ભૌગોલિક પરિસ્થિતિ દાર્શનિકો પેદા કરે છે
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
સોક્રેટિસ ,પ્લેટો ,એરિસ્ટોટલ
મહાન દાર્શનિક સોક્રેટિસના જીવન સાથે એક અદ્ભૂત દંતકથા જોડાયેલી છે. એક દિવસ આકાશમાંથી ઇશ્ર્વરે સાદ દીધો કે હે સોક્રેટિસ, તું ગ્રીકનો સૌથી જ્ઞાની વ્યક્તિ છે. સોક્રેટિસની જગ્યા પર આપણે હોઇએ તો કહીએ કે એવું કશું નથી, ભગવાન તમારી મહાનતા છે કે આપ મારા વખાણ કરો છો વગેરે વગેરે…. પણ સોક્રેટિસે ભગવાનની વાતનો સ્વીકાર કરતાં કહ્યું કે ભગવાન આપ સાચા છો. આખા ગ્રીસમાં હું એકલો જ જ્ઞાની છું કારણ કે મને એકલાને જ ખબર છે કે મને કશી ખબર નથી. સોક્રેટિસ એટલા માટે બુદ્ધિશાળી ગણાતા હતાં કે તેમને પોતાની અજ્ઞાનતાનો અહેસાસ હતો. સમગ્ર બ્રહ્માંડમાં થતી ઘટનાઓ પર વિચારો કરીએ તો સમજાય કે આપણને દુનિયાનું કશું જ્ઞાન નથી, છતાં ભ્રમણાઓ આસપાસ ફરતી રહે છે.
વિશ્ર્વની તમામ પ્રાચીન સંસ્કૃતિઓ મહાન હતી. દરેક સંસ્કૃતિઓએ માનવને વધુ સુસંસ્કૃત બનાવવો, કલ્યાણકારી શોધો કરવી અને ક્રાંતિકારી વિચારો આપવામાં અથાગ મહેનત કરી છે. વિશ્ર્વભરના ફિલોસોફર ઉપનિષદથી માંડી સોક્રેટિસ સુધી ચર્ચા કરીને માણસને સમજવાનો પ્રયત્ન કરતા હોય છે.
ગ્રીક સંસ્કૃતિમાં કહેવાતા બુદ્ધિશાળી વર્ગનું વર્ચસ્વ હતું. આ વર્ગ જાતજાતના તર્ક રજૂ કરીને પ્રજાને ભ્રમણામાં જીવવા મજબૂર રાખતો. આ વર્ગ સામે એક અવાજ આવ્યો, લોકોને બુદ્ધિશાળી વર્ગની ભ્રમણામાંથી બહાર કાઢી પોતાની રીતે વિચારવા પ્રેરણા આપી. ગ્રીક ફિલોસોફીનો પ્રારંભ થયો.
આ વ્યક્તિ હતો, સોક્રેટિસ. આશરે પચ્ચીસસો વર્ષ પૂર્વે જન્મેલો સોક્રેટીસે લોકોને પોતાના તર્ક દ્રારા સત્ય સમીપ જવા તૈયાર કર્યા. બાપ સ્કલ્પચર, માતા દાયણ અને સોક્રેટિસ સૈનિક હતાં. એથેન્સ સામે લડાઇમાં પણ વિરતાપૂર્વક ભાગ લીધો.
જ્યારે તમે માણસજાતનું ઓબ્ઝર્વેશન કરતાં શીખી જાવ ત્યારે તમે તેની લાક્ષણિકતાઓ સમજવા લાગો છે. માણસની વર્તણૂંક, તેના સ્વભાવની વિશેષતા વગેરે તેના ઘડતરની સાથે ભૌગોલિક પરિસ્થિતિ પર પણ આધાર રાખે છે. આપણે માનીએ છીએ કે યુરોપમાં શ્રેષ્ઠ દર્શનશાસ્ત્રીઓ ગ્રીસમાં જન્મ્યા. ગ્રીસમાં બે વિસ્તારો મહત્વપૂર્ણ હતાં, જેમનો અલગ અલગ ક્ષેત્રમાં અભ્યાસ કરવામાં આવે છે. એક વિસ્તાર છે સ્પાર્ટા અને બીજો વિસ્તાર છે એથેન્સ. આ બંને વચ્ચે વિખવાદ ચાલતા હતાં. શિપ ઓફ થિસીયસ જેવી દાર્શનિક પ્રણાલિ પણ એ વિવાદમાંથી જન્મી હતી.
સ્પાર્ટા મેદાની વિસ્તાર હતો, જ્યાં ખેતીવાડી હતી. સામાન્ય રીતે લોકોનું જીવન શિસ્તબદ્ધ હતું, ખેતીવાડી થકી ઇકોનોમી હતી અને શિસ્તબદ્ધ સૈન્ય પણ હતું. બીજી તરફ સમુદ્ર કિનારે વસેલા એથેન્સમાં મુખ્ય રોજગારી વેપાર હતો. એથેન્સમાં વેપાર થતો હોવાથી વિદેશીઓ પણ વસતા હતાં. એથેન્સમાં કંઈક અંશે ઠીકઠીક કહી શકાય તેવી સ્ત્રીઓ લોકશાહી હતી. એથેન્સની લોકશાહીમાં ગુલામોની મોટી સંખ્યા હતી. આ ગુલામો અને સ્ત્રીઓને કોઈ પણ અધિકાર ન હતાં, રાજનીતિમાં સંઘર્ષ હતાં. સોક્રેટિસ અને પ્લેટો જેવા દાર્શનિક એથેન્સમાં પેદા થયા અને તેમના વિચારો થકી માનવજાતનું કલ્યાણ થાય એવા વિચારો વ્યક્ત કર્યા હતા. આખી વાતનો સાર એટલો જ કે સ્પાર્ટામાં દાર્શનિક જન્મ્યા ન હતાં, પણ એથેન્સના કંઈક મુક્ત વિચારોમાં દર્શનશાસ્ત્ર વિકાસ પામ્યું હતું.
સોક્રેટિસ કહેતા કે લોકો મારી પાસે જ્ઞાન લેવા આવે છે, પણ હું કશું જાણતો જ નથી. આમ છતાં સોક્રેટિસ પોતાના ચિંતનમાં જ્ઞાનને સૌથી ઉપર રાખતો હતો. સોક્રેટિસ માનતો કે જો માણસજાતને સત્યનું જ્ઞાન થાય તો એ બીજા કોઈ માર્ગ પર જશે નહીં. માણસને સત્યના માર્ગ પર લાવવો હોય તો સત્તા પર દાર્શનિક હોવા જોઈએ. પોતાની જાતને અજ્ઞાની માનતા સોક્રેટિસ પાસે શિષ્યોની વણઝાર હતી.
એવું માનવામાં આવે છે કે સોક્રેટિસ જાડીયો અને વિચિત્ર દેખાવ ધરાવતો હતો, લોકો તેની પાસે સત્ય અને સૌંદર્ય સમજવા આવતા. સોક્રેટિસ ખુલ્લા પગે યુવા શિષ્યો સાથે રખડતા અને એક નંબરના પીયક્કડ હતાં. સોક્રેટિસ સાથે એનિટસ નામની વ્યક્તિ સાથે દુશ્મની થયેલી, કેમ કે એનિટસનો પુત્ર સોક્રેટિસની ટોળીમાં સામેલ હતો. આ માણસના મહત્વના રોલને કારણે સોક્રેટિસને મૃત્યુની સજા થઈ, જેમાં ઝેર પીવાનું હતું.
મરતી વેળા પણ સોક્રેટિસ કહેતો ગયો કે જીવવું કેવી રીતે એ તો શીખવ્યું, પણ મૃત્યુની કળા પણ શીખવીને જઇશ. આપણે કોઈ રોજિંદા જીવનમાં મરતાં નથી, એટલે આપણને સૌથી વધુ ડર મૃત્યુનો લાગે છે. સોક્રેટિસ જીવનભર અનેક વાતો કહી, પણ કોઈએ લખી નહીં.
એરિસ્ટોક્વિઝ નામના સોક્રેટિસના શિષ્યએ સોક્રેટિસના વિચારો ને શબ્દદેહ આપ્યો. એરિસ્ટોક્વિઝ મોટી કાયા ધરાવતો, તેથી તેના શિક્ષકે પ્લેટો નામ આપ્યું.
સોક્રેટિસને જે રીતે સજા કરવામાં આવી એ જોઇ પ્લેટો આસપાસના દેશોમાં દશેક વર્ષ રખડી આવ્યો અને પછી વતનમાં એક ફિલોસોફી માટે સ્કૂલ શરૂ કરી. પ્લેટો માનતો કે જ્ઞાનની વાતો સમજવી હોય તો કમસેકમ અપની અક્કલ લગાઓ. થોડા બુદ્ધિશાળી બનો. જે ટોળાશાહી કરે છે એ સત્ય છે એ ભ્રમણામાંથી બહાર આવો. મોટાભાગના ટોળા બેવકૂફ સમુદાય હોય છે.
પ્લેટોએ ત્રણ પુસ્તકો લખ્યા. પહેલું યુરોપિયા, જેમાં તંદુરસ્ત સમાજની કલ્પના કરી. સામાજિક કુરિવાજો દૂર કરીને વૈચારિક સમાજની રચના થાય.
પ્લેટોનું બીજું પુસ્તક રિપબ્લિક હતું, જેમાં રાજ્ય વ્યવસ્થા વિશે વાતો લખી. સારા શાસક થવા માટે તેણે સારા ફિલોસોફર બનવું જરૂરી છે. આ તો પોતાના જ વ્યવસાયને આગળ વધારવાની વાત કરી નાખી. આ વાત લખવાનો હેતુ એ હતો કે સત્તા પર બેઠેલી વ્યક્તિએ શારીરિક શ્રમ કરવાની જરૂર નથી. જો સત્તાધીશો શ્રમ કરશે તો એ થાકી જશે. જો સત્તાધીશો થાકેલા હશે તો પછી રાજ્યના કલ્યાણ માટે વિચારશે કોણ? આ કારણે સત્તાધીશો સારા વિચારકો હોવા જોઈએ. છે ને લોજિક?
ત્રીજું પુસ્તક અધૂરું રહ્યું ને પ્લેટો નિધન પામ્યા, જેનું નામ હતું લોજ. તંદુરસ્ત રાષ્ટ્ર અને સમાજ માટે કાયદાની ચર્ચા કરી હતી, જેમાં તમામ નાગરિકોને સમાન અધિકાર મળવા જોઈએ. આ વાત એકવીસમી સદીમાં સામાન્ય લાગે પણ એ યુગમાં ક્રાન્તિ હતી. આ પ્રકારના વિચારો પરથી તો આધુનિક સમાજની રચના થઈ હશે.
પ્લેટો મૃત્યુ પામ્યાના બીજા વર્ષે એરિસ્ટોટલ પેદા થયા, જેણે સિકંદરને શિક્ષણ આપ્યું હતું. એરિસ્ટોટલ દર્શન શાસ્ત્ર, કવિતાઓ, રાજનીતિ, જ્યોતિષ, ફિઝિક્સ જેવા વિષયોમાં અનુપમ જ્ઞાન પ્રદાન કર્યું. એરિસ્ટોટલ બંનેના એટલે કે સોક્રેટીસ અને પ્લેટોના વિચારોનો અભ્યાસુ હતો. પોલિટિક્સ નામના ગ્રંથમાં સરકારોની સારી અને ખરાબ બાબતો સમજાવી તો એથિક્સ નામના પુસ્તકમાં લખ્યું કે કોઈ પણ બાબતમાં અતિરેક સારો નહીં, સારા નાગરિક માટે સારો સમાજ બનાવવો પડશે. નાગરિકોને ધ્યાનમાં રાખીને એરિસ્ટોટલે લખ્યું કે શાસકની સત્તા ક્યારેય અમર્યાદિત હોવી જોઈએ નહીં. નાગરિક સત્તા સમક્ષ ઝુકવા માટે નથી બન્યો પણ શાસનને ચલાવવામાં મદદ કરવાની છે. એરિસ્ટોટલ માનતા કે સ્ત્રીઓને બહુ બધા અધિકાર આપવાની જરૂર નથી. સ્ત્રીઓ શારીરિક રીતે નાજુક હોય છે, તે થોડો શ્રમ કરીને થાકી જાય તો વિચારશે ક્યારે? એણે તો લખ્યું કે પુરૂષની શોભા સ્ત્રીને આદેશ આપવામાં છે અને સ્ત્રીની શોભા આદેશના પાલન કરવામાં છે. આ વિચારો આજના જમાનામાં એક ક્ષણ માટે પણ સ્વીકાર્ય નથી, છતાં આપણી નજર સમક્ષ સ્ત્રીઓને અન્યાય થતી હોય એવી અસંખ્ય ઘટનાઓ બને છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે પશ્ર્ચિમ એટલે ઉદાર વિચારકોનો પ્રદેશ, એવું કશું નથી. એરિસ્ટોટલ તેમના વિચારોમાં નાગરિક ધર્મની શ્રેષ્ઠ વાતો પણ કરી, સાથોસાથ સ્ત્રીઓને
અધિકારમુક્ત પણ રાખી.
એરિસ્ટોટલ એક વાત માનતો કે માણસે બહુ ધન કમાવવાની લાલસા રાખવી જોઈએ નહીં. વધારે ધન કમાવવાની લાલસામાંથી સામાજિક પતન અને ભ્રષ્ટાચારનો પ્રારંભ થાય છે. સંપત્તિ એટલી જ હોવી જોઈએ જેનાથી માણસ સદગુણો જાળવી શકે. એરિસ્ટોટલ માનતો કે માણસ જે સમયે અન્યાય અને અસમાનતાનો અહેસાસ કરે ત્યારે તેના મનમાં ક્રાંતિના વિચારો જન્મતા હોય છે. એરિસ્ટોટલ રાજકીય સ્થિરતાને ખૂબ મહત્વ આપતો પણ સામાજિક ઉત્થાન તેના કવરેજમાં ખાસ ન હતો. એરિસ્ટોટલના વિચારોને વિશ્વભરની યુનિવર્સિટીમાં માસ્ટર્સ સુધી ભણાવવામાં આવે છે. એક ભૂલ કરી, સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે પણ કોઇક તો ફરે છે એ વિચાર આપ્યો. આપણે વિશ્ર્વના મહાન વિચારોની આસપાસ ફરીએ છીએ. વિશ્ર્વ નાગરિક બનવા માટે….
ધ એન્ડ : પહેરવાવાળાને જ ખબર હોય છે કે જૂતાં ક્યાં નડે છે… – એરિસ્ટોટલ