મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 39મી વન-ડે મેચ રોમાંચક રહી હતી. પહેલી બેટિંગમાં આવેલી અફઘાનિસ્તાનની ટીમે પાંચ વિકેટે 292 રનનો સ્કોર આપ્યો હતો. બીજા દાવમાં આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમે ધબડકો નોંધાવ્યો હતો, પરંતુ આઠમી વિકેટની ભાગીદારીમાં મેક્સવેલે આક્રમક બેટિંગ કરીને નવો ઈતિહાસ બનાવ્યો હતો.
એક તબક્કે ઓસ્ટ્રેલિયા મેચ હારી જવાનું લાગતું હતું, પરંતુ મેક્સવેલની ધમાકેદાર બેટિંગની કારણે કાંગારુ મેચ જીત્યા હતા. આઠમી વિકેટની ભાગીદારીમાં મેક્સવેલ અને પેટ કમિન્સ રમ્યા હતા. આઠમી વિકેટની ભાગીદારીમાં નોંધપાત્ર સ્કોર કરીને ઓસ્ટ્રેલિયાને જીતાડયું હતું.
વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલી વખત ડબલ સેન્ચુરી મેક્સવેલે કરી હતી, જેમાં આજની મેચમાં 10 સિક્સ સાથે 21 ચોગ્ગા ફટકાર્યા હતા. મેક્સવેલે 128 બોલમાં 201 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને જીતાડ્યું હતું, જ્યારે ક્યુમિન્સે 68 બોલમાં 12 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાએ 46.5 ઓવરમાં (19 બોલ બાકી) 293 રન બનાવીને જીત્યું હતું.
292 રનનો સ્કોરનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમે શરુઆતમાં ધબડકો નોંધાવ્યો હતો. બીજી ઓવરમાં ચાર રને હેડની વિકેટ પડી હતી, ત્યારબાદ 43 રને બીજી વિકેટ (માર્શની) પડી હતી. 49 રને ત્રીજી અને ચોથી વિકેટ પડી હતી, જેમાં ડેવિડ વોર્નર અને જે ઈંગ્લિશની વિકેટ પડી હતી. 69 રને પાંચમી, 87 રને સ્ટોઈનિશની છઠ્ઠી અને મિશેલ સ્ટાર્કની સાતમી વિકેટ 91 રને પડી હતી. પાંચમા ક્રમે રમવા આવેલા ગ્લેન મેક્સવેલે ધમાકેદાર બેટિંગ કરી હતી.
એક તબક્કે 91 રને સાત વિકેટ પડ્યા પછી ઓસ્ટ્રેલિયા હારી જવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી, પરંતુ તમામ ગણિત ઊંધા પાડીને મેક્સવેલે એકલા હાથે જીતાડ્યા હતા. 76 બોલમાં સદી કરીને અફઘાનિસ્તાનની ટીમનું દબાણ વધાર્યું હતું. આ અગાઉ વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી મારવાનો રેકોર્ડ કર્યો હતો. 2023ના વર્લ્ડ કપમાં નેધરલેન્ડ સામે પણ 40 બોલમાં સદી કરી હતી.
આ જીત સાથે ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ થયા છે, જેમાં આઠ મેચમાં છ જીત અને એક મેચમાં હાર થઈ છે. આજની રોમાંચક મેચમાં મેક્સવેલે મજબૂત બેટિંગ કરીને દુનિયાભરની ક્રિકેટ ટીમના ખેલાડીઓ માટે પરોક્ષ રીતે મેસેજ આપ્યો છે કે કભી હારના નહીં.