મુંબઈનું પ્રદૂષણ અટકાવો અન્યથા પ્રોજેક્ટો જ અટકાવી દેવાશે: હાઈ કોર્ટ
મુંબઈ: મુંબઈ શહેરની હવાની ગુણવત્તા છેલ્લા ચાર દિવસથી કથળી ગઈ છે. મુંબઈની હવા પ્રદૂષિત થઈ હોવાથી સામેનું કંઈ દેખાતું પણ નથી. એને કારણે નાગરિકોના આરોગ્ય પર માઠી અસર પડે છે. મુંબઈમાં વધી રહેલા પ્રદૂષણને મામલે બોમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ જી. એસ. કુલકર્ણીની ખંડપીઠે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ચાર દિવસમાં મુંબઈની હવાની ગુણવત્તા સુધારો અન્યથા પ્રોજેક્ટો જ બંધ કરી દેવામાં આવશે અને નાગરિકોના જીવ કરતા વિકાસ કાર્યો મહત્ત્વના ન હોઈ શકે એમ કડક શબ્દોમાં અદાલતે રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાને ખખડાવી નાખ્યા છે.
પ્રદૂષણના મામલે મુંબઈ હવે દિલ્હીના માર્ગે આગળ વધી રહ્યું છે. આ ઉપલક્ષ્યમાં બોમ્બે હાઈ કોર્ટે કઠોર વલણ અપનાવ્યું છે. મુંબઈમાં વધી રહેલું પ્રદૂષણ અટકાવો અન્યથા પ્રોજેક્ટો જ બંધ કરી દેવામાં આવશે એવા કડક શબ્દોમાં હાઈ કોર્ટે રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાને ખખડાવી નાખ્યા છે. હાલ મુંબઈમાં છ હજાર કરતા વધુ બાંધકામના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ સિવાય મુંબઈ મહાનગરપાલિકાના પણ અનેક પ્રકલ્પ કાર્યરત છે. ચાર દિવસમાં જો હવાની ગુણવત્તા સુધરશે નહીં તો આ બધા પ્રોજેક્ટ બંધ કરવાનો નિર્ણય લેવો પડશે એવી સ્પષ્ટતા અદાલત દ્વારા કરવામાં આવી છે. ટૂંક સમયમાં કેન્દ્ર સરકારની ટુકડી મુંબઈ આવી હવાની ગુણવત્તાનો અભ્યાસ કરશે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને વાતાવરણમાં બદલાવ મંત્રાલયના અધિકારીઓ આ અઠવાડિયે જ મુંબઈ આવવાના છે.