કરાઇ હતી. (એજન્સી)